મજબૂત અન્ડરટોન અને નવા આશાવાદ સાથે સંવત 2079ને શેરબજારની વિદાય
- વર્ષના અંતિમ સત્રમાં સાંકડી વધઘટ બાદ સેન્સેકસ ૭૨ પોઇન્ટ વધી ૬૪૯૦૪
- નિફટી ૩૦ પોઇન્ટ ઊંચકાઈ ૧૯૪૨૫ બંધ
મુંબઈ : વૈશ્વિક આર્થિક સંકટના વાતાવરણ વચ્ચે સંવત ૨૦૭૯ને ભારતીય શેરબજારે આજે વિદાય આપી હતી. વિતેલા વર્ષમાં ભારતીય શેરબજારોના મુખ્ય ઈન્ડાઈસિસો સેન્સેકસ તથા નિફટી૫૦એ ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી. લોકલ ફંડો તથા રિટેલ રોકાણકારોના અઢળક નાણાં પ્રવાહને પગલે સંવત ૨૦૭૯ તેજીનું વર્ષ પસાર થયા બાદ સંવત ૨૦૮૦માં બજાર નવા ઈતિહાસ રચશે એવા ખેલાડીઓમાં વિશ્વાસ જોવા મળતો હતો. ગઈ દિવાળી બાદ ડિસેમ્બર ૨૦૨૨માં સેન્સેકસે ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી પરંતુ માર્ચમાં તે ગબડી બાવન સપ્તાહની નીચી સપાટીએ સરકી ગયો હતો.જો કે ત્યારબાદ ફરી સુધારો જોવાયો હતો.
૨૦૨૪માં દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વર્તમાન સરકાર ફરી સત્તા પર આવશે તો બજારમાં મોટોજમ્પ મળવાની રોકાણકારો અપેક્ષા રાખી રહ્યા છે. સંવત ૨૦૭૯ના વર્ષનો પ્રારંભ સેન્સેકસે ૫૯૮૩૧.૬૬ જ્યારે નિફટી૫૦એ ૧૭૭૩૮.૪૫ની સપાટીથી કર્યો હતો. સંવત ૨૦૭૯ના ઑજે અંતિમ સત્રમાં મુખ્ય ઈન્ડાઈસિસ સાંકડી વધઘટે છેવટે સુધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈ સેન્સેકસ નીચામાં ૬૪૫૮૦.૯૫ તથા ઉપરમાં ૬૫૦૧૪.૦૬ વચ્ચે અથડાઈ છેવટે ૭૨.૪૮ વધી ૬૪૯૦૪.૬૮ બંધ રહ્યો હતો. નિફટી૫૦ નીચામાં ૧૯૩૨૯.૪૫ તથા ઉપરમાં ૧૯૪૫૧.૩૦ થઈને છેવટે ૩૦.૦૫ વધી ૧૯૪૨૫.૩૫ બંધ રહ્યો હતો. આમ ૨૦૭૯નું વર્ષ મજબૂત અન્ડરટોન સાથે સમાપ્ત થયું છે. અંતિમ સત્રમાં બેન્કિંગ, ફાઈનાન્સિઅલ, ઓઈલ અને ગેસ તથા પાવર શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. સંવત ૨૦૮૦ના મુરતના સોદા પાર પાડવા બીએસઈ તથા એનએસઈ દ્વારા રવિવાર ૧૨ નવેમ્બરે સાંજે ખાસ સત્રનું આયોજન કરાયું છે. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ૧૮૪૧ શેરના ભાવ વધ્યા હતા જ્યારે ૧૮૪૭ના ઘટયા હતા અને ૧૩૨ના શેરભાવ બદલાયા વગરના રહ્યા હતા.
બેન્ક શેરો ઉછળ્યા: ફેડરલ, આઈડીએફસી ફર્સ્ટ, બેન્ક ઓફ બરોડા, એક્સિઝ બેન્ક સહિતના બેન્ક શેરોમાં આકર્ષણ
સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના બેન્કોના પરિણામો અપેક્ષા કરતા સારા રહેતા અને મોટાભાગની બેન્કોમાં એનપીએનું પ્રમાણ નીચે જતા બેન્ક શેરોમાં રોકાણકારોનું આકર્ષણ રહ્યું હતું. ફેડરલ બેન્ક રૂપિયા ૨.૩૦ વધી રૂપિયા ૧૪૯.૮૫, બેન્ક ઓફ બરોડા રૂપિયા ૧.૮૫ વધી રૂપિયા ૧૯૪.૮૫, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક ૦.૭૦ વધી રૂપિયા ૮૫.૩૫ બંધ રહ્યો હતો. એક્સિઝ બેન્ક રૂપિયા ૭.૩૦ વધી રૂપિયા ૧૦૨૯.૨૦ બંધ રહ્યો હતો. ધિરાણ ઉપાડમાં વધારા સાથે બેન્કોની વ્યાજ મારફતની આવકમાં પણ તાજેતરના સમયમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને પરિણામે રોકાણકારો સારા મૂલ્ય સાથેના બેન્ક શેરો તરફ આકર્ષાય રહ્યા છે.
દેશની તેલ કંપનીઓ ફરી નફો કરતી થતાં ઓઈલ એન્ડ ગેસ શેરોમાં નીચા મથાળે લેવાલી
વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં દેશની સરકારી તેલ કંપનીઓએ એકંદરે રૂપિયા ૨૭૨૯૫ કરોડનો નેટ પ્રોફિટ હાંસલ કર્યો છે. તંદૂરસ્ત માર્કેટિંગ માર્જિનને કારણે સરકારી કંપનીઓ બીપીસીએલ, આઈઓસી તથા એચપીસીએલે બજારની ધારણાં કરતા સારી આવક કરી છે અને ફરી નફો બતાવ્યો છે. ઓઈલ કંપનીઓની સ્થિતિમાં સુધારો થતાં નીચા મથાળે રોકાણકારોની લેવાલી જોવા મળી હતી. ઓએનજીસી રૂપિયા ૩.૨૦ વધી રૂપિયા ૧૯૫.૯૦, ગુજરાત સ્ટેટ પેટ્રો રૂપિયા ૪.૨૦ વધી રૂપિયા ૨૭૪.૪૦, ગેઈલ રૂપિયા ૧.૪૫ વધી રૂપિયા ૧૨૫.૬૦, ગુજરાત ગેસ રૂપિયા ૩.૯૫ વધી રૂપિયા ૪૧૭.૫૫ બંધ રહ્યો હતો. ઉછાળે પ્રોફિટ બુકિંગથી આઈઓસી ઘટાડે બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં મિશ્ર પ્રવાહ:આઈટીસી, ટાટા કન્ઝયૂ. વરુણ બિવરેજિસ ઊંચકાયા
ફુગાવાજન્ય દબાણ ઘટતા સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી)ના વેચાણ વોલ્યુમમાં ૮.૬૦ ટકા વધારો જોવા મળ્યો છે. ફુગાવો ઘટતા ઉપભોગ માગ વધી હતી. જો કે કૃષિ પાકોના ઊંચા ભાવથી કંપનીઓના માર્જિન પર દબાણ આવવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. એફએમસીજી શેરોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આઈટીસી રૂપિયા ૨.૧૫ વધી રૂપિયા ૪૩૬.૫૫, ટાટા કન્ઝયૂ. રૂપિયા ૯.૮૫ વધી રૂપિયા ૯૧૨.૭૦, વરુણ બિવરેજિસ રૂપિયા ૬.૫૦ વધી રૂપિયા ૧૦૦૯.૦૫ બંધ રહ્યા હતા. ડાબર રૂપિયા ૧.૫૦ ઘટી રૂપિયા ૫૩૩.૩૫, ગોદરેજ કન્ઝયૂમર રૂપિયા ૩.૬૦ વધી રૂપિયા ૯૮૪.૩૦ જ્યારે ઈમામી રૂપિયા ૫.૮૦ ઘટી રૂપિયા ૫૧૩.૦૫ બંધ રહ્યો હતો.
એફઆઈઆઈની નેટ વેચવાલી ચાલુ બીજી તરફ ડીઆઈઆઈની નેટ ખરીદી જળવાઇ રહી
વર્ષના અંતિમ સત્રમાં એફઆઈઆઈએ રૂપિયા ૬૫૮૩.૫૭ કરોડની ખરીદી કરી હતી જ્યારે રૂપિયા ૬૮૪૫.૩૮ કરોડનો માલ વેચ્યો હતો આમ એફઆઈઆઈની રૂપિયા ૨૬૧.૮૧ કરોડની નેટ વેચવાલી આવી હતી. બીજી બાજુ ડીઆઈઆઈએ રૂપિયા ૫૪૧૬.૭૮ કરોડનો માલ વેચ્યો હતો જ્યારે રૂપિયા ૬૨૩૯.૪૨ કરોડની ખરીદી કરી હતી. આમ ઘરેલું રોકાણકારોની રૂપિયા ૮૨૨.૬૪ કરોડની નેટ લેવાલી રહી હતી.