નિફ્ટી50 વધી 25000 થવાનો JP Morganનો અંદાજ, જાણો કેમ અને ક્યારે?
Image: FreePik |
Nifty50 Outlook By JP Morgan: સેન્સેક્સ ગત સપ્તાહે નોંધાવેલા 2500થી વધુ પોઈન્ટના ગાબડાં બાદ સતત 3 દિવસમાં 1249.46 પોઈન્ટ સુધર્યો છે. નિફ્ટી પણ 22500ના લેવલ તરફ આગળ વધ્યો છે. સ્થાનિક સ્તરે તમામ પરિબળોને ધ્યાનમાં લેતાં બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગને નિફ્ટી ટૂંકસમયમાં 25 હજારનું લેવલ ક્રોસ કરે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે.
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને આશાવાદ વ્યક્ત કર્યો છે કે, જો આ લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત થાય તો નિફ્ટી 50 આગામી સમયમાં 25 હજારનું લેવલ ક્રોસ કરશે. રોકાણકારોને નીચા મથાળે ખરીદી વધારવા સલાહ પણ આપી છે. અર્થાત રોકાણકાર ગુણવત્તાયુક્ત અને મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા શેર્સમાં ખરીદી વધારી શકે છે.
આ સેક્ટર્સના શેર્સને ધ્યાનમાં લો
જેપી મોર્ગને નિફ્ટીમાં ઉછાળા સાથે ડિફેન્સ, રિયાલ્ટી અને બેન્કિંગ શેરો પર ફોકસ રાખવા સલાહ આપી છે. જીડીપી ગ્રોથમાં વધારો નોંધાવા ઉપરાંત ઔદ્યોગિક ગતિવિધિઓ પણ રેકોર્ડ સ્તરે વધી રહી છે. પરિણામે નિફ્ટી-50માં તેજીનો માહોલ જળવાય તેવી સંભાવનાઓ છે. જેપી મોર્ગને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પ્રત્યે પોઝિટીવ વલણ દર્શાવ્યું છે. તેમજ પોર્ટ્સ, અને દરિયાઈ માર્ગો પર પરિવહન સાથે જોડાયેલી કંપનીઓના શેરોને ધ્યાનમાં લેવા કહ્યું છે.
નીચામાં નિફ્ટી 16000 થશે
જો ઉપરોક્ત પરિબળોની વિપરિત પરિણામ આવે તો ખરાબ સ્થિતિમાં નિફ્ટી વર્તમાન સ્તરથી 6500 પોઈન્ટ તૂટી 16000ના લેવલે પહોંચી શકે છે. તદુપરાંત વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસનુ જોખમ, ફેડ રિઝર્વના રેટ કટમાં વધુ વિલંબ, ક્રૂડમાં વધારો સહિતની ઘટનાઓથી વૈશ્વિક સ્તરે મંદીની સ્થિતિ જોવા મળી શકે છે. જેની ભારતીય શેરબજારો પર પણ અસર થઈ શકે છે.