શેરબજારમાં રોકાણકારો માલામાલ, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મિડકેપ શેર્સમાં પણ તેજી
Stock Market All Time High: શેરબજારમાં ગત સપ્તાહની તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ થયા હતા. સ્મોલકેપ અને મિડકેપ શેર્સમાં પણ તેજીના પગલે ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા.
સેન્સેક્સ આજે 94.39 પોઈન્ટના સુધારા સાથે ખૂલ્યા બાદ 293.4 પોઈન્ટ ઉછળી 83184.34ની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 25500ના લેવલ તરફ આગેકૂચ કરતાં 24445.70ની ઐતિહાસિક ટોચ નોંધાવવામાં સફળ રહ્યો છે. 11.00 વાગ્યે સેન્સેક્સ 100 પોઈન્ટ આસપાસ અને નિફ્ટી 32.70 પોઈન્ટ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે
રોકાણકારોની મૂડી 10 લાખ કરોડ વધી
સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીની ચાલ સાથે ઓલટાઈમ હાઈ નોંધાવતાં બીએસઈ માર્કેટ કેપ 471.01 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. આ સાથે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની મૂડી રૂ. 10.25 લાખ કરોડ વધી છે. ગત બુધવારે માર્કેટ કેપ 460.76 લાખ કરોડ હતી. સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે 299 શેર્સ વર્ષની ટોચે, જ્યારે 363 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. બીજી તરફ 24 શેર્સ 52 વીક લો અને 180 શેર્સમાં લોઅર સર્કિટ નોંધાઈ હતી.
આ પણ વાંચોઃ યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શન કરનારા માટે મોટા સમાચાર, ટેક્સ ચૂકવણીની લિમિટ બદલાઈ
સ્મોલકેપ, મિડકેપ સહિત આ સેક્ટર્સમાં પણ તેજી
છેલ્લા બે સપ્તાહથી શુષ્ક બનેલા સ્મોલકેપ અને મિડકેપ શેર્સ ફરી પાછા તેજીમાં આવ્યા છે. આજે બીએસઈ મિડકેપ 49506.01 અને સ્મોલકેપ 57502.74ની રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. આ સિવાય હેલ્થકેર, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર્સમાં પણ આકર્ષક લેવાલીના પગલે ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ થયા હતા. બજારની તેજી વચ્ચે બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓનું 114.29 ટકા પ્રીમિયમે ધમાકેદાર લિસ્ટિંગથી ફાઈનાન્સિયલ શેર્સમાં ખરીદી વધી હતી. સેન્સેક્સ પેકની તેજી પાછળ યોગદાન એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિત બેન્કિંગ શેર્સના વોલ્યૂમમાં વધારો છે.
શેરબજારમાં તેજી પાછળ કારણ
માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે કે, વૈશ્વિક સ્તરે શેરબજારમાં તેજીના સથવારે સ્થાનિક બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. આ બુધવારે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારોને વ્યાજના દરોમાં 25થી 50 bpsનો ઘટાડો થવાનો તીવ્ર આશાવાદ છે. જેના પગલે ઈક્વિટી અને બુલિયન માર્કેટમાં તેજી આવી છે. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ આર્થિક વૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે. મજબૂત આઈઆઈપીના પગલે આગામી મહિને રજૂ થનારા કોર્પોરેટ પરિણામો પણ પ્રોત્સાહક રહેવાની શક્યતા છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.