Get The App

માર્કેટ ખૂલતાં જ અદાણી ગ્રૂપના શેર ધડામ, 20 ટકા સુધી નુકસાન

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
માર્કેટ ખૂલતાં જ અદાણી ગ્રૂપના શેર ધડામ, 20 ટકા સુધી નુકસાન 1 - image


Adani Group Stocks: ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. જેને લઈને ભારતીય શેરબજારમાં અદાણી ગ્રૂપના લિસ્ટેડ શેરોમાં ઘટાડો થયો છે. અદાણી ગ્રૂપના શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 10 ટકા ઘટીને 2539 રૂપિયા પર આવી ગયો છે અને શેર લોઅર સર્કિટ પર આવી ગયો છે. અદાણી પોર્ટ્સમાં પણ 10 ટકા, અંબુજા સિમેન્ટમાં 10 ટકા અને અદાણી પાવરમાં 16 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો નોંધાયો 

ગુરુવારે (21મી નવેમ્બર) શેરબજાર ખુલતાંની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો નોંધાયો હતો.અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 20 ટકા ઘટીને 697.70 રૂપિયા થયો હતો. અદાણી ટોટલ ગેસનો શેર 14 ટકા ઘટીને 577.80 રૂપિયા, અદાણી ગ્રીન એનર્જીનો શેર 18 ટકા ઘટીને  1159 રૂપિયા, ACCનો શેર 10 ટકા ઘટીને 1966.55 રૂપિયા થયો હતો. આ ઉપરાંત અદાણી પૉર્ટ એન્ડ સેઝનો શેર પણ 10 ટકા ઘટીને 1160 રૂપિયા, અદાણી વિલ્મરનો શેર 8 ટકા ઘટીને  301 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 'મહા'મતદાન, 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: કોને થશે ફાયદો?


અદાણી વિરુદ્ધ અમેરિકામાં લાંચ-છેતરપિંડીનો કેસ

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં બુધવારે (20મી નવેમ્બર) દાખલ એક કેસમાં તેમની સામે પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં 25 કરોડ ડૉલર(આશરે 20.75 અબજ રૂપિયા)ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમેરિકાના પ્રોસિક્યુટર્સ(સરકારી વકીલ)નો આરોપ છે કે અદાણી તથા તેમની કંપનીના અન્ય સિનિયર અધિકારીઓએ રિન્યુઅલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલાવામાં ભારતીય અધિકારીઓને પૈસા આપવાનો વાયદો કર્યો હતો. આ કોન્ટ્રાક્ટથી કંપનીને 20 વર્ષમાં 2000 (બે હજાર) અબજ ડૉલરથી વધુનો નફો થવાની આશા હતી. જો કે, સમગ્ર આરોપ મામલે અદાણી ગ્રૂપ તરફથી અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી. 

શું છે સમગ્ર મામલો? કઈ રીતે લાગ્યા આરોપ? 

ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી જ નહીં સાત લોકો પર અબજો ડૉલરની છેતરપિંડી તથા રૂશ્વતનો આરોપ લગાવ્યો છે. ભારતીય અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનું ફંડ અદાણીએ અમેરિકામાંથી ભેગું કરવાનું નક્કી કર્યું અને અમેરિકન તથા વિદેશી રોકાણકારો તથા બૅંકો સામે જૂઠ્ઠું બોલવાનો પણ આરોપ છે. 

અદાણીનો ભત્રીજો પણ આરોપી 

આરોપીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી તથા ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ પણ સામેલ છે. આટલું જ નહીં રૉયટર્સનો દાવો છે કે ગૌતમ અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ કેસમાં સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: કડીની ભાગ્યોદય હોસ્પિટલ PMJAYના કૌભાંડનું એપી સેન્ટર, ક્લેમ કરીને 6 કરોડની કરી કમાણી

ભારતમાં લાંચ આપવા અમેરિકાથી ફંડ ભેગું કર્યું 

- વર્ષ 2020થી 2024ની વચ્ચે અદાણીએ ભારત સરકારનો સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા અધિકારીઓને 25 કરોડ ડૉલર લાંચ આપવા તૈયાર થયા. પછી એક ભારતીય અધિકારી સાથે મુલાકાત કરી. સાગર અદાણી અને વિનીતે સ્કીમ માટે મીટિંગ રાખી. 

- બાદમાં લાંચની રકમ ભેગી કરવા માટે અદાણીએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કોન્ટ્રાક્ટના નામે અમેરિકાના રોકાણકારો પાસેથી ત્રણ બિલિયન ડૉલરનું ફંડ ભેગું કર્યું. 

- બાદમાં FBI અને યુએસ સિક્યુરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ કમિશનની તપાસ રોકવાના પણ પ્રયાસ કર્યા. સ્કીમથી જોડાયેલા ઈમેલ, મેસેજ અને એનાલિસિસ ડિલીટ કરી દેવામાં આવ્યા. 

આમ ટૂંકમાં સોલાર એનર્જીની એક યોજનામાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતના અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનો વાયદો કર્યો. બાદમાં અમેરિકામાં રોકાણકારોથી ખોટું બોલીને ફંડ ભેગું કર્યું. બાદમાં તપાસમાં અડચણ ઊભી કરવાના પ્રયાસ પણ કર્યા.

FBIના અધિકારી જેમ્સ ડેનન્હિએ કહ્યું છે કે આરોપીઓએ ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે.

માર્કેટ ખૂલતાં જ અદાણી ગ્રૂપના શેર ધડામ, 20 ટકા સુધી નુકસાન 2 - image


Google NewsGoogle News