દેશની જીડીપીમાં ગુજરાતનું યોગદાન સતત વધ્યું, પશ્ચિમ બંગાળ સહિત આ રાજ્યોનો વિકાસ રૂંધાયો
GDP Contribution of States of India: વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)એ ભારતના સૌથી અમીર અને ગરીબ રાજ્યોનો ખુલાસો કરતો અહેવાલ બહાર પાડ્યો છે. જેના પરથી દેશના કુલ જીડીપીમાં કયા રાજ્યોનું કેટલું યોગદાન છે અને રાજ્યની આર્થિક સ્થિતિનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે. જેમાં પશ્ચિમ બંગાળના આંકડા આશ્ચર્યજનક છે.
ગુજરાતના જીડીપી યોગદાનમાં સતત વધારો
ઈન્ડસ્ટ્રીયલ હબ ગણાતા ગુજરાતનો આર્થિક વિકાસ સતત વધી રહ્યો છે. રિપોર્ટ મુજબ, છેલ્લા બે દાયકાથી દેશના જીડીપીમાં ગુજરાતનુ યોગદાન સતત વધ્યું છે. 1960-61માં 5.8 ટકાનું જીડીપી યોગદાન આજે વધી 2023-24માં 8.2 ટકા થયું છે. જે 2020-21માં 8.1 ટકા હતું.
પશ્ચિમ બંગાળના આંકડાએ ચિંતા વધારી
EAC-PM રિપોર્ટ અનુસાર, દેશના જીડીપીમાં મમતા બેનર્જી સરકાર હેઠળ પશ્ચિમ બંગાળનો હિસ્સો ઝડપથી ઘટ્યો છે. છેલ્લા કેટલાક દાયકાઓથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દેશના જીડીપીમાં પશ્ચિમ બંગાળનો હિસ્સો જે 1960-61માં 10.5% હતો, તે હવે ઘટીને માત્ર 5.6% થઈ ગયો છે. એટલું જ નહીં, અહીં માથાદીઠ સરેરાશ આવક પણ રાષ્ટ્રીય સરેરાશના 83.7% પર આવી ગઈ છે, જે પહેલાં 127.5% હતી. તેની માથાદીઠ આવક પછાત ગણાતા રાજ્ય રાજસ્થાન અને ઓરિસ્સા કરતાં પણ ઓછી છે.
ગુજરાતની માથાદીઠ આવક વધી
ગુજરાતની માથાદીઠ આવક પણ છેલ્લા બે દાયકાથી સતત વધી છે. જે 1990-91માં 103.9 ટકા હતી. જે વધી 2023-24માં 160.7 ટકા થઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, તમિલનાડુની માથાદીઠ આવક વધી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરની માથાદીઠ આવક ઘટી છે.
પશ્ચિમ બંગાળના આ આંકડા ચિંતાજનક છે, કારણ કે રાજ્યમાં માથાદીઠ આવકનું સ્તર રાજસ્થાન અને ઓડિશા જેવા પરંપરાગત રીતે પછાત રાજ્યો કરતા ઓછું છે. તેની પ્રારંભિક આર્થિક તાકાત હોવા છતાં, પશ્ચિમ બંગાળમાં સતત અને આશ્ચર્યજનક ઘટાડો જોવા મળ્યો છે. બંગાળને બાદ કરતાં અન્ય દરિયાકાંઠાના રાજ્યોએ દેશના અન્ય રાજ્યો કરતાં સારું પ્રદર્શન કર્યું છે.
બિહારની સ્થિતિ સુધરી, મહારાષ્ટ્રને અહીં આંચકો લાગ્યો
રિપોર્ટમાં પશ્ચિમ બંગાળની સ્થિતિ દયનીય ગણાવવામાં આવી છે, જ્યારે બિહારના આંકડા રાહતરૂપ છે કારણ કે છેલ્લા બે દાયકામાં તેની સ્થિતિ સ્થિર રહી છે. આ હોવા છતાં, તે હજી પણ અન્ય રાજ્યોથી ખૂબ પાછળ છે, તેણે ખૂબ જ ઝડપથી વિકાસ કરવો પડશે. દેશનું ત્રીજું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય હોવા છતાં, જીડીપીમાં તેનું યોગદાન 4.3% છે. આ સિવાય જીડીપીમાં ઉત્તર પ્રદેશનું યોગદાન 1960-61માં 14% થી ઘટીને 9.5% થઈ ગયું છે.