આર્થિક વિકાસની દોડમાં દ.ભારતના રાજ્યોનો દબદબો; યુપી-બંગાળ-બિહાર બીમાર સાબિત થયા
Economic Development: વડાપ્રધાનની ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલે જારી કરેલા વર્કિંગ પેપર પર મુજબ આર્થિક વિકાસની દોડમાં દક્ષિણના રાજ્યો ઉત્તરના રાજ્યો સામે મેદાન મારી ગયા છે. તેના લીધે કર્ણાટક, તમિલનાડુ, કેરળ, તેલંગણા અને આંધ્ર જેવા રાજ્યો ઘણાં આગળ નીકળી ગયા છે. જ્યારે બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો પાછળ રહી ગયા છે. આમ આર્થિક ઉદારીકરણની દોડમાં દેશના દક્ષિણ હિસ્સાનું ઉત્તરાયન (વિકાસ) થયું છે, જ્યારે ઉત્તરનું દક્ષિણાયન (વિકાસ ઘટ્યો) થયું છે.
દેશમાં 1991માં દક્ષિણના પાંચ રાજ્યોની વ્યક્તિ દીઠ આવક રાષ્ટ્રીય સરેરાશથી પણ ઓછી હતી. પણ ભારતીય અર્થતંત્રનું ઉદારીકરણ કરવામાં આવતા આ રાજ્યોએ ઝડપી આર્થિક વૃદ્ધિ સાધી હતી. અને રાજ્યોને વિકાસના પથ પર દોટ મૂકવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો: અમેરિકાએ 4 વર્ષ બાદ લીધો મોટો નિર્ણય, આજે ભારતીય શેરબજારમાં થશે મોટી ઉથલપાથલ
આજે માર્ચ 2024 સુધીમાં આ પાંચ રાજ્યો દેશની જીડીપીમાં 30 ટકા ફાળો આપે છે. તેમા કર્ણાટક ટેક હબ છે, તમિલનાડુ ઇન્ડસ્ટ્રીયલ હબ છે. કેરળ ટુરિઝમ હબ થે તો 2014માં નવા બનેલા રાજ્ય તેલંગણાએ પણ દાયકામાં શાનદાર વૃદ્ધિ દાખવી છે. તેનાથી વિપરીત 1960-61માં ભારતની જીડીપીમાં એક સમયે 10.6 ટકા હિસ્સો ધરાવતા પશ્ચિમ બંગાળનો હિસ્સો ઘટીને આજે અડધો એટલે કે 5.6 ટકા થઈ ગયો છે. રાજ્યની વ્યક્તિ દીઠ આવક એક સમયે રાષ્ટ્રીય સરેરાશની તુલનાએ 127 ટકા હતી, જે હવે 83.7 ટકા છે. આજે તે ઓડિશા અને રાજસ્થાન જેવા રાજ્યોથી પણ પાછળ છે. આશ્ચર્યની વાત એ છે કે વ્યૂહાત્મક મેરિટાઈમ લોકેશન અને ઐતિહાસિક વારસા છતાં બંગાળ સારી કામગીરી બજાવવામાં નિષ્ફળ રહ્યું છે.
આવું જ પંજાબનું જોવા મળી રહ્યું છે. હરિત ક્રાંતિથી લાભાન્વિત પંજાબના આર્થિક વૃદ્ધિ દર 1991થી સાવ ઠંડો રહ્યો છે. રાજ્યની વ્યક્તિ દીઠ આવક એક સમયે 1971માં રાષ્ટ્રીય સરેરાશના 199 ટકા હતી જે હવે 2024મા ઘટીને 106 ટકા રહી ગઈ છે. તેનાથી વિપરીત હરિયાણાની વ્યક્તિ દીઠ આવક વધીને રાષ્ટ્રીય સરેરાશના 176.8 ટકા થઈ ગઈ છે. તેનો મોટાભાગનો વૃદ્ધિ દર 2000ના વર્ષ પછી આવ્યો છે. હરિયાણા એક સમયે પંજાબ કરતાં પાછળ હતું, આજે તે બધા માપદંડ પર પંજાબ કરતાં આગળ છે.
ભારતની જીડીપીમાં હિસ્સો તાજેતરમાં 15 ટકાથી 13.3 ટકા થયો હોવા ચતાં મહારાષ્ટ્રે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ દેશની નાણાકીય રાજધાની પણ છે. 2024માં મહારાષ્ટ્રની વ્યક્તિ દીઠ આવક રાષ્ટ્રીય સરેરાશના 150.7 ટકા છે. જો કે વ્યક્તિ દીઠ આવકની રીતે રાજ્ય ટોચના પાંચ રાજ્યમાં ક્યાંય આવતું નથી.
આ અહેવાલ ગરીબ રાજ્યોના સૌથી મોટા પડકારો પર પ્રકાશ પાડે છે. એક સમયે ભારતની જીડીપીમાં 1960-61માં 14 ટકા હિસ્સો ધરાવતું ઉત્તરપ્રદેશ હાલમાં ફક્ત 9.5 ટકો હિસ્સો જ ધરાવે છે. આ જ રીતે બિહાર દેશના સૌથી વધુ વસ્તીવાળા રાજ્યમાં સ્થાન પામતું હોવા છતાં દેશના જીડીપીમાં માંડ 4.3 ટકા ફાળો આપે છે. ઓડિશા જેવું રાજ્ય દેશના બીમાર રાજ્યના ટેગમાંથી બહાર આવી ગયું છે, પરંતુ યુપી, બિહાર અને બંગાલ દેશના બીમાર રાજ્ય જ રહ્યા છે. આ અહેવાલ બતાવે છે કે આર્થિક ઉદારીકરણની નીતિ 1991માં શરુ થઈ તો સાઉથના રાજ્યો તેનો ફાયદો ઉઠાવીને જીડીપીમાં ફાળાની રેસમાં કેવી રીતે આગળ નીકળી ગયા અને ઉત્તરના રાજ્યો તેમા કેમ પાછળ રહી ગયા તે રાજ્યાએ અપનાવેલી નીતિઓના બાબતે વિચારણા અને ચર્ચા માંગી લેતી બાબત છે.