જાણીતી કોફી બ્રાન્ડ માટે ઘટતી આવક પડકાર, છટણી કરવા 1100 કર્મચારીની યાદી તૈયાર
Starbucks Layoffs: વર્લ્ડ ફેમસ કોફી બ્રાન્ડ સ્ટારબક્સ મોટાપાયે છટણી કરવા જઈ રહી છે. તે વિશ્વભરમાં કોફી હાઉસ ચેઈન ધરાવે છે. ભારતમાં ટાટા ગ્રૂપ સાથે તેનું જોઈન્ટ વેન્ચર છે. જો કે, તે સ્ટાફમાં ઘટાડો કરવાના હેતુ સાથે 1100 જેટલા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. સ્ટારબક્સના સીઈઓએ કંપનીના રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ મોટાપાયે છટણી કરવાની જાહેરાત કરી છે.
વેચાણ ઘટ્યાં
મીડિયા રિપોર્ટ અનુસાર, સ્ટારબક્સ કોર્પ પોતાના વર્કફોર્સમાં 1100 જેટલા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. ચેરમેન અને સીઈઓ બ્રાયન નિકોલ પણ ગત સપ્ટેમ્બર, 2024માં કાર્યભાર સંભાળ્યો હતો. બ્રાયન નિકોલ સીઈઓ બન્યા બાદ સ્ટારબક્સના વેચાણો ઘટ્યા છે. આવકમાં ઘટાડા વચ્ચે કંપનીએ ગઈકાલે સોમવારે કર્મચારીઓના નામની યાદી જારી કરતો પત્ર લખી છટણી કરવાની માહિતી આપી હતી. મંગળવારે બપોર સુધી આ છટણીનો ભોગ બની રહેલા કર્મચારીઓને સૂચિત કરવામાં આવશે.
16000 કર્મચારીઓ કાર્યરત
સીઈઓ બ્રાયને 2025ની શરૂઆતમાં જ આ છટણી અંગે માહિતી આપી દીધી હતી. તેમણે કહ્યું હતુ કે, માર્ચ મહિનાની શરૂઆતમાં સ્ટારબક્સ છટણી કરશે. 1100 કર્મચારીઓની છટણી બાદ ખાલી પડેલી જગ્યાઓને દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે, વિશ્વભરમાં સ્ટારબક્સ 16000 જેટલા કર્મચારીઓ ધરાવે છે. કંપની વિશ્વના 80 દેશોમાં 36000થી વધુ સ્ટોર ધરાવે છે.
આ કર્મચારીઓ છટણીમાંથી બાકાત
સ્ટારબક્સ દ્વારા જારી કરવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, અમારો ઉદ્દેશ સૌથી વધુ કુશળતા સાથે કામ કરવા, જવાબદારીઓ વધારવા, જટિલતાઓ ઘટાડવા તેમજ એકીકરણને પ્રોત્સાહન આપવાનો છે. જેને ધ્યાનમાં રાખતાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવી છે. પરંતુ રોસ્ટિંગ અને વેરહાઉસ સંબંધિત સ્ટાફ છટણી પ્રક્રિયાનો ભાગ નહી રહે. જે કર્મચારીઓ છટણીનો ભોગ બનશે, તેમને 2 મે, 2025 સુધીનો પગાર અને અન્ય લાભ મળશે.
ભારતમાં 1000 સ્ટોર ખોલવાનું લક્ષ્યાંક
ભારતમાં સ્ટારબક્સ ટાટા ગ્રૂપ સાથે જોઈન્ટ વેન્ચરમાં કોફીહાઉસ ધરાવે છે. ટાટા સ્ટારબક્સે ઓક્ટોબર, 2012માં ભારતમાં કોફીહાઉસ ચેઈન શરૂ કરી હતી. વર્ષ 2024 સુધી તેણે દેશભરમાં 390 સ્ટોર ખોલ્યા છે. 2028 સુધીમાં 1000 સ્ટોર શરૂ કરવાનો લક્ષ્યાંક છે.