મોંઘવારી 60%ને પાર, શ્રીલંકાની સરકાર નોટ છાપવાનું બંધ કરશે
અમદાવાદ,તા.5 જુલાઈ 2022,મંગળવાર
ભારતનો વધુ એક પાડોશી દેશ ઈતિહાસની સૌથી મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. શ્રીલંકા પાસે ક્રૂડ ખરીદવા માટે પૈસા નથી અને સ્થાનિક કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૈસા છાપે છે. જોકે હવે ઝડપથી વધી રહેલી ફુગાવાને નિયંત્રિત કરવા માટે સ્થાનિક કરન્સીનું પ્રિન્ટિંગ બંધ કરવા અંગે નિર્ણય લઈ શકે છે.
વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘ(Ranil Wickremesinghe)એ મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે મોંઘવારી દર 60 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે. શ્રીલંકામાં ગુરૂવારે મોનિટરી પોલિસીની રીવ્યૂ બેઠક છે. વિક્રમસિંઘેએ કહ્યું કે બેલઆઉટને લઈને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ચાલી રહેલી વાટાઘાટો ખૂબ જ જટિલ બની ગઈ છે. સરકારને આશા છે કે શ્રીલંકા અને IMF વચ્ચેનો કરાર જૂનની અગાઉની સમયમર્યાદાની સામે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે.
મોંઘવારીનું વિષચક્ર :
ટાપુ દેશ શ્રીલંકામાં એક વર્ષ અગાઉની સરખામણીએ જૂનમાં ગ્રાહક ભાવાંકમાં 54.6 ટકાનો વધારો થયો છે. તે જ સમયે ટ્રાન્સપોર્ટ ગત મહિનાની સરખામણીએ 128 ટકા મોંઘું થયું છે. આ સાથે દેશમાં પેટ્રોલિયમ પેદાશો અને કૃષિ પાકની તીવ્ર અછત જોવા મળી રહી છે.
મોંઘવારી સામે લડવા માટે શ્રીલંકાની સેન્ટ્રલ બેંક અર્થવ્યવસ્થાને ડૂબતી અટકાવવા વધુ પૈસા છાપી રહી છે, જેના કારણે ખર્ચ પણ ઝડપથી વધી રહ્યો છે. શ્રીલંકામાં મોંઘવારીનો દર 60%ની આસપાસ પહોંચવાનો ભય છે, જે એશિયામાં સૌથી ઉંચો છે
શ્રીલંકા પર 80 કરોડ ડોલરનું ફ્યુઅલ બિલ બાકી :
લંકાના ઉર્જા મંત્રી કંચના વિજેસેકરાએ એક દિવસ પહેલા કહ્યું હતું કે "હાલના તબક્કે ભંડોળ એકત્ર કરવું પડકારજનક છે. સરકાર પાસે પુરતા વિદેશી નાણાં નથી. મહામુસીબતે સરકારે નવા ઇંધણ સ્ટોક માટે ઓર્ડર આપ્યો છે અને શુક્રવારે દેશમાં 40,000 મેટ્રિક ટન ડીઝલ પહોંચવાની અપેક્ષા છે, જ્યારે પેટ્રોલ 22 જુલાઈએ અન્ય વિમાન થકી આવશે.
અમુક દેશો ઈંધણ આપવા તૈયાર છે પરંતુ પેમેન્ટની શરતો કડક છે. તેમણે કહ્યું કે ઇંધણના ઘણા કન્સાઇનમેન્ટ જલદી જ દેશમાં આવવાના છે પરંતુ સરકાર આ કન્સાઈનમેન્ટ માટે પૈસા ચૂકવવા 58.7 કરોડ એકત્ર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વિજેસેકરાએ જણાવ્યું હતું કે શ્રીલંકાએ સાત ફ્યુઅલ સપ્લાયરોને લગભગ 80 કરોડ ડોલર ચૂકવવાના બાકી છે.