ઊંઝા માર્કેટ યાર્ડ સ્વયંભુ બંધ
- અન્ય યાર્ડોમાં રૂટિન કરતા પાંખા કામકાજ
- - યાર્ડના સત્તાવાળાઓ દ્વારા બજાર ચાલુ રાખવાની જાહેરાત પરંતુ ખેડૂતો/વેપારીઓ કામકાજથી દૂર રહ્યા
અમદાવાદ/ઊંઝા, તા. 08 ડિસેમ્બર 2020, મંગળવાર
નવા કૃષિ કાયદા રદ કરવાના મુદ્દે છેલ્લા ૧૨ દિવસથી દિલ્હીની સરહદોએ સરકાર સામે જંગે ચઢેલા ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને ઊંઝા માર્કેટ યાર્ડમાં વેપારીઓએ સ્વયંભુ કારોબારથી અલિપ્ત રહી સમર્થન કરેલ છે.
આજે દિવસ દરમ્યાન ઊંઝા ગંજબજારમાં રજાનો માહોલ રહ્યો હતો. સામાન્ય રીતે દૈનિક ૮થી ૧૦ હજાર બોરીના વેપારોથી ધમધમતું માર્કેટ યાર્ડ આજે કામકાજના અભાવે સૂમસામ ભાસતું હતું.
ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે સવારથી વેપારીઓ કામકાજથી અળગા રહેતાં કારોબાર બંધ રહ્યો હતો. માર્કેટ યાર્ડ તરફથી હરાજી ચાલુ રહેશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી. તેમ છતાં ખેડત આંદોલનના સમર્થનમાં આજે ખેડૂત આવકો આવી નહોતી. તેમજ વેપારીઓ તરફથી પણ માલોના ઢગલા નહિ થતાં હરાજી થઇ શકી નહોતી. વેપારીઓએ સ્વયંભુ વેપારો બંધ રાખીને બંધના એલાનને ટેકો આપ્યો હતો.
જોકે ઊંઝા યાર્ડમાં થોડાક ગણ્યાગાંઠયા વેપારીઓએ ઢગલા કરી વેપાર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગણતરીના સમયમાં હરાજીનું કામકાજ સમેટાઇ ગયું હતું. ઊંઝામાં માર્કેટ યાર્ડ સિવાય સ્થાનિક બજારો દિવસ દરમ્યાન રાબેતામુજબ ચાલુ રહ્યા હતા.
ભારત બંધના એલાનને અનુલક્ષીને ગઇકાલ બપોર પછી વિવિધ માર્કેટ યાર્ડના સત્તાવાળાઓ દ્વારા આવતીકાલે (આજે - તા. ૮/૧૨) બજાર ચાલુ રહેશે તેવી જાહેરાત કરાઇ હતી. પરંતુ આજે મોટાભાગના ખેડૂતો પોતાનો માલ માર્કેટ યાર્ડમાં વેચવા માટે લઇને આવ્યા જ ન હતા. તેમજ જે માર્કેટ યાર્ડમાં રોજીંદી ૧૫થી ૨૦ જણસમાં હરાજીના મોટાપાયે કામકાજ થાય છે. ત્યાં આજે માત્ર બે ત્રણ જણસમાં જ હરાજી થવા પામી હતી.
કેટલાક માર્કેટ યાર્ડમાં તો હરાજીના કામકાજ જ થયા ન હતા. જેના કારણે ભાવ પણ જાહેર થયા ન હતા. આખા માર્કેટ યાર્ડના સત્તાવાળાઓ દ્વારા યાર્ડ ચાલુ રખાયા હોવા છતાં આજે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના માર્કેટ યાર્ડો મહદઅંશે બંધ જેવા જ હતા.