પેટ્રોલ-ડીઝલ પર નફો રળતી કંપનીઓ ભાવ ઘટાડશે કે કેમ તે અંગે અટકળો

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
પેટ્રોલ-ડીઝલ પર નફો રળતી કંપનીઓ ભાવ ઘટાડશે કે કેમ તે અંગે અટકળો 1 - image


- ક્રૂડનો ભાવ સતત 80 ડોલરથી નીચે છે

- પેટ્રોલના વેચાણ પર 11 રુપિયા અને ડીઝલના વેચાણ પર 6 રૂપિયા નફો થાય છે

નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલની સ્થાનિક કિંમતોમાં ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના છે. તેનું ખાસ કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડનો ભાવ સતત પ્રતિ બેરલ ૮૦ ડોલરથી નીચે છે. તેના પગલે દેશની સરકારી કંપનીઓને ઓઇલના વેચાણ પર નોંધપાત્ર નફો થઈ રહ્યો છે. 

સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)ને ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષના નવ મહિના એટલે કે ત્રણ ક્વાર્ટરમાં કુલ ૩૪,૭૮૧.૧૫ કરોડનો વિક્રમજનક નફો થયો છે. 

દેશની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ પર ૧૧ રુપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર છ રુપિયા નફો થઈ રહ્યો છે. હવે જોવાનું એ થશે કે ઓઇલ કપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકસાથે ઘટાડો કરે છે કે પછી તેની છૂટક કિંમતમાં ફેરફાર કરવાની તેની જૂની નીતિ પર પરત ફરે છે. સાત એપ્રિલ ૨૦૨૨ પછી સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી. ૨૦૨૨ના વર્ષના પ્રારંભમાં યુક્રેન-રશિયા યુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટાપાયા પર અસ્થિર રહ્યા હતા. જુલાઈ ૨૦૨૨માં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૧૪ ડોલર સુધી ગયા હતા. જો કે તેના પછી ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા છે. 

વર્તમાન નાણાકીય વર્ષની વાત કરીએ તો ભારતે સપ્ટેમ્બર ૨૦૨૩માં પ્રતિ બેરલ ૯૩.૫૪ ડોલરની સૌથી ઊંચી કિંમત ચૂકવી હતી. જ્યારે પ્રતિ બેરલ સૌથી નીચી કિંમત ૭૭.૪૨ ડોલર ચૂકવી હતી. જાન્યુઆરી ૨૦૨૪ સુધી ગણીએ તો વર્તમાન નાણાકીય વર્ષમાં પ્રતિ બેરલ ૭૮.૧૯ ડોલરની સરેરાશ ચૂકવાઈ છે. તેની અસર આઇઓસીના પરિણામ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. 


Google NewsGoogle News