S&P 500 ઈન્ડેકસ પ્રથમ વખત 5000ની નવી ઉંચી સપાટીએ
- અમેરિકન બજારોમાં ઉદભવેલી ટેકનો શેરોમાં નવી તેજી
અમદાવાદ : અમેરિકાનો ફ્લેગશીપ ઈન્ડેકસ એસ એન્ડ પી ૫૦૦ શુક્રવારે પ્રથમ વખત ૫૦૦૦ના લેવલની ઉપર બંધ આવ્યો છે. નાસ્ડેક પણ ઈન્ટ્રાડેમાં ૧૬,૦૦૦ ઉપર ટ્રેડ થયો હતો અને ઈન્ટ્રાડેમાં ૧૬,૦૦૭.૨૯નું નવું ૫૨ સપ્તાહનું ઉચ્ચતમ સ્તર બનાવ્યું હતુ. જોકે ડાઉ જોન્સ સામાન્ય ઘટાડા સાથે બંધ આવ્યો હતો.
નીવિદા સહિતના મેગાકેપ અને ચિપ શેરના બૂસ્ટરના જોરે એસ એન્ડ પી અડધો ટકો અને નાસ્ડેક સવા ટકા ઉંચકાયા હતા.
રોઈટર્સના અહેવાલ અનુસાર નીવિદા એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોસેસર્સ સહિત ક્લાઉડ કમ્પ્યુટિંગ ફર્મ્સ અને અન્ય માટે બીસ્પોક ચિપ્સ ડિઝાઇન કરવા માટે એક નવું બિઝનેસ યુનિટ બનાવી રહ્યું છે. આ અહેવાલના પગલે શેર ૩.૬ ટકા ઉંચકાઈને નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો.
ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ ૫૪.૬૪ અંક અથવા ૦.૧૪ ટકા ઘટીને ૩૮,૬૭૧.૬૯ પર, એસ એન્ડ પી ૫૦૦ ૨૮.૭૦ અંક, ૦.૫૭ ટકા વધીને ૫૦૨૬.૬૧ પર અને નાસ્ડાક કોમ્પોસિટ ૧૯૬.૯૫ પોઈન્ટ, ૧.૨૫ ટકા વધીને ૧૫,૯૯૦.૬૬ પર બંધ આવ્યા છે. આ સપ્તાહે ત્રણેય ઇન્ડેક્સે સતત પાંચમો સાપ્તાહિક વધારો નોંધાવ્યો હતો, જેમાં અનુક્રમે ૦.૦૪ ટકા, ૧.૪ ટકા અને ૨.૩ ટકા વધ્યા છે. ડાઉ જોન્સ પર પિનટરેસ્ટ નબળા પરિણામો બાદ ૯.૫ ટકા તૂટયો હતો.