સ્માર્ટફોન માર્કેટમાં H1માં 7.2%નો વધારો,શિપમેન્ટમાં 6.9 કરોડની વૃદ્ધિ
- બેઝ પ્રીમિયમ (૨૦૦ ડોલરથી ૪૦૦ ડોલર) કેટેગરીનો હિસ્સો ૨૨ ટકાથી વધીને ૩૦ ટકા થયો YoY ૪૨%ની વૃદ્ધિ
અમદાવાદ : વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં વાર્ષિક ધોરણે ૭.૨ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ૬.૯ કરોડ સ્માર્ટફોન સપ્લાય કરવામાં આવ્યા હતા. ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (આઇડીસી)ના વર્લ્ડવાઈડ ક્વાર્ટરલી મોબાઈલ ફોન ટ્રેકરના ડેટા અનુસાર કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના બીજા કવાર્ટર દરમિયાન બજારમાં ડીલરોને ૩.૫ કરોડ સ્માર્ટફોન સપ્લાય થયા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં ૩.૨ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જોકે વાર્ષિક દ્રષ્ટિએ શિપમેન્ટમાં વૃદ્ધિનો આ સતત ચોથો ત્રિમાસિકગાળો હતો. ધીમી ગ્રાહક માંગ અને વધતી સરેરાશ વેચાણ કિંમતને કારણે વાર્ષિક રિકવરી મર્યાદિત હતી.
પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જૂના સ્ટોકનો નિકાલ કરવા ઉપરાંત કંપનીઓએ જુલાઇ અને ઓગસ્ટમાં ચોમાસાના વેચાણ માટે મીડ-પ્રીમિયમ/પ્રીમિયમ કેટેગરીમાં નવા સ્માર્ટફોન લોન્ચ કરવાનું શરૂ કર્યું હતુ.
આઇડીસી અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં સ્માર્ટફોનની સરેરાશ વેચાણ કિંમતમાં ૨.૮ ટકાનો વધારો થયો છે. જોકે ત્રિમાસિક ધોરણે તે ૫.૬ ટકા ઘટીને ૨૪૮ ડોલર આસપાસ આવી ગઈ છે. આઇડીસીએ જણાવ્યું કે પ્રીમિયમ કેટેગરીમાં એપલ અને સેમસંગના સારા પ્રદર્શનને કારણે, બેઝ પ્રીમિયમ (૨૦૦ ડોલરથી ૪૦૦ ડોલર) કેટેગરીનો હિસ્સો ૨૨ ટકાથી વધીને ૩૦ ટકા થયો હતો અને વાર્ષિક ધોરણે તો ૪૨ ટકા વૃદ્ધિ નોંધાઈ છે.