લોનના મંદ ઉપાડને પગલે ધિરાણ તથા થાપણમાં ફરીથી સમાન વૃદ્ધિ જોવા મળી
- ધિરાણ વૃદ્ધિ સાધારણ મંદ પડી ૧૦.૬૪ ટકા સામે થાપણ વૃદ્ધિ ૧૦.૭૨ ટકાની સપાટીએ રહી
મુંબઈ : ૨૯ નવેમ્બરના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ સાધારણ મંદ પડી ૧૦.૬૪ ટકા સાથે થાપણ વૃદ્ધિને લગભગ સમાન રહી હતી. આ ગાળામાં થાપણ વૃદ્ધિ ૧૦.૭૨ ટકા રહી હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. ધિરાણ તથા થાપણ વૃદ્ધિ ફરી એક વખત સમાન જોવા મળી છે.
૨૯ નવેમ્બરના પખવાડિયાના અંતે બાકી પડેલી થાપણનો આંક રૂપિયા ૨૨૦.૧૭ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે બાકી પડેલી ધિરાણનો આંક રૂપિયા ૧૭૫.૦૯ ટ્રિલિયન રહ્યો હતો. આ અગાઉ ૧૫ નવેમ્બરના પખવાડિયામાં બાકી થાપણનો આંક રૂપિયા ૨૧૮.૫૫ ટ્રિલિયન જ્યારે બાકી પડેલી ધિરાણ આંક રૂપિયા ૧૭૩.૬૨ ટ્રિલિયન રહ્યો હતો. ૧૫ નવેમ્બરના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિનું સ્તર વાર્ષિક ધોરણે મંદ પડી ૧૧.૧૫ ટકા રહ્યું છે જ્યારે થાપણ વૃદ્ધિનું સ્તર ૧૧.૨૧ ટકા રહ્યું છે.
અઢી વર્ષના ગાળા બાદ ૧૮ ઓકટોબરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ કરતા ઊંચી રહ્યા બાદ થાપણ વૃદ્ધિ ૧લી નવેમ્બરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિને લગભગ સમાન રહ્યાનું જોવા મળ્યું હતું.
એક સમયે થાપણ વૃદ્ધિ કરતા ધિરાણ વૃદ્ધિ સાત ટકા જેટલી ઊંચી જોવા મળી હતી.દેશના શેરબજારોમાં રેલીને કારણે ઘરેલું બચતો ઈક્વિટીસ તરફ વળવા લાગતા બેન્કોમાં થાપણ તરફના આકર્ષણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘરેલુ બચતની ઈક્વિટીમાં ફાળવણી જે ૨૦૨૦માં ૧૫ ટકા હતી તે ૨૦૨૪માં વધી ૨૫ ટકા પહોંચી ગઈ હોવાનું તાજેતરમાં એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચેનું અંતર હાલમાં ઘટી જવા પાછળનું એક કારણ ધિરાણ ઉપાડમાં મંદ ગતિ જણાવાઈ રહી છે. રિઝર્વ બેન્ક દ્વારા રિસ્ક વેઈટમાં વધારા ઉપરાંત અનસિકયોર્ડ લોન્સ પર અંકૂશને કારણે ધિરાણ વૃદ્ધિ મંદ પડી હોવાનું કહી શકાય છે. અગાઉ માત્ર અનસિક્યોર્ડ લોનમાં મંદ વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે હવે સિકયોર્ડ લોનની વૃદ્ધિ પણ ધીમી પડી રહ્યાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.
બેન્કોમાં ધિરાણ ઉપાડ વધારવાના ભાગરૂપ રિઝર્વ બેન્કે તેની તાજેતરની નાણાં નીતિની સમીક્ષામાં ેકેશ રિઝર્વ રેશિઓ ૪.૫૦ ટકાથી ઘટાડી ૪ ટકા કર્યો છે, જેથી ધિરાણ પૂરા પાડવા બેન્કોના હાથમાં વધુ લિક્વિડિટી ઉપલબ્ધ રહે.