દેશમાં રોકડનું સંકટ ઊભું થઈ શકે, 67 ટકા બેન્કોની ચાલુ અને બચત ખાતાની ડિપોઝિટમાં ઘટાડો
Bank Deposit: બેન્કો દ્વારા આપવામાં આવતી લોનનો ગ્રોથ ડિપોઝિટ કરતાં વધવાથી દેશની બેન્કિંગ પ્રણાલી સમક્ષ રોકડના પડકારો ઉભા થાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. ઉદ્યોગ સંગઠન ફિક્કી અને આઇબીએના સંયુક્ત રિપોર્ટમાં આ આશંકા વ્યક્ત કરાતાં ભલામણ કરવામાં આવી છે કે, લોન ગ્રોથ સાથે તાળો બેસાડવા ડિપોઝિટમાં વધારો અને લોન ખર્ચમાં ઘટાડો કરવો જરૂરી છે, તમામ બેન્કોએ હવે આ મુખ્ય એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરવા ભલામણ પણ કરી છે.
રિપોર્ટ મુજબ, 67 ટકા બેન્કોની કુલ ડિપોઝિટમાં ચાલુ ખાતા અને બચત ખાતાની ડિપોઝિટનો હિસ્સો ઘટ્યો છે.
આ પણ વાંચોઃ '400નો દાવો કરનારા ક્યાં ગયા? અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત...' : ખડગે
શું છે જોખમ?
બેન્કો પાસેથી મળેલી માહિતી અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં ઊંચા અને આકર્ષક દરોના કારણે ફિક્સ્ડ ડિપોઝિટમાં વૃદ્ધિ નોંધાઈ છે. જાહેર સેક્ટરની 80 ટકા બેન્કોએ 2024ના પ્રથમ છ માસમાં બચત અને ચાલુ ખાતામાં (CASA) જમા રકમનો હિસ્સો ઘટ્યો હોવાનું જણાવ્યું હતું. ખાનગી સેક્ટરની અડધાથી વધુ બેન્કોએ ચાલુ અને બચત ખાતામાં ડિપોઝિટનો હિસ્સો ઘટ્યો હોવાનું જણાવ્યું હતું. આ સર્વેમાં સરકારી, ખાનગી અને વિદેશી બેન્કો સહિત કુલ 22 બેન્કોએ ભાગ લીધો હતો, જે કુલ બૅન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં 67 ટકા હિસ્સો ધરાવે છે.
એનપીએ ઘટી
રિપોર્ટ અનુસાર, 71 ટકા બેન્કોએ છેલ્લા છ મહિનામાં નોન-પરફોર્મિંગ એસેટ્સ(NPA)ના સ્તરમાં ઘટાડો નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન જાહેર ક્ષેત્રની 90 ટકા બેન્કોની એનપીએમાં ઘટાડો થયો છે જ્યારે 67 ટકા ખાનગી બેન્કોએ ઘટાડો દર્શાવ્યો છે. આ પાછળનું એક કારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર સરકારના મૂડી ખર્ચને પ્રોત્સાહન આપવાનું હોઈ શકે છે. નવીનતાને પ્રોત્સાહન આપવા, સર્વિસ ડિલિવરીમાં સુધારો કરવા અને નાણાકીય સમાવેશને વધારવા માટે બેન્કો અને ફાઇનાન્શિયલ ટૅક્નોલૉજી કંપનીઓ વચ્ચેની ભાગીદારીમાં હજુ પણ અપાર સંભાવના છે.