સ્મોલ, મિડ કેપ ફંડોમાં અત્યારે SIP જોખમી બન્યું
- ફંડ મેનેજરો દ્વારા રોકાણકારોની મૂડીના ઊંચા વેલ્યુએશને થતાં રોકાણ સામે સવાલ: અનેક મ્યુ. ફંડોમાં એક વર્ષના રોકાણમાં નેગેટીવ વળતર
- 2008-2010ના સમયગાળા પછી વર્ષ 2025 સૌથી જોખમી વર્ષ બની શકે છે : બેંકો દ્વારા લેવાતું જોખમ મર્યાદિત છે : સ્થિતિ વર્ષ 2013-14થી તદ્દન વિપરીત છે
મુંબઈ : એક તરફ વૈશ્વિક ટેરિફ વોર અને બીજી તરફ વેલ્યુએશનને લઈ થઈ રહેલા સવાલોના પરિણામે સ્મોલ, મિડ કેપ શેરોમાં પાછલા કેટલાક મહિનાઓથી થઈ રહેલા મોટાપાયે ધોવાણમાં ફંડોના વિખ્યાત મેનેજરો પણ હવે રોકાણકારોને ચેતવણી આપવા લાગ્યા છે. ફોરેન ફંડો-વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેર બજારોમાં વન સાઈડ મોટાપાયે વેચવાલ છે, ત્યારે બીજી બાજુ રિટેલ રોકાણકારોની એસઆઈપી-સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ થકી સતત મ્યુચ્યુઅલ ફંડોમાં વહેતાં રોકાણ પ્રવાહના જોરે શેરોમાં સતત ખરીદી કરતાં રહેતાં મ્યુચ્યુઅલ ફંડો-લોકલ ફંડોમાં હવે એસઆઈપી થકી થતું રોકાણ અત્યારે જોખમી હોવા બાબતે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઈન્વેસ્મેન્ટ ઓફિસર એસ. નરેને કરેલા સ્ફોટક નિવેદને બજારને ચોંકાવી દીધા છે.
ચેન્નઈ સ્થિત મ્યુચ્યુઅલ ફંડ એસોસીયેશન દ્વારા યોજાયેલા એક પ્રસંગે બોલતાં તેમણે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં એસઆઈપી થકી થતાં રોકાણ અંગે સાવધાની રાખવાની સ્પષ્ટ સલાહ આપી છે. આ ચેતવણી આપી તેમણે સ્મોલ, મિડ કેપ્સમાંથી લોક, સ્ટોક અને બેરલ લેવાનો સ્પષ્ટ સમય હોવાનું સ્ફોટક નિવેધન કર્યું હતું. મ્યુચ્યુઅલ ફંડોમાં છેલ્લા છ મહિનાથી એસઆઈપી થકી થતાં રોકાણ પર ઈન્વેસ્ટરોને નેગેટીવ વળતર મળી રહ્યું હોઈ ટૂંકાથી મધ્યમગાળા માટે સ્મોલ, મિડ કેપ ફંડોમાં એસઆઈપી થકી રોકાણ કરવું જોખમી હોવાની ચેતવણી તેમણે ઉચ્ચારી છે. નકારાત્મક એસઆઈપી વળતરને જોતાં, આ રોકાણ માધ્યમની અસરકારતા પર ઘણા પ્રશ્નો ઊભા થયા છે, જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટાપાયે તેજી બતાવી છે. એસ. નરેનનું કહેવું છે કે, ભૂતકાળમાં જોખમનો નોંધપાત્ર હિસ્સો બેંકો અને મોટી સંસ્થાઓમાં રહેતો હતો, પરંતુ આજે જોખમ રિટેલ રોકાણકારો પર રહેલુ ંછે. તેમણે ચેતવણી આપી છે કે, ૨૦૦૮-૨૦૧૦ના સમયગાળા પછી ૨૦૨૫ સૌથી જોખમી વર્ષ બની શકે છે. રોકાણકારોએ તે સમયે ઘણી કંપનીઓમાં નાણા ગુમાવ્યા હતા, ખાસ કરીને બેંકોમાં ગુમાવ્યા હતા. ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓએ પણ ઓવર લિવરેજની ભુલો કરી હતી, પરંતુ આ ભૂલો પ્રત્યક્ષ નહીં પરોક્ષ રીતે બેંકો અને કંપનીઓ થકી થઈ હતી. અત્યારે કંપનીઓ એક્વિઝિશનો કે નવા પ્રોજેક્ટો માટે મૂડી ઊભી કરવા બેંકોના ઋણ પર નિર્ભર રહેતી નથી. આ કંપનીઓ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટયુશનલ (ક્યુઆઈપીઝ) અથવા આઈપીઓ થકી ઈક્વિટી રોકાણકારો પાસેથી સીધા નાણા ઊભા કરે છે. ફંડ મેનજરો તેમને મળતા નાણાની ફાળવણી એ મુજબ મિડ કેપ્સ અથવા સ્મોલ કેપ્સમાં કરે છે. વેલ્યુએશન ઘણુ ખર્ચાળ હોવા છતાં આ સેગ્મેન્ટ્સમાં સતત નવું રોકાણ થઈ રહ્યું છે. જેથી હવે બેંકો મર્યાદિત જોખમ લઈ રહી છે, જ્યારે મહત્તમ જોખમ રોકાણકારોની મૂડી પર લેવાઈ રહ્યું છે. આ ઉપરાંત નરેન એસઆઈપીઝ થકી હંમેશા સારૂ વળતર મેળવી શકાય છે એવી વ્યાપક માન્યતાને પણ પડકારે છે. એસઆઈપી અસરકારક રોકાણ વ્યુહ છે, પરંતુ એની સફળતા બજારની સ્થિતિ પર નિર્ભર રહે છે. એસઆઈપી વોલેટીલિટી અને અન્ડરવેલ્યુઅડ એસેટ વર્ગોમાં શ્રેષ્ઠ રહે છે. આ મહત્વના પરિબળને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ ધ્યાનમાં નહીં લેતું હોવાનું તેમનું કહેવું હતું.
રોકાણકારો દ્વારા તેમના નાણાનું સ્મોલ અને મિડ કેપમાં રોકાણનું જોખમ લેતા રોકાણકારો માટે તેમનું કહેવું છે કે, માની લઈ કે એસઆઈપી વોલેટીલિટી સામે રક્ષણ આપે છે, પરંતુ આ શેરોનું વર્તમાન વેલ્યુએશન વાહિયાત ગણાવ્યું છે. તમે તેનું વિશ્લેષણ કેવી રીતે કરો છો તે કોઈ વાંધો નથી, પરંતુ મિડ અને સ્મોલ કેપ વેલ્યુએશન અત્યંત ઊંચા છે. આ ૨૦૧૩-૧૪થી તદ્દન વિપરીત છે એ સમયે વેલ્યુએશન સસ્તું હતું. ડાટે સાથે આ દાવાને સમર્થન આપતાં તેમનું કહેવું છે કે, મિડ અને સ્મોલ કેપ બન્ને શેરો માટે સરેરાશ પી/ઈ રેશીયો ૪૩ એક્સને સ્પર્શી ગયો છે, આ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો તેમના નફાની વૃદ્વિ સાથે અપ્રમાણસર છે. જે વર્તમાન મૂલ્યાંકન ટકી શકે એમ નથી. હવે રોકાણકારોની વ્યુહરચના, તેમની એસેટ ફાળવણી, જોખમ લેવાની ક્ષમતા અને લક્ષ્ય માટેના સમય પર આધારિત હોવી જોઈએ એવું ઉદ્યોગ નિરીક્ષકોનું માનવું છે.
રોકાણકારોએ કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં લાર્જ કેપ ફંડોમાં કરેલા ચોખ્ખા રોકાણકારોની તુલનાએ બમણા જેટલું રૂ.૩૫,૦૦૦ કરોડનું રોકાણ સ્મોલ કેપ ફંડોમાં કર્યું હોઈ રોકાણકારો ચિંતામાં મૂકાયા છે. શેરોમાં પાછલા દિવસોમાં મોટાપાયે ધોવાણના પરિણામે ટૂંકાગાળા માટે નેગેટીવ વળતર ઘણા સ્મોલ, મિડ કેપ ફંડોમાં જોવાયું છે. જ્યારે એક વર્ષના સમયગાળાની રીતે હજુ વળતર પોઝિટીવ રહ્યું છે. જો કોઈ રોકાણકારે દર મહિને રૂ.૧૦ હજારની એસઆઈપીનું સ્મોલ કેપ ફંડોમાં રોકાણ કર્યું હોય તો આ ફંડો પૈકી ઘણા ફંડોમાં છેલ્લા એક વર્ષમાં નેગેટીવ વળતર નોંધાયું છે. જેમાં ક્વોન્ટ સ્મોલ કેપ, મહિન્દ્રા મનુલાઈફ સ્મોલ કેપ, એબીએસએલ સ્મોલ કેપ, બરોડા બીએનપી સ્મોલ કેપ, નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ, ફ્રેન્કલિન ઈન્ડિયા સ્મોલર કંપનીઝ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ સ્મોલ કેપ, એચએસબીસી સ્મોલ કેપ, એસબીઆઈ સ્મોલ કેપ, કેનેરા રેબેકો સ્મોલ કેપ, એચડીએફસી સ્મોલ કેપ, યુનિયન સ્મોલ કેપ, ટાટા સ્મોલ કેપ, સુંદરમ સ્મોલ કેપ, પીજીઆઈએમ ઈન્ડિયા સ્મોલ કેપ, બેંક ઓફ ઈન્ડિયા સ્મોલ કેપ, ડીએસપી સ્મોલ કેપ સહિતનો સમાવેશ છે.
આમ ૭૦ ટકા સ્મોલ કેપ ફંડોએ એક વર્ષ માટેનું એસઆઈપી રોકાણ પર નેગેટીવ વળતર આપ્યું છે. મિડ કેપ ફંડોમાં પણ કંઈક આવી જ સ્થિતિ રહી છે. અલબત સ્મોલ કેપ ફંડોની તુલનાએ સ્થિતિ ઓછી નબળી જોવાઈ છે. જ્યારે લાર્જ કેપ ફંડોમાં એકંદર રોકાણ પર વળતર સ્થિતિ સાધારણ રહી છે.
ક્યા સ્મોલ કેપ ફંડોમાં એક વર્ષમાં કેટલું નેગેટીવ વળતર
મ્યુચ્યુઅલ ફંડ સ્કિમનું નામ |
વળતર |
ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ |
-૧૧.૬ |
મહિન્દ્રા મનુલાઈફ સ્મોલ |
-૧૦.૬ |
એબીએસએલ સ્મોલ કેપ |
-૯.૬ |
બરોડા બીએનપી સ્મોલ કેપ |
-૯.૦ |
નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ |
-૬.૭ |
ફ્રેન્કલિન ઈન્ડિયા સ્મોલર |
-૬.૫ |
આઈસીઆઈસીઆઈ પ્રુડે. સ્મોલ કેપ |
-૬.૨ |
એચએચબીસી સ્મોલ કેપ |
-૫.૯ |
એસબીઆઈ સ્મોલ કેપ ફંડ |
-૫.૮ |
એચડીએફસી સ્મોલ કેપ |
-૫.૦ |
ક્યા મિડ કેપ ફંડોમાં એક વર્ષમાં કેટલું નેગેટીવ વળતર
મ્યુચ્યુઅલ ફંડ સ્કિમનું નામ |
વળતર |
ક્વોન્ટ મિડ કેપ ફંડ |
-૧૫.૬ |
ટોરસ મિડ કેપ ફંડ |
-૧૨.૩ |
મિરેઈ એસેટ મિડ કેપ ફંડ |
-૬.૪ |
આઈટીઆઈ મિડ કેપ ફંડ |
-૬.૧ |
ટાટા મિડ કેપ ગ્રોથ ફંડ |
-૪.૮ |
યુટીઆઈ મિડ કેપ ફંડ |
-૪.૩ |
આદિત્ય બિરલા એસએલ મિડ કેપ |
-૩.૭ |
મહિન્દ્રા મનુલાઈફ મિડ કેપ |
-૩.૬ |
એચએસબીસી મિડ કેપ ફંડ |
-૩.૩ |
આઈસીઆઈસીઆઈ પ્રુડે. મિડ કેપ |
-૩.૧ |