એક દિવસની રેકોર્ડ લિક્વિડિટી: બેંકિંગ સિસ્ટમમાં રૂ.2,50,000 કરોડ ઠલવાયા
- રૂપિયાના ધોવાણને અટકાવવા જંગી ડોલર વેચીને દરમિયાનગીરી : પ્રવાહિતા ઊભી કરવાનો RBIનો નિર્ણય
- અમેરિકી ડોલર સામે રૂપિયો સાત પૈસા નબળો પડી 86.89 : યુરો, બ્રિટીશ પાઉન્ડ સામે મજબૂત બન્યો
મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (આરબીઆઈ)એ અમેરિકી ડોલર સામે રૂપિયાના ઐતિહાસિક ધોવાણને અટકાવવા બે દિવસમાં જંગી પ્રમાણમાં ડોલરો વેચીને રૂપિયાની પડતી અટકાવવાના પ્રયાસ કર્યા બાદ હવે બેંકિંગ સિસ્ટમમાં પ્રવાહિતા-લિક્વિડિટી વધારવા માટે એકાએક વેરિયેબલ રેટ રેપો ઓકશન દ્વારા રૂ.૨,૫૦,૦૦૦ કરોડ ઠાલવવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈ દ્વારા એક વર્ષમાં એક જ દિવસમાં આ સૌથી મોટું લિક્વિડિટી વધારવાનું ઓપરેશન હશે.
છેલ્લા બે દિવસમાં ફોરેન એક્સચેન્જ માર્કેટમાં મોટાપાયે હસ્તક્ષેપ કર્યા બાદ આરબીઆઈએ આજે બુધવારે રાતોરાત બેંકિંગ સિસ્ટમમાં રેકોર્ડ રૂ.૨.૫ લાખ કરોડની લિક્વિડિટી વધારવાનો નિર્ણય લીધો હતો. આરબીઆઈ આ લિક્વિડિટી વેરિયેબલ રેટ રેપો ઓક્શન દ્વારા ઠાલવશે, જે એક વર્ષમાં સૌથી મોટું પ્રવાહિતા વધારવાનો નિર્ણય છે.
૧૦, ફેબુ્રઆરીના રોજ ભારતની બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી ડેફિસિટ એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં ચાર ગણી વધીને રૂપિયા બે લાખ કરોડ આસપાસ થઈ ગઈ હતી. જેમાં ટેક્ષ આઉટફ્લો અને સેન્ટ્રલ બેંક દ્વારા આક્રમક ડોલરના જંગી વેચાણ એ કારણો પ્રમુખ રહ્યા હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. ડોલર સામે રૂપિયાને સતત નબળો પડતો અટકાવવા ફોરેક્સ માર્કેટમાં આરબીઆઈએ સોમવારે ચાર અબજ ડોલરથી સાત અબજ ડોલરનું વેચાણ કર્યું હતું.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની દરમિયાનગીરી અને હવે લિક્વિડિટી વધારવાના નિર્ણય વચ્ચે આજે રૂપિયો ફરી નબળો પડયો હતો. ડોલર સામે રૂપિયો સાત પૈસા ઘટીને ૮૬.૮૯ નજીક રહ્યો હતો. જ્યારે અન્ય દેશોના ચલણો સામે પણ રૂપિયો આજે મજબૂત બન્યો હતો. જેમાં યુરો સામે ૫૪ પૈસા મજબૂત બની ૮૯.૧૨, બ્રિટીશ પાઉન્ડ સામે ૭૮ પૈસા મજબૂત બની ૧૦૮.૧૪ રહ્યો હતો.