MDH અને એવરેસ્ટના મસાલામાં કેન્સરજન્ય દ્રવ્યો મળતા સિંગાપોર બાદ હોંગકોંગનો પણ પ્રતિબંધ
Image: FreePik |
MDH And Everest Masala Recall: સિંગાપોરના ફૂડ સેફ્ટી વિભાગે એવરેસ્ટના મસાલાનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યા બાદ સિંગાપોરે પણ એમડીએચ અને એવરેસ્ટના મસાલામાં કેન્સરજન્ય દ્રવ્યો હોવાના દાવા સાથે મસાલા ન વાપરવા આદેશ આપ્યો છે.
બજારમાંથી પેકેટ્સ હટાવવા નિર્દેશ
હોંગકોંગના ફૂડ સેફ્ટી વિભાગે ભારતીય કંપની એમડીએચ અને એવરેસ્ટના અમુક પેકેજ્ડ મસાલામાં કીટનાશક એથિલિન ઓક્સાઈડનું પ્રમાણ હોવાનો દાવો કરતાં લોકોને તેનો ઉપયોગ ન કરવા સલાહ આપી છે. તેમજ તેના ખરીદ-વેચાણ પર પણ પ્રતિબંધ લાદ્યો છે. સિંગાપોરે પણ એવરેસ્ટના કરી મસાલાના પેકેટ્સ બજારમાંથી દૂર કરવા નિર્દેશ આપ્યો છે.
કેન્સરજન્ય પદાર્થો મળી આવ્યા
સેન્ટર ફોર ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે આ મસાલાના વેચાણ પર પ્રતિબંધ લાદતાં કહ્યું છે કે, કેન્સર પર રિસર્ચ કરતી એજન્સીઓએ એથિલિન ઓક્સાઈડને ગ્રુપ-1 કાર્સિનોજેન કેટેગરીમાં સામેલ કર્યું છે. કાર્સિનોજન કેટેગરીમાં સામેલ પદાર્થોથી કેન્સર થવાનું જોખમ હોય છે. એવરેસ્ટ અને એમડીએચના મસાલામાંથી એથિલિન ઓક્સાઈડ મળી આવ્યું છે. હોંગકોંગે 3 રિટેલ દુકાનોમાંથી આ મસાલાઓના સેમ્પલ પર તપાસ હાથ ધરી છે. આરોપ સાબિત થાય તો આ કંપનીઓ પર 50 હજાર ડોલરની પેનલ્ટી ફટકારી શકે છે.
સિંગાપોરની ફૂડ એજન્સીએ કહ્યું છે કે, એથિલિન ઓક્સાઈડનું ઓછું પ્રમાણ જોખમ સર્જતું નથી, પરંતુ લાંબા ગાળે આ કેમિકલ આરોગ્ય માટે જોખમ પેદા કરી શકે છે.
એવરેસ્ટે શું કહ્યું?
એવરેસ્ટે સિંગાપોર અને હોંગકોંગના આ અહેવાલો અંગે કહ્યું કે, અમારી તમામ પ્રોડક્ટ આકરી તપાસ બાદ તૈયાર થાય છે. નિકાસ કરતાં પહેલાં તમામ સાવચેતી ધ્યાનમાં લેવામાં આવે છે. અમારી પ્રોડક્ટ્સ પર ઈન્ડિયન સ્પાઈસ બોર્ડ અને એફએસએસએઆઈ સહિત તમામ એજન્સીઓની મંજૂરીનો માર્કો છે. અમે હાલ સત્તાવાર સૂચનાની રાહ જોઈ રહ્યા છીએ. અમારી ક્વોલિટી કંટ્રોલ ટીમે તપાસ શરૂ કરી દીધી છે.
શું છે એથિલિન ઓક્સાઈડ?
એથિલિન ઓક્સાઈડ રંગવિહિન જ્વલનશીલ ગેસ છે, જેનો ઉપયોગ કૃષિ, હેલ્થકેયર, અને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીમાં જંતુનાશક પદાર્થ તરીકે સ્ટરલાઈટના ફ્યુમિગેન્ટ બનાવવા માટે થાય છે. મસાલા અને અન્ય સુકા ખાદ્ય પદાર્થોમાં માઈક્રોબિયલનું જોખમ ઘટાડવા અને બેક્ટેરિયા, ફંગસ, જંતુઓ ન થાય તેના માટે એથિલિન ઓક્સાઈડનો ઉપયોગ થાય છે.
અમેરિકાએ પણ કાર્યવાહી કરી હતી
ગતવર્ષે 2023માં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટીએ એવરેસ્ટના સાંભાર મસાલાઓ અને ગરમ મસલામાં સાલ્મોનેલાનું પ્રમાણ વધુ મળી આવ્યું હોવાના દાવા સાથે પ્રોડક્ટ પર પ્રતિબંધ લાદ્યો હતો. આ બેક્ટેરિયાથી ઝાડા-ઉલ્ટી, પેટમાં દુખાવો, તાવ, ચક્કર આવે છે.