હવે સિમ કાર્ડ સરળતાથી પોર્ટ કરી શકાશે નહીં, 1 જુલાઈથી નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થશે
SIM Card New Rule: સિમ કાર્ડ મારફત થતાં ફ્રોડ અટકાવવા તેમજ યુઝર માટે સરળ ઉપયોગ બનાવવાના હેતુ સાથે અવારનવાર તેના નિયમોમાં ફેરફાર થતાં રહે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી નિયમમાં ફેરફાર કર્યો છે. આ નવો નિયમ 1 જુલાઈથી લાગૂ થશે.
સિમ સ્વેપ ફ્રોડથી બચવા માટે ટ્રાઈએ ટેલિકોમ્યુનિકેશન મોબાઈલ નંબર પોર્ટેબિલિટી રેગ્યુલેશન, 2023 ડ્રાફ્ટ રજૂ કર્યો છે. જે ડોટ (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ)ની ભલામણોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રાઈએ 15 માર્ચ, 2024ના રોજ નવા નિયમો જારી કર્યા હતા. નવા નિયમ 1 જુલાઈ, 2024થી દેશભરમાં લાગૂ થશે. જેનાથી છેતરપિંડી પર અંકુશ લાદવામાં મદદ મળશે.
નવુ સિમ કાર્ડ લેવા રાહ જોવી પડશે
જો તમારું સિમ કાર્ડ ચોરાઈ ગયું છે અથવા ક્ષતિગ્રસ્ત થયુ હોય તો તમારે હવે નવું સિમ મેળવવા માટે થોડી રાહ જોવી પડશે. અગાઉ સિમકાર્ડ ચોરાઈ જાય કે બગડી જાય તો તમને તરત જ સ્ટોરમાંથી સિમ કાર્ડ મળી જતું હતું. પરંતુ હવે આ કિસ્સામાં તેનો લોકીંગ પિરિયડ લંબાવવામાં આવ્યો છે. હવે યુઝર્સને 7 દિવસ રાહ જોવી પડશે. ત્યારબાદ જ યુઝર્સને નવું સિમ કાર્ડ મળશે. નવા નિયમ અનુસાર, જે લોકોએ તાજેતરમાં તેમના સિમ કાર્ડ સ્વેપ કર્યા છે તેઓ તેમના મોબાઇલ નંબરને પોર્ટ કરી શકશે નહીં. ગ્રાહકો આ કામ 7 દિવસ પછી કરી શકશે. એટલે કે MNP નિયમોમાં ફેરફાર કર્યા પછી, તમને આગામી સાત દિવસ પછી જ એક નવું સિમ કાર્ડ મળશે.
કેમ લેવાયો નિર્ણય?
ઘણા કિસ્સામાં જાણવા મળ્યું છે કે, એક વખત સિમકાર્ડ ચોરાઈ ગયા પછી તે નંબર બીજા સિમ કાર્ડ પર એક્ટિવેટ કરી તેના મારફત વિવિધ ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. આ નિર્ણય ઓનલાઈન ફ્રોડ જેવી ઘટનાઓ રોકવાના હેતુથી લેવામાં આવ્યો છે. ટ્રાઈ દ્વારા માર્ચમાં આ અંગેની નોટિફિકેશન જારી કરવામાં આવી હતી. હવે એરટેલ, વોડાફોન આઈડિયા, રિલાયન્સ જિઓ જેવા યુઝર્સે સાવધાન રહેવાની જરૂર છે.
પોર્ટેબિલિટી કેવી રીતે થશે
ટ્રાઈએ સુરક્ષાના માપદંડોને વધુ આકરા બનાવતાં ટેલિકોમ ઓપરેટર્સને યુનિક પોર્ટિંગ કોડ ઈશ્યૂ કર્યો છે. જેમાં સિમ કાર્ડની એક્સપાયરીના સાત દિવસ પહેલાં આ કોડ રજૂ કરવાનો રહેશે. યુઝરે તેના વર્તમાન ટેલિકોમ ઓપરેટરને પોર્ટેબિલિટીનો મેસેજ કરી આઠ ડિજિટનો કોડ મેળવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, સિમ કાર્ડ નંબર એક જ પ્રદેશમાં રહીને પોર્ટ કરાવવાનો નિયમ છે.