ચાંદીમાં રૂપિયા 1500નો ઝડપી ઉછાળો જ્યારે સોનું રૂા. 500 વધ્યુ
- વિશ્વ બજારમાં તેજી : ડોલર ઇન્ડેક્સ ઘટી ૧૦૮ની અંદર ઉતરતાં બંધ બજારે રૂપિયા સામે ડોલરમાં ઘટાડો
મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના- ચાંદીના ભાવ મંદીના આંકડા પચાવી ફરી ઝડપી ઉંચકાઇ આવ્યાના નર્દેશો હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઘટયા ભાવથી પ્રત્યાઘાતી તેજી બતાવી રહ્યા હતા.
વિશ્વ બજાર ઉંચકાતાં ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટ ફરી વધી જતાં દેશના ઝવેરી બજારમાં આજે નવેસરથી તેજીનો પવન ફૂકાંતો થયો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂા. ૫૦૦ વધી ૯૯.૫૦ના રૂા. ૭૮૬૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૭૮૮૦૦ બોલાતા થયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૧૫૦૦ ઉછળી રૂા. ૮૭૫૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૦૬ વાળા ૨૬૨૩ ડોલર રહ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ વધી ૨૯.૭૦ થઇ છેલ્લે ૨૯.૫૧થી ૨૯.૫૨ ડોલર રહ્યા હતા.
દરમિયાન, ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ જે ઉંચામાં વધી ૧૦૮.૫૪ થઇ બે વર્ષની ટોચે પહોંચ્યો હતો તે ફરી ઘટી નીચામાં ૧૦૮ની અંદર ઉતરી છેલ્લે ૧૦૭.૮૨ રહ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજાર પાછળ મુંબઇ કરન્સી બજારમાં પણ આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂા. ૮૫.૦૨ વાળા ઘટી રૂ.૮૪.૯૯ બોલાઇ રહ્યા હતાં.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૯૨૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૨૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૦.૫૮ ટકા પ્લસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રુડ તેલના ભાવ પણ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. રશિયા તથા યુકગ્રેન વચ્ચે ફરી તંગદીલી વધ્યાના સમાચાર હતા.
બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૨.૩૮ વાળા વધી ૭૩.૨૯ થઇ છેલ્લે ૭૨.૯૪ ડોલર રહ્યા બહતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૮.૭૪ વાળા ઉંચામાં ૬૯.૮૫ થઇ છેલ્લે ભાવ ૬૯.૪૬ ડોલર રહ્યા હતા.
દરમિયાન મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૭૫૦૭૫ વાળા વધી રૂા. ૭૫૭૦૦ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૭૫૩૭૭ વાળા વધી રૂા. ૭૬૦૦૦ બોલાતા થયા હતા જ્યારે મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૮૫૧૩૩ વાળા ઝડપી ઉછળી રૂા. ૮૭૧૫૦ બોલાતા થયા હતા.