આ સપ્તાહે સોના કરતાં ચાંદી વધુ મોંઘી થઈ, ભાવમાં રૂ. 2500નો ઉછાળો, જાણો તમામ વિગતો
Gold And Silver Price: આ સપ્તાહમાં કિંમતી ધાતુમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી છે. જેમાં અમદાવાદ ખાતે સોના કરતાં ચાંદીમાં મોટો ઉછાળો નોંધાયો છે. એમસીએક્સ માર્કેટ અને ગ્લોબલ માર્કેટમાં પણ ચાંદીમાં તેજી જોવા મળી છે.
અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં ચાંદી રૂ. 2500 વધી ગઈકાલે 93500 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ હતી. એમસીએક્સ ચાંદી વાયદો પણ રૂ. 3686 વધ્યો છે. જ્યારે સોનાની કિંમત આ સપ્તાહમાં રૂ. 400 વધી રૂ. 74700 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.
શનિવારે સોના-ચાંદીના ભાવ
અમદાવાદના હાજર બજારમાં આજે સોનું રૂ. 400 ઘટી રૂ. 74300 પ્રતિ 10 ગ્રામ થયુ છે. જ્યારે ચાંદીની કિંમત રૂ. 2000 તૂટી રૂ. 91500 પ્રતિ કિગ્રા નોંધાઈ છે. 995 સોનાની કિંમત રૂ. 74100 પ્રતિ 10 ગ્રામ, હોલમાર્કનો ભાવ રૂ. 72815 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.
કિંમતી ધાતુમાં ટ્રેન્ડ
અમેરિકાનો અનુકૂળ PCE રિપોર્ટ અને કન્ઝ્યુમર ખર્ચમાં ઘટાડો થયો હોવા છતાં સોનામાં નજીવા ધોરણે વૃદ્ધિ જોવા મળી છે, આગામી સપ્તાહે તેજી વધવાનો આશાવાદ છે. ડેટા દર્શાવે છે કે પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર્સ (PCE) પ્રાઇસ ઇન્ડેક્સ એપ્રિલમાં 0.3% વધ્યો છે, માર્ચથી 12 મહિનામાં, PCE ફુગાવો અપેક્ષા મુજબ 2.7% વધ્યો છે. જેથી ફેડ દ્વારા વ્યાજદરો ઘટવાની શક્યતા વધી છે. પરિણામે સોના-ચાંદીમાં ફરી પાછી તેજી જોવા મળી શકે છે.
કીંમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 11,76,070 સોદાઓમાં રૂ.98,011.28 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.71,468ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,438 અને નીચામાં રૂ.71,211 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.319ના ઉછાળા સાથે રૂ.71,896ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.310 વધી રૂ.58,526 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.68 વધી રૂ.7,134ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.220 વધી રૂ.71,852ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.90,562ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96,493 અને નીચામાં રૂ.90,366 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,686ના ઉછાળા સાથે રૂ.94,123 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,604 ઊછળી રૂ.94,045 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,619 ઊછળી રૂ.94,038 બંધ થયો હતો.