Gold Silver Prices: ચાંદી રેકોર્ડ તેજી સાથે ઓલ ટાઈમ હાઈ થઈ, સોનુ પણ નવી ટોચે
Gold Silver Prices: શેરબજારની સાથે સાથે સોના-ચાંદીમાં પણ તેજીનો ટોન જળવાઈ રહ્યો છે. આજે સોના-ચાંદી ફરી પાછા નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. વૈશ્વિક સ્તરે તેજીના સથવારે અમદાવાદમાં હાજર ચાંદીની કિંમત આજે રૂ. 1000 વધી રૂ. 82 હજાર પ્રતિ કિગ્રાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે. હાજર સોનાનો ભાવ પણ રૂ. 700 વધી નવી રેકોર્ડ રૂ. 74200 પ્રતિ ઔંશના સ્તરે નોંધાયો છે.
એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,026ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,739 અને નીચામાં રૂ.70,988ના મથાળે અથડાઈ, રૂ.747ના ઉછાળા સાથે રૂ.71,659ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.672 ઊછળી રૂ.57,580 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.43 વધી રૂ.7,031ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.773ની વૃદ્ધિ સાથે રૂ.71,380ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.81,971ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.82,849ના ઓલ ટાઈમ હાઈના સ્તરને સ્પર્શી, નીચામાં રૂ.81,776ના મથાળે અથડાઈ, રૂ.810ના ઉછાળા સાથે રૂ.82,685ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.801 ઊછળી રૂ.82,548 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.805ની વૃદ્ધિ સાથે રૂ.82,514 બોલાઈ રહ્યો હતો.
વૈશ્વિક સ્તરે સોનુ સતત આઠ સેશનથી નવી ટોચે
વૈશ્વિક સ્તરે સોનુ છેલ્લા આઠ સેશનથી રોજ નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી રહ્યો છે. સ્પોટ ગોલ્ડ જે 1.1 ટકા વધી 2363.42 ડોલર પ્રતિ ઔંશ થયો હતો. જે ઈન્ટ્રા ડે 2365.09 ડોલર પ્રતિ ઔંશના ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યુ હતું. શેરબજાર સહિત ઈક્વિટી બજારો ઓવર વોલ્યૂમ થતાં તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારો દ્વારા સેફ હેવનમાં રોકાણો વધ્યા છે. રશિયા, યુક્રેન અને મધ્ય-પૂર્વીય દેશોમાં જિઓ-પોલિટિકલ કરાઈસિસના જોખમો યથાવત છે. તદુપરાંત ક્રૂડના ભાવો પણ સતત વધી રહ્યા છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શક્યતાઓના કારણે ડોલર નબળો પડવાની ભીતિ વચ્ચે રોકાણકારો સેફ હેવનમાં રોકાણ વધારી રહ્યા છે.
બિનલોહ ધાતુના વાયદામાં પણ તેજી
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ એપ્રિલ વાયદો રૂ.814.10ના ભાવે ખૂલી, રૂ.4.85 વધી રૂ.820.90 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.225.20 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3.40 વધી રૂ.239ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.55 વધી રૂ.225.65 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.10 વધી રૂ.188.80 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.3.40 વધી રૂ.238.90 બોલાઈ રહ્યો હતો.