ચાંદી રૂ.2000તથા સોનું રૂ.500 ઉંચકાયું

- વૈશ્વિક સોનું ફરી ઉછળી ૨૫૦૦ ડોલર કુદાવી ગયું

- ક્રૂડતેલ પણ બાઉન્સ બેક થયું

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ચાંદી રૂ.2000તથા સોનું રૂ.500  ઉંચકાયું 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવ ઘટતા અટકી બાઉન્સબેક થયા હતા. વિશ્વબજારમાં ભાવ ઘટયા મથાળેથી ઝડપી ઉંચકાયાના સમાચાર હતા. વિશ્વબજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં દેશના ઝવેરીબજારોમાં આજે નીચા મથાળે વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા. 

વિશ્વબજારમાં સોનાના ભાવ ફરી વધી ઔંશદીઠ ૨૫૦૦ ડોલરની સપાટી પાર કરી ગયાના નિર્દેશો હતા. દરમિયાન, ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૪૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૨૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦  ઉછળી રૂ.૮૪૫૦૦ બોલાયા હતા.

વિશ્વબજારમાં સોનાના ભાવ ૨૪૮૮થી ૨૪૮૯ વાળા વધી ઉંચામાં ભાવ ૨૫૨૩થી ૨૫૨૪ થઈ ૨૫૧૯થી ૨૫૨૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટના પગલે વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ ફરી વધ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૮.૧૭થી ૨૮.૧૮ વાળા ઉંચામાં ૨૮.૮૬ થઈ ૨૮.૮૨થી ૨૮.૮૩ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતા અટકી નવ મહિનાના તળીયેથી ઝડપી વધી આવ્યાના સમાચારની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર આજે પોઝિટીવ જોવા મળી હતી. વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૭૩.૮૪ વાળા નીચામાં ૭૨.૭૪ થઈ ઉંચામાં ભાવ ૭૩.૬૪ થઈ ૭૩.૪૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા. યુએસ ક્રૂડના ભાવ બેરલના ૭૦.૫૧ વાળા નીચામાં ૬૯.૧૫ થઈ ઉંચામાં ભાવ ૭૦.૦૭ થઈ ૬૯.૯૧ ડોલર રહ્યા હતા.

 વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૯૨ ટકા વધ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૩૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૪૩થી ૯૪૪ વાળા નીચામાં ૯૩૩ તથા ઉંચામાં ૯૫૪ થઈ ૯૪૨થી ૯૪૩ ડોલર રહ્યા હતા.અમેરિકામાં ખાનગી ક્ષેત્રના એડીપી જોબગ્રોથના આંકડા નબળા આવ્યા હતા. ત્યાં આવો જોબગ્રોથ જે જુલાઈમાં ૧ લાખ ૧૧ હજાર આવ્યો હતો તે ઓગસ્ટમાં ઘટી ૯૯ હજાર થયાના સમાચાર હતા.

આના પગલે હવે ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા વધુ વધ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના  રૂ.૭૧૦૧૦ વાળા રૂ.૭૧૫૮૭ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૭૧૨૯૫ વાળા રૂ.૭૧૮૭૫ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૧૩૩૭ વાળા વધી રૂ.૮૨૯૭૧ રહ્યા હતા. 


bullion

Google NewsGoogle News