સોના-ચાંદીની તેજીનો લાભ લેવા રોકાણકારો ETFના માર્ગે... AUM 5 હજાર કરોડની ટોચે
Silver ETF AUM: ચાંદીના ભાવોમાં તેજી વચ્ચે સિલ્વર ઈટીએફની માગ વધી છે. વિવિધ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા ઓફર કરવામાં આવતાં આઠ સિલ્વર ઈટીએફની એયુએમ એપ્રિલમાં પ્રથમ વખત 5 હજાર કરોડની સપાટી વટાવી ગઈ છે. ગતમહિને ગોલ્ડ ઈટીએફની એયુએમ પ્રથમ વખત રેકોર્ડ 31 હજાર કરોડ થઈ હતી.
એપ્રિલમાં સિલ્વર ઈટીએફમાં રોકાણ વધ્યું
ચાલુ કેલેન્ડર વર્ષની શરૂઆતથી જ સિલ્વર ઈટીએફમાં રોકાણ પ્રવાહ સતત વધ્યો છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન રૂ. 1500 કરોડનું રોકાણ નોંધાયુ છે. જે 2023-24ના નવ માસમાં રૂ. 1300 કરોડ સામે વધુ છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા જારી આંકડાઓ અનુસાર, એકલા એપ્રિલમાં જ 25 એયુએમમાં રૂ. 650 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. ગોલ્ડ ઈટીએફમાં રોકામ છેલ્લા નવ માસમાં રૂ. 550 કરોડ નોંધાયુ હતું.
ચાંદીમાં રૂ. 9500નો ઉછાળો
ડિસેમ્બરમાં ચાંદી મ્યુચ્યુઅલ ફંડ મારફત કિંમતી ધાતુમાં રોકાણ વધ્યું છે. સોના-ચાંદીના ભાવ આ વર્ષના તળિયેથી 17 ટકા વધ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અમદાવાદમાં ચાંદીની કિંમત રૂ. 9500 વધી રૂ. 84000 પ્રતિ કિગ્રાની ટોચે પહોંચી હતી.
કિંમતી ધાતુમાં તેજી માટેના પરિબળો
જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે સેફ હેવનમાં રોકાણ વધતાં કિંમતી ધાતુમાં તેજી આવી હતી. આ પ્રકારની ક્રાઈસિસમાં સ્ટોક અને બોન્ડ નેગેટીવ પર્ફોર્મન્સ આપતાં હોય છે, તેમજ રોકાણકારો આર્થિક કટોકટીના કારણે થતાં નુકસાનથી બચવા કિંમતી ધાતુમાં હેજિંગના ભાગરૂપે રોકાણ કરતાં હોય છે.
ઈટીએફમાં પ્રવાહ ઘટવાની ભીતિ
ગોલ્ડમેન સાસના મેટલ્સ સ્ટ્રેટેજિસ્ટ નિકોલસ સ્નોડોને જણાવ્યું હતું કે, 2022ના મધ્યથી સોનામાં તેજી જોવા મળી રહી છે. એશિયન રિટેલ ખરીદી તેમજ સેન્ટ્રલ બેન્કો દ્વારા કિંમતી ધાતુમાં રોકાણમાં વધારો નોંધાવા ઉપરાંત મેક્રો પોલિસી અને જિઓપોલિટિક્સના પગલે સોના-ચાંદીમાં તેજી જળવાઈ રહી છે. જો ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો થવાની આ વર્ષે કોઈ શક્યતા જણાઈ રહી નથી. જે ઈટીએફમાં પ્રવાહ મંદ કરી શકે છે.
સિલ્વર ઈટીએફ શું છે?
સિલ્વર એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ ( Silver ETF)એ સિલ્વર એસેટ્સમાં રોકાણ કરે છે. જેનું સંચાલન મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કે ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે. રોકાણકાર ભૌતિક ચાંદીની કિંમતને અનુસરતાં તેમાંથી રિટર્ન મેળવી કમાણી કરી શકે છે. ફુગાવા સામે હેજિંગ માટે ઉપયોગી સિલ્વર ઈટીએફ ભૌતિક ચાંદીની તુલનાએ ઓછી રકમમાં પણ રોકાણ કરી શકો છો.
ચાંદીની યુએઈ મારફત આયાતો વધી
ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ 3 માસમાં ચાંદીની આયાત 40 ટકા વધી છે. 1542 ટન ચાંદીની આયાત યુએઈ રૂટ મારફત થઈ છે. જેની પાછળનું કારણ ડ્યુટીમાં મોટો તફાવત છે. અન્ય રૂટ મારફત આયાત થતી ચાંદી પર 15 ટકા ડ્યૂટી ચૂકવવી પડે છે, જ્યારે CEPA રૂટ મારફત થતી આયાત પર 8 ટકા આયાત ડ્યૂટી ચૂકવવાની હોય છે. માર્ચ, 2023 સુધી આ રેટ 9 ટકા હતો. ભારતમાં માર્ચ ત્રિમાસિકમાં ચાંદીની આયાત 3730 ટન નોંધાઈ છે. જે ગતવર્ષની 3475 ટનની તુલનાએ વધી છે. 2022માં રેકોર્ડ 9450 ટન આયાત થઈ હતી.