Get The App

વર્લ્ડ ટ્રેડ વોર : શેરબજારમાં સન્નાટો : છેલ્લા કલાકોમાં એકાએક સેન્સેક્સ 1018 પોઈન્ટ ગબડયો

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
વર્લ્ડ ટ્રેડ વોર : શેરબજારમાં સન્નાટો : છેલ્લા કલાકોમાં એકાએક સેન્સેક્સ 1018 પોઈન્ટ ગબડયો 1 - image


- ટ્રમ્પને ટેરિફ યુદ્વમાં હંફાવવા ચાઈના બાદ યુરોપના દેશોએ મોરચો ખોલ્યો

- ઈન્ટ્રા-ડે 23000ની સપાટી ગુમાવી અંતે નિફટી સ્પોટ 310 પોઈન્ટ ગબડી 23072  : સ્મોલ, મિડ કેપ શેરો પાણી પાણી : FPIs/FIIની રૂ.4486 કરોડની ચોખ્ખી ખરીદી

મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ આતંકના પરિણામે ચાઈના બાદ હવે યુરોપીય યુનિયન (ઈયુ)ના દેશોએ આ ટેરિફ યુદ્વમાં ટ્રમ્પને હંફાવવા મોરચો ખોલી અમેરિકા પર ટેરિફ લાદવાનું જાહેર કરતાં વિશ્વમાં ટેરિફ યુદ્વ ફાટી નીકળવાના સ્પષ્ટ એંધાણ વચ્ચે આજે ફોરેન ફંડોએ મોટાપાયે રોકાણ પાછું ખેંચતાં અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે ફોરેક્સ માર્કેટમાં રૂપિયાને સપોર્ટ આપવા ચાર અબજ ડોલર વેચ્યાના અહેવાલ વચ્ચે છેલ્લા કલાકોમાં એકાએક ભારતીય શેર બજારોમાં ધબડકો બોલાઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાંસની મુલાકાત બાદ આવતીકાલથી અમેરિકાની બે દિવસની શરૂ થનારી મુલાકાતમાં ટ્રમ્પ સાથે કેવી બિઝનેસ ડિલ થાય છે કે પછી ટ્રમ્પના દબાણમાં ભારતે ઝુંકવું પડશે એના પર સૌની નજર હોઈ સાવચેતીમાં આજે શેરોમાં સતત બીજા દિવસે ઓલ રાઉન્ડ વેચવાલી થઈ હતી. ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓવર વેલ્યુએશનના નિષ્ણાંતોના અભિપ્રાય સાથે ચેતવણીના સ્ફોટક નિવેદનો વચ્ચે મ્યુચ્યુઅલ ફંડોમાં નેગેટીવ વળતરના કારણે રિટેલ રોકાણકારો એસઆઈપી બંધ કરાવવા લાગ્યાના અને રોકાણ પાછું ખેંચવા લાગ્યાના અને એના પરિણામે મ્યુચ્યુઅલ ફંડોમાં રિડમ્પશન દબાણ વધવા લાગ્યાના અહેવાલો વચ્ચે આજે કડાકો બોલાયો હતો. ફોરેન ફંડોએ આજે કેશ માર્કેટમાં રૂ.૪૪૮૬.૪૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. ખાસ સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ઓટો, રિયાલ્ટી શેરોમાં મોટા ગાબડાં પડયા હતા.

ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૧૨૮૧ પોઈન્ટ તૂટી ૭૬૦૩૦ અને નિફટી ૩૯૫ પોઈન્ટ તૂટી ૨૨૯૮૬ સ્પર્શયો

આરંભિક ટ્રેડિંગ કલાકોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ મર્યાદિત ઘટાડાની ચાલ બાદ  બાદ છેલ્લા કલાકોમાં ફંડોનું પેનીક સેલિંગ આવતાં કડાકો બોલાયો હતો. સેન્સેક્સ આગલા બંધ ૭૭૩૧૧.૮૦ સામે ૭૭૩૮૪.૯૮ મથાળે ખુલીને આરંભમાં ૨૦૦થી ૨૫૦ પોઈન્ટનો ઘટાડો બતાવ્યા બાદ તમામ ફ્રન્ટલાઈન શેરો લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, સન ફાર્મા, બજાજ ફિનસર્વ, પાવર ગ્રીડ કોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, મારૂતી, રિલાયન્સ સહિત સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૯ શેરોમાં ઓફલોડિંગ થતાં એક તબક્કે સેન્સેક્સ ૧૨૮૧.૨૧ પોઈન્ટના કડાકે નીચામાં ૭૬૦૩૦.૫૯ સુધી ખાબકી અંતે ૧૦૧૮.૨૦ પોઈન્ટ ગબડીને ૭૬૨૯૩.૬૦ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ૨૩૦૦૦ની સપાટી ગુમાવી એક તબક્કે ૩૯૪.૯૫ પોઈન્ટ ખાબકીને નીચામાં ૨૨૯૮૬.૬૫ સુધી આવી અંતે ૩૦૯.૮૦ પોઈન્ટ ગબડીને ૨૩૦૭૧.૮૦ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સ ૧૨૯૧ તૂટયો : ઉનો રૂ.૮૬, આઈશર રૂ.૩૪૯, ટીવીએસ રૂ.૭૦, ટાટા મોટર્સ રૂ.૧૮ તૂટયા

ઓટોમોબાઈલ કંપનીઓના બિઝનેસને વૈશ્વિક વેપાર યુદ્વની સ્થિતિમાં મોટો ફટકો પડવાના એંધાણ વચ્ચે આજે ફંડોએ ઓટો શેરોમાં ફરી મોટું હેમરિંગ કર્યું હતું. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૨૯૧.૨૫ પોઈન્ટ તૂટીને ૫૦૬૦૯.૦૩ બંધ રહ્યો હતો. ઉનો મિન્ડા રૂ.૮૫.૭૫ તૂટીને રૂ.૯૮૭.૮૫, આઈશર મોટર્સ રૂ.૩૪૯.૪૫ તૂટીને રૂ.૪૯૮૦, મધરસન સુમી રૂ.૬.૯૦ તૂટીને રૂ.૧૨૮.૬૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૨૮.૫૦ તૂટીને રૂ.૨૭૩૭.૭૦, ટીવીએસ મોટર રૂ.૭૦.૫૦ ઘટીને રૂ.૨૩૮૭, હીરો મોટોકોર્પ રૂ.૧૧૪.૬૫ તૂટીને રૂ.૪૦૮૨.૧૫, ટાટા મોટર્સ રૂ.૧૮.૧૦ તૂટીને રૂ.૬૭૭.૭૦, એમઆરએફ રૂ.૨૪૪૯.૧૦ તૂટીને રૂ.૧,૦૮,૬૩૪.૫૫, અશોક લેલેન્ડ રૂ.૫.૩૦ ઘટીને રૂ.૨૦૩.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૨.૮૫ ઘટીને રૂ.૩૦૮૪.૬૦ રહ્યા હતા.

પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮ તૂટી રૂ.૧૪૧ : સેઈલ, હિન્દ. ઝિંક, જિન્દાલ સ્ટેનલેસ, નાલ્કો, વેદાન્તા ગબડયા

અમેરિકામાં સ્ટીલ, એલ્યુમીનિયમની આયાત પર ૨૫ ટકા ટેરિફ લાદવાનું ટ્રમ્પે જાહેર કરતાં ભારતની એક અબજ ડોલરની નિકાસ જોખમમાં મૂકાયાના અંદાજો વચ્ચે મેટલ માઈનીંગ શેરોમાં સતત ગાબડાં પડયા હતા. પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮.૨૫ તૂટીને રૂ.૧૪૦.૮૦, સેઈલ રૂ.૪.૯૫ ઘટીને રૂ.૧૦૦.૧૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૮.૬૫ તૂટીને રૂ.૪૧૭.૦૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૬.૬૦ તૂટીને રૂ.૬૦૫.૯૫, નાલ્કો રૂ.૭.૬૦ તૂટીને રૂ.૧૮૩.૩૫, એનએમડીસી રૂ.૨.૧૯ ઘટીને રૂ.૬૧.૮૪, વેદાન્તા રૂ.૧૪.૬૦ તૂટીને રૂ.૪૨૧.૩૦, કોલ ઈન્ડિયા રૂ.૧૧.૩૦ તૂટીને રૂ.૩૫૯.૧૫, ટાટા સ્ટીલ રૂ.૩.૯૦ તૂટીને રૂ.૧૩૦.૧૦, એપીએલ અપોલો રૂ.૩૨.૫૫ ઘટીને રૂ.૧૩૭૫ રહ્યા હતા.  બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૬૨૭.૮૧ પોઈન્ટ તૂટીને ૨૭૫૨૬.૦૮ બંધ રહ્યો હતો.

 વિન્ડલાસ રૂ.૧૨૪, ન્યુલેન્ડ રૂ.૧૧૦૦ તૂટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે મોટાપાયે ઓફલોડિંગ થતાં ગાબડાં પડયા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૭૨.૨૧ પોઈન્ટ તૂટીને ૪૧૦૦૮.૧૧ બંધ રહ્યો હતો. એનજીએલ ફાઈન રૂ.૨૪૦.૭૫ તૂટીને રૂ.૧૨૬૦.૮૫, વિન્ડલાસ રૂ.૧૨૪.૧૫ તૂટીને રૂ.૮૪૩.૫૦, પિરામલ ફાર્મા રૂ.૧૬.૭૫ તૂટીને રૂ.૨૦૪.૩૫, ન્યુલેન્ડ લેબ રૂ.૧૧૦૦.૦૫ તૂટીને રૂ.૧૩,૫૬૩.૭૫, સુવેન રૂ.૯ તૂટીને રૂ.૧૨૧, અપોલો હોસ્પિટલ રૂ.૪૫૧.૦૫ તૂટીને રૂ.૬૩૧૪.૯૫, માર્કસન્સ રૂ.૧૫.૯૫ તૂટીને રૂ.૨૫૧.૪૫, એસ્ટર ડીએમ રૂ.૨૭.૯૫ તૂટીને રૂ.૪૩૪.૦૫, સિગાચી રૂ.૨.૩૬ તૂટીને રૂ.૩૭.૭૧, ઈન્નોવા કેપ રૂ.૫૧.૧૦ તૂટીને રૂ.૮૫૦ રહ્યા હતા.

રિયાલ્ટી શેરોમાં સતત ગાબડાં : અનંતરાજ રૂ.૪૩ તૂટયો : શોભા ડેવલપર્સ, ગોદરેજ પ્રોપર્ટી, બ્રિગેડ તૂટયા

રિયાલ્ટી ક્ષેત્રે પણ મંદીના એંધાણ વચ્ચે આજે સતત હેમરિંગે ગાબડાં પડયા હતા. અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૨.૭૫ તૂટીને રૂ.૫૯૦.૨૦, શોભા ડેવલપર્સ રૂ.૬૧.૮૫ તૂટીને રૂ.૧૧૩૯.૨૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૯૪.૯૦ તૂટીને રૂ.૨૦૨૬.૫૫, બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૧.૪૦ તૂટીને રૂ.૧૦૬૩.૦૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૫૬.૪૫ તૂટીને રૂ.૧૭૫૦, ડીએલએફ રૂ.૨૨.૩૫ તૂટીને રૂ.૭૦૮.૭૫, ફિનિક્સ મિલ રૂ.૩૯.૮૦ તૂટીને રૂ.૧૫૮૨ રહ્યા હતા.

ઝોમાટો રૂ.૧૨ તૂટી રૂ.૨૧૫ : બજાજ ફિનસર્વ, પાવર ગ્રીડ કોર્પ, લાર્સન, હિન્દુસ્તાન યુનિલિવર ગબડયા

સેન્સેક્સના અન્ય પ્રમુખ તૂટનાર શેરોમાં ઝોમાટો રૂ.૧૧.૯૦ તૂટીને રૂ.૨૧૫.૨૫, ટાટા સ્ટીલ રૂ.૩.૯૦ ઘટીને રૂ.૧૩૦.૧૦, બજાજ ફિનસર્વ રૂ.૪૮.૩૫ તૂટીને રૂ.૧૭૪૪.૫૦, પાવર ગ્રીડ કોર્પ રૂ.૭.૨૦ ઘટીને રૂ.૨૬૧.૫૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૮૮.૩૫ ઘટીને રૂ.૩૨૪૦.૨૫, કોટક બેંક રૂ.૪૨.૧૦ ઘટીને રૂ.૧૯૧૭.૩૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૪૯.૧૫ તૂટીને રૂ.૨૩૧૪.૪૦, આઈટીસી રૂ.૮.૮૫ તૂટીને રૂ.૪૧૮.૪૫ રહ્યા હતા.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯.૩૦ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૦૮.૫૨ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકા સાથે આજે સાર્વત્રિક ધોવાણમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ધૂમ વેચવાલી ચાલુ રહેતાં અને ઓછા વોલ્યુમે અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯.૩૦  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૦૮.૫૨ લાખ કરોડ રહ્યું હતું. આમ બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૧૫.૪૧ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે.

FPIs/FIIની કેશમાં રૂ.૪૪૮૬ કરોડની ચોખ્ખી વેચવાલી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  મંગળવારે કેશમાં રૂ.૪૪૮૬.૪૧  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૪૯૫.૯૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૯૮૨.૪૦કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૦૦૧.૮૯ કરોડની ચોખ્ખી ખરીદી  થઈ હતી. કુલ રૂ.૧૩,૭૮૭.૭૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૭૮૫.૮૩ કરોડની વેચવાલી થઈ હતી.


Google NewsGoogle News