મંદીનો સંકેત : Nifty 500ના 81 ટકા શેરોના ભાવ તૂટયાં
- 81 ટકા એટલે કે 404 શેરો તૂટીને હવે 200 દિવસની મુવિંગ એવરેજ (ડીએમવી) નીચે ટ્રેડ થવા લાગતાં સમક્ષકો પણ ચિંતામાં આવ્યા છે
- નિફટી 500ના ઘણા શેરો 27, સપ્ટેમ્બરની ટોચથી 50 ટકાથી વધુ ગબડી ગયા : નિફટી સ્મોલ કેપ 150 ઈન્ડેક્સના 118 શેરો મુવિંગ એવરેજથી નીચે
મુંબઈ : સ્મોલ, મિડ કેપ શેરોના વેલ્યુએશન મામલે વધુને વધુ નિષ્ણાંતો, ઈન્વેસ્ટમેન્ટ ઓફિસરો સવાલ ઉઠાવવા લાગ્યા હોઈ અને વૈશ્વિક સાથે સ્થાનિક પડકારો વધી રહ્યા હોઈ ભારતીય શેર બજારોમાં છેલ્લા ચાર મહિનાથી થઈ રહેલા મોટા ધોવાણના પરિણામે હવે બજારમાં મંદીના સંકેત મળવા લાગ્યા છે. જેમાં હવે મંદીનો નક્કર સંકેત નિફટી ૫૦૦ ઈન્ડેક્સના ૮૧ ટકા એટલે કે ૪૦૪ શેરો તૂટીને હવે ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ (ડીએમવી) નીચે ટ્રેડ થવા લાગતાં સમક્ષકો પણ ચિંતામાં આવ્યા છે.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની જાણે કે ઈન્ડિયાને અલવિદા કહી સતત રોકાણ પાછું ખેંચવાના પરિણામે પરિસ્થિતિ વિકટ બની રહી છે. નિફટી, સેન્સેક્સમાં મોટા ધોવાણ સાથે અનેક શેરોમાં સતત વેલ્યુએશન ડામાડોળ બનતાં પેનીક સેલિંગ વધી રહ્યું છે.
નિફટી ૫૦૦ શેરો પૈકી ઘણા એવા શેરો છે, જેના ભાવ ૫૦ ટકાથી વધુ તૂટી ગયા છે. જૈ પૈકી હોનાસા કન્ઝયુમર, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનજીૅ, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા અને અદાણી ગ્રીન એનજીૅ સહિતનો સમાવેશ છે. જે ૨૭, સપ્ટેમ્બર ૨૦૨૪ની બજારની સર્વોચ્ચ સપાટીથી ૫૦ ટકાથી વધુ તૂટયા છે.
જ્યારે ૩૦થી ૫૦ ટકા સુધી જે શેરોના ભાવો તૂટયા છે, એમાં કેટલાકમાં ચેન્નઈ પેટ્રોલીયમ, શોભા ડેવલપર્સ, રાજેશ એક્ષપોર્ટસ, થર્મેક્સ, એચએફએસીએલ, જયુપીટર વેગન્સ, રાઈટ્સ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, સ્ટાર હેલ્થ, શ્રી રેણુકા સુગર્સ, જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ, ગોદરેજ પ્રોપર્ટીઝ, પીવીઆર આઈનોક્સ, સુઝલોન એનજીૅ, એનસીસી સહિતનો સમાવેશ છે. શેરોમાં સતત થઈ રહેલા ધોવાણ પાછળ વૈશ્વિક પરિબળો પૈકી તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ થયેલા ટેરિફ વોર પ્રમુખ રહેવા સાથે પાછલા દિવસોમાં વિક્રમી તેજીના અતિરેકમાં ફંડામેન્ટલ સાથે વેલ્યુએશન ગળે ઉતરે એવા નહોતા. જેની સેબીની ચેતવણીના પગલે ધોવાણ થવા લાગ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૨૪ના ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો પણ અપેક્ષિત નહીં રહેતાં શેરોમાં વેચવાલી વધતી જોવાઈ છે. નિફટી ૫૦ ઈન્ડેક્સ પણ ૨૪૦૪૬ની ૨૦૦ દિવસની મુવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. નિફટી ૫૦ના ૩૫ શેરો પણ લાંબાગાળાની મુવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં પ્રમુખ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો અને અદાણી ગુ્રપનો સમાવેશ છે.
નિફટી મિડ કેપ ૧૫૦ ઈન્ડેક્સના ૧૫૦ પૈકી ૧૧૮ શેરો અને નિફટી સ્મોલ કેપ ૨૫૦ ઈન્ડેક્સના ૨૫૦ શેરો પૈકી ૨૦૪ શેરો ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ નીચે ટ્રેડ થઈ રહ્યા છે.
વેલ્યુએશન મામલે હજુ નિષ્ણાંતો, સમીક્ષકો સ્મોલ, મિડ કેપ શેરોમાં ઊંચા વેલ્યુએશનની વાત કરી રહ્યા હોઈ શેરોમાં હજુ ઘટાડાની શકયતા મૂકાઈ રહી છે.
નિફટી અત્યારે ૨૩૦૦૦ની સપાટી ઈન્ટ્રા-ડે ગુમાવી દઈ ૨૨૯૯૨ અને સેન્સેક્સ ૭૬૦૦૦ની સપાટી ગુમાવવાની તૈયારીમાં છે, ત્યારે હવે વૈશ્વિક પરિબળો વધુ નેગેટીવ બનવાના સંજોગોમાં નિફટીમાં નીચામાં ૨૨૭૫૦ સુધીની શકયતા ટેકનીકલી મૂકવામાં આવી રહી છે.
નિફટી ૫૦૦ શેરો પૈકી દરેક પાંચ શેરમાંથી એક શેરનો ભાવ ૨૭, સપ્ટેમ્બર ૨૦૨૪ના લેવલથી ૩૦ ટકાથી વધુ ઘટી આવ્યો છે.
એ સમયે નિફટી ૫૦ ઈન્ડેક્સ ૨૬૨૭૭ની સપાટીએ હતો. ત્યારથી અત્યાર સુધીમાં નિફટીમાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે નિફટી મિડકેપ ૧૫૦માં ૧૫.૮ ટકા, નિફટી સ્મોલ કેપ ૨૫૦ ઈન્ડેક્સમાં ૧૭.૬ ટકા અને નિફટી ૫૦૦ ઈન્ડેક્સમાં ૧૪.૫ ટકા ઘટાડો નોંધાયો છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે, ટેરિફ યુદ્વ સાથે અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ સહિતના અન્ય વૈશ્વિક પરિબળો જો હજુ પડકારરૂપ બનશે, તો શેરોમાં વધુ ખાનાખરાબી જોવાઈ શકે છે.