યુપીઆઈ સાથે લિન્ક કરાતા રુપે ક્રેડિટ કાર્ડના વપરાશમાં નોંધપાત્ર વધારો
- ક્રેડિટ કાર્ડસના વ્યવહારના મૂલ્યમાં રુપેનો હિસ્સો ૭.૫૦ ટકા
મુંબઈ : રુપે ક્રેડિટ કાર્ડના યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) સાથે લિન્ક કરી દેવાને પરિણામે રુપે ક્રેડિટ કાર્ડસના વપરાશમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. ૨૦૨૪ના વર્ષમાં રુપે ક્રેડિટ કાર્ડસ મારફત દર મહિને રૂપિયા ૧૪૦૦૦ કરોડના વ્યવહાર પાર પડયા હતા જ્યારે દરેક પ્રકારના ક્રેડિટ કાર્ડસ મારફતના વ્યવહારનું એકંદર મૂલ્ય મહિને રૂપિયા ૧.૮૦ લાખ કરોડ રહ્યું હતું જેમાં રુપે કાર્ડનો હિસ્સો ૭.૫૦ ટકા જેટલો થવા જાય છે.
યુપીઆઈ સાથે જોડી દેવાયેલા રુપે ક્રેડિટ કાર્ડસનો વપરાશ કરતા ગ્રાહકો દર મહિને સરેરાશ ૪૦ વ્યવહાર કરે છે, જે પરંપરાગત ક્રેડિટ કાર્ડસ મારફત થતા વ્યવહાર કરતા આઠ ગણા વધુ છે, એમ એક એનાલિસિસમાં જણાયું છે.
૨૦૨૪માં કાર્ડ મારફત થયેલીવ્યવહારની કુલ સંખ્યામાં રુપે કાર્ડનો હિસ્સો ૧૨ ટકા જેટલો રહ્યો છે, જે ૨૦૨૩માં ત્રણ ટકા હતો.
રુપે એ ઘરેલુ કાર્ડ નેટવર્ક છે જે વૈશ્વિક ખેલાડીઓ જેમ કે વિસા તથા માસ્ટરકાર્ડ સામે સ્પર્ધા કરે છે. રિઝર્વ બેન્કના નિયમ પ્રમાણે માત્ર રુપે ક્રેડિટ કાર્ડસને જ યુપીઆઈ સાથે લિન્ક કરી શકાય છે. દેશમાં હાલમાં અંદાજે ૧૦.૫૦ કરોડ ક્રેડિટ કાર્ડસ છે. નવા જારી કરાતા ક્રેડિટ કાર્ડસમાં રુપેનો હિસ્સો વધી ૨૫ ટકા પર વધી ગયાનું પ્રાપ્ત રિપોર્ટમાં જણાવાયું હતું. રુપે ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં દર મહિને સરેરાશ પાંચ ટકા જેટલો વધારો થઈ રહ્યો છે.