શેરોમાં 'શ્રીકાર' વર્ષા : Niftyમાં 24861નો રેકોર્ડ

- કામકાજના અંતે સેન્સેક્સ ૧૨૯૨ પોઈન્ટની છલાંગે ૮૧૩૩૨ : નિફ્ટી ૪૨૮ પોઇન્ટ ઉછળી ૨૪૮૩૪

- FPIs/FIIની રૂ.૨૫૪૬ કરોડની ચોખ્ખી ખરીદી : ઓટો, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર, મેટલ, સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનું તોફાન

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
શેરોમાં 'શ્રીકાર' વર્ષા : Niftyમાં 24861નો  રેકોર્ડ 1 - image


મુંબઈ : દેશભરમાં ચોમાસાની સારી પ્રગતિએ કૃષિ-ગ્રામીણ ક્ષેત્રે વૃદ્વિની અપેક્ષા અને તાજેતરમાં સરકારના સંખ્યાબંધ બજેટ પ્રોત્સાહનોએ ફંડોએ શેરોમાં આજે સપ્તાહના અંતે શ્રીકાર તેજીની વર્ષા કરી હતી. નિફટીમાં નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યા સામે સેન્સેક્સ ઐતિહાસિક ટોચની લગોલગ આવી ગયો હતો. શેરોમાં સાંબેલાધાર તેજીમાં આજે લોકલ ફંડો બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ફરી મોટાપાયે ખરીદદાર બનતાં અને હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ લાર્જ  કેપ, સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં સાર્વિત્રિક ખરીદી કરતાં વિક્રમી તેજીનો નવો ઈતિહાસ રચાયો હતો.વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ યુરોપ, એશીયાના પ્રમુખ બજારોમાં બે દિવસ ધોવાણ અને ચાઈના માટે અર્થતંત્રને પટરી પર લાવવાના મોટા પડકારો વચ્ચે વ્યાજ દરોમાં ઘટાડો કરાયાની અસર બાદ આજે ઘટાડો અટકી રિકવરી સાથે ફંડોનું ભારતમાં રોકાણ આકર્ષણ વધતું જોવાયું હતું. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૫૨, ઘટનારની સંખ્યા ૧૨૮૬ રહી હતી.

સેન્સેક્સ ૮૧૫૮૭ની રેકોર્ડ ઊંચાઈ નજીક

ઓટોમોબાઈલ,  આઈટી, ટેલીકોમ, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ શેરોમાં આક્રમક ખરીદી થઈ હતી. નિફટી ૫૦ સ્પોટ આજે ઈન્ટ્રા-ડે ૪૫૫.૦૫ પોઈન્ટની છલાંગે ૨૪૮૬૧.૧૫ની ઊંચાઈનો નવો ઈતિહાસ રચી અંતે ૪૨૮.૭૫ પોઈન્ટ ઉછળીને ૨૪૮૩૪.૮૫ની નવી રેકોર્ડ ઊંચાઈએ  બંધ રહ્યો હતો. સેન્સેક્સ ઈન્ટ્રા-ડે  ૧૩૮૭.૩૮ પોઈન્ટ ઉછળીને ૮૦૪૨૭.૧૮ સુધી પહોંચ્યા બાદ અંતે ૧૨૯૨.૯૨ પોઈન્ટ ઉછળીને ૮૧૩૩૨.૭૨ બંધ રહ્યો હતો. સેન્સેક્સે ૧૯, જુલાઈ ૨૦૨૪ના ૮૧૫૮૭.૭૬ની ઈન્ટ્રા-ડે ઐતિહાસિક ટોચ બનાવી છે, જ્યારે બંધની રીતે ૧૮, જુલાઈના ૮૧૩૪૩.૪૬નો વિક્રમી ઊંચાઈનો ઈતિહાસ બનાવ્યો હતો.

ઓટો શેરોમાં પૂરપાટ તેજી

દેશભરમાં ચોમાસું સારૂ રહેતાં ગ્રામીણ અર્થતંત્ર, કૃષિ ક્ષેત્રે મોટી વૃદ્વિની અપેક્ષાએ વાહનોની ખરીદીમાં નોંધનીય વધારાની અપેક્ષાએ ફંડોએ આજે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પૂરપાટ તેજી કરી હતી. અશોક લેલેન્ડ રૂ.૧૩.૯૦ ઉછળીને રૂ.૨૪૬.૩૫, ટાટા મોટર્સ રૂ.૨૭.૩૫ વધીને રૂ.૧૧૧૮.૪૦, અપોલો ટાયર રૂ.૧૩.૨૫ વધીને રૂ.૫૫૦.૩૫, ટીવીએસ મોટર રૂ.૫૭.૪૫ વધીને રૂ.૨૫૦૬.૯૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૮૨.૨૫ વધીને રૂ.૩૬૯૦.૨૦, આઈશર મોટર્સ રૂ.૧૧૦.૩૫ વધીને રૂ.૫૦૧૧.૪૦, બજાજ ઓટો રૂ.૧૮૯.૯૦ વધીને રૂ.૯૪૭૦, મારૂતી સુઝુકી રૂ.૧૬૩.૮૫ વધીને રૂ.૧૨,૬૬૫, એમઆરએફ રૂ.૮૪૫.૬૦ વધીને રૂ.૧,૩૮,૪૩૫.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૩૫૭.૯૩ પોઈન્ટ ઉછળીને ૫૯૨૩૪.૫૪ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં આક્રમક ખરીદી

બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, રોડ નિર્માણ માટે મોટી જોગવાઈના આકર્ષણે મેટલની માંગ પણ વધવાની અપેક્ષઆએ મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. એનએમડીસી રૂ.૮.૬૫ વધીને રૂ.૨૩૮.૫૫, સેઈલ રૂ.૫.૨૫ વધીને રૂ.૧૪૭.૪૫, જિન્દાલ સ્ટીલ રૂ.૩૪.૪૦ વધીને રૂ.૯૭૨.૨૫, કોલ ઈન્ડિયા રૂ.૧૭.૪૦ વધીને રૂ.૫૦૮.૪૫, હિન્દાલ્કો રૂ.૨૧.૯૦ વધીને રૂ.૬૬૭.૭૦, ટાટા સ્ટીલ રૂ.૫.૧૫ વધીને રૂ.૧૬૨.૬૦, નાલ્કો રૂ.૫.૬૫ વધીને રૂ.૧૮૯.૬૫, વેદાન્તા રૂ.૧૨.૮૫ વધીને રૂ.૪૪૪.૭૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૫.૯૦ વધીને રૂ.૯૦૦.૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૯૯૮.૩૭ પોઈન્ટ ઉછળીને ૩૨૨૬૧.૫૯ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી નાસ્દાક પાછળ વેચવાલી આજે અટકીને ઘટાડે મોટું વેલ્યુબાઈંગ નીકળ્યું હતું. વિપ્રો રૂ.૧૮.૨૦ ઉછળીને રૂ.૫૨૫, એમ્ફેસીસ રૂ.૧૭૧.૨૫ ઉછળીને રૂ.૩૦૧૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૬.૬૦ વધીને રૂ.૩૪૯.૩૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૩૬.૭૦ વધીને રૂ.૮૦૮.૮૦, બ્લેક બોક્સ રૂ.૧૪.૯૫ વધીને રૂ.૪૫૦.૭૫, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૧૯૧.૮૫ વધીને રૂ.૫૭૮૯.૩૦, ઈન્ફોસીસ રૂ.૫૩.૪૦ વધીને રૂ.૧૮૭૮.૭૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૪૬ વધીને રૂ.૧૬૩૪.૨૦, ઈમુદ્રા રૂ.૨૪.૩૫ વધીને રૂ.૯૦૯, ક્વિક હિલ રૂ.૧૪.૩૦ વધીને રૂ.૬૦૪.૮૫, ટીસીએસ રૂ.૬૫.૦૫ વધીને રૂ.૪૩૮૭.૯૫ રહ્યા હતા.

રોકાણકારોની સંપતિ વધી

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી, એ ગુ્રપ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે ખરીદી થતાં અનેક શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૭.૧૦  લાખ કરોડ વધીને રૂ.૪૫૬.૯૩  લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ  પહોંચી ગઈ હતી.

DIIની રૂ.૨૭૭૪ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  શુક્રવારે કેશમાં શેરોમાં રૂ.૨૫૪૬.૩૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૭૭૪.૩૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.


Sensex

Google NewsGoogle News