એસ્સાર ગ્રૂપના પ્રણેતા અને મોભી શશિકાંત રૂઈયાનું 81 વર્ષની વયે નિધન
Essar Group Shashi Ruia Dies at 81 years: એસ્સાર ગ્રૂપના પ્રણેતા શશિકાંત રૂઈયાનું 81 વર્ષની વયે નિધન થયુ છે. પાર્થિવ દેહના અંતિમ દર્શન બપોરે 1થી 3 વાગ્યા સુધી રૂઈયા હાઉસ ખાતે કરી શકાશે. રૂઈયાની સ્મશાન યાત્રા સાંજે ચાર વાગ્યે નીકળશે. શશિકાંત રૂઈયાના ભાઈ રવિ રૂઈયાએ આ અંગે જાણકારી આપી હતી.
રૂઈયા પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક હતા. તેમણે પોતાના ભાઈ રવિ રૂઈયા સાથે મળી 1969માં એસ્સાર ગ્રૂપનો પાયો નાખ્યો હતો. સામાજિક કલ્યાણ અને પરોપકાર પ્રત્યેની તેમની કર્મનિષ્ઠાએ કરોડો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.
એસ્સાર ગ્રૂપના કો-ફાઉન્ડર અને તેમના ભાઈ રવિ રૂઈયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ખૂબ જ દુઃખ સાથે અમે જણાવી રહ્યા છીએ કે, એસ્સાર પરિવારના વડા શશિકાંત રુઇયાનું 81 વર્ષે નિધન થયું છે. સામુદાયિક ઉત્થાન અને પરોપકાર માટે અતૂટ પ્રતિબદ્ધતા સાથે, તેમણે લાખો લોકોના જીવન કલ્યાણ માટે કામો કર્યા છે.
PM મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું હતું કે, શશિકાંત રુઈયા ઉદ્યોગ જગતમાં એક દિગ્ગજ વ્યક્તિ હતા. તેમની નેતૃત્વ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા ભારતના બિઝનેસ લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવી છે. તેમણે ઈનોવેશન અને ગ્રોથના ઊંચા માપદંડો નિર્ધારિત કર્યા હતા. તેઓ હંમેશા દેશના વિકાસ માટે યોગદાન આપતાં રહ્યા છે. તેમના નિધનથી હું અત્યંત દુઃખી છું.
એન્જિનિયરિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રથી કરી શરૂઆત
શશિકાંત રૂઈયાએ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના બદલે 17 વર્ષની વયે ફેમિલી બિઝનેસ કરવાનું પસંદ કર્યું હતું. કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ પર ફોકસ કરતાં ભાઈ સાથે મળી એસ્સાર ગ્રૂપનો 1969માં પાયો નાખ્યો હતો. શરૂઆતમાં કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કામગીરી શરૂ કરી અને 1980 સુધીમાં તેઓ ઓઈલ એન્ડ ગેસના મર્જર સાથે એનર્જી સેક્ટરમાં પ્રવેશ્યા હતા. 1990માં સ્ટીલ અને ટેલિકોમ ક્ષેત્રે વિસ્તરણ કર્યું હતું. એસ્સાર ગ્રૂપને પહેલો ઓર્ડર મદ્રાસ પોર્ટ ટ્રસ્ટ તરફથી 2.5 કરોડનો મળ્યો હતો. આજે ટેલિકોમ, બીપીઓ, ઓઈલ અને ગેસ સેક્ટરના બિઝનેસની પોર્ટફોલિયો સાઈઝ 40 અબજ ડોલરથી વધુ છે, બિઝનેસ 50થી વધુ દેશોમાં વિસ્તરેલો છે.