શેર-સોનાની વિક્રમી તેજીથી સંપત્તિમાં રૂ.77 લાખ કરોડનો વધારો
- સેન્ક્સેસ 69,818 અને નિફ્ટી 20,702ની ઈતિહાસની સૌથી ઉંચી સપાટીએ, સોનું પણ ઓલ ટાઈમ હાઈ
- એક જ દિવસમાં રોકાણકારો રૂ.5.81 લાખ કરોડ કમાયા, એક વર્ષમાં સંપત્તિમાં રૂ.53.90 લાખ કરોડ વધ્યા : એક વર્ષમાં સોનું રૂ.8700 વધતા દેશની જનતાના ગોલ્ડ હોલ્ડીંગનું મૂલ્ય રૂ.23.50 લાખ કરોડ વધ્યું
અમદાવાદ : શેરબજાર, સોનું અને ક્રીપ્ટોકરન્સીમાં વિક્રમી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં જંગી વૃદ્ધિ નોંધાઈ છે. ભારતીય બજારમાં શેર અને સોનું ઈતિહાસની સૌથી ઉંચી સપાટીએ બંધ આવ્યા હતા જયારે બીટકોઈનના ભાવ બે વર્ષની ઉંચી સપાટીએ હતા. નવેમ્બરમાં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છતીસગઢના હિન્દી બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટીને વિજય મળતા લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ બાદ નરેન્દ્ર મોદી સરકાર ફરીથી સત્તા ઉપર આવશે એવી ધારણાએ સેન્સેક્સ ૧૩૮૩.૯૩ પોઈન્ટ કે ૨.૦૫ ટકા વધી ૬૮,૮૬૫.૧૨ અને નિફ્ટી ૪૧૮.૯૦ પોઈન્ટ કે ૨.૦૭ ટકા વધી ૨૦,૬૮૬.૮૦ની સર્વકાલીન ઉંચી સપાટીએ બંધ આવ્યા હતા.
શેરબજારમાં સોમવારની તેજી માટે ચૂંટણીના પરિણામ ઉપરાંત ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર વધીને ૭.૨ ટકા, સરકારના જીએસટી કરની આવકમાં ૧૫ ટકાની વૃદ્ધિ, ક્રૂડ તેલના નરમ ભાવ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરની સતત ખરીદી પણ જવાબદાર માનવામાં આવી રહી છે. શેરબજારમાં એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ (કે માર્કેટ કેપીટલાઈઝેશન) રૂ.૫.૮૧ લાખ કરોડ વધી રૂ.૩૪૩.૪૮ લાખ કરોડ રહ્યું હતું.
અમેરિકામાં ફેડરલ રિઝર્વ હવે વ્યાજના દર નહી વધારે એવા સંકેતો વચ્ચે ડોલર ઘટતા ન્યૂ યોર્ક સોનાનો વાયદો ૨૧૩૫ ડોલર પ્રતિ ઔંસની ઈતિહાસની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો હતો અને ત્યારબાદ તે પ્રોફિટ બુકિંગના કારણે ઘટી ૨૦૭૧ થી ૨૦૮૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. વૈશ્વિક બજારમાં હાજર સોનાનો ભાવ ૨૧૪૮.૭૮ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ ઘટી અત્યારે ૨૦૫૩.૪૮ ડોલરની સપાટી ઉપર છે. વૈશ્વિક બજારની જેમ ભારતમાં પણ સોનાના ભાવ સૌથી ઉંચી સપાટી રૂ.૬૫,૧૦૦ ખુલ્યા હતા અને પછી વૈશ્વિક બજારના પગલે ઘટીને બંધ આવ્યા હતા.
શેરબજાર અને સોનાની અવિરત તેજીથી ગત ડિસેમ્બરથી સેન્સેક્સ અને નિફ્ટી ૯.૫ ટકા જેટલા વધ્યા છે. આ વૃદ્ધિના કારણે એક વર્ષમાં રોકાણકારોની સંપત્તિ (કે માર્કેટ કેપીટલાઈઝેશન)માં રૂ.૫૩.૯૦ લાખ કરોડનો જંગી વધારો જોવા મળ્યો છે. શેરબજારની વર્તમાન તેજી માટે સ્થાનિક કે રિટેલ રોકાણકારો જવાબદાર છે. વિદેશી સંસ્થાઓ, પ્રમોટર (એટલે કે કંપનીના માલિકો) શેર વેચી રહ્યા છે જયારે રિટેલ હોલ્ડીંગ સતત વધી રહ્યું છે. એટલે રિટેલ રોકાણકારોને શેરબજારની તેજીનો સૌથી મોટો લાભ મળી રહ્યો છે.
એવી જ રીતે, સોનાના ભાવની વૃદ્ધિનો લાભ પણ સામાન્ય માણસોને મળી રહ્યો છે. ડિસેમ્બર ૨૦૨૨થી આજ સુધીમાં સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૮૭૦૦ કે ૧૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ અનુસાર ભારતીયોના ઘરોમાં લગભગ ૨૭,૦૦૦ ટન સોનું છે. ભાવની વૃદ્ધિ ગણતા સોનાના ભાવ વધવાના કારણે પણ ભારતીયોની સંપત્તિમાં રૂ.૨૩.૫૦ લાખ કરોડનો જંગી વધારો જોવા મળ્યો છે. રોકાણ એક સંપત્તિ સર્જનનું માધ્યમ છે એટલે શેર અને સોનાની સંપત્તિ વધતા ભારતીયોનો આત્મ વિશ્વાસ અને ખરીદશક્તિમાં જંગી વધારો થશે જેની અસર વિશ્વના અર્થતંત્ર મંદી કે ધીમા આર્થિક વિકાસનો પડકાર ભોગવી રહ્યા છે ત્યારે ભારતનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપે વિકસી રહ્યું છે તેના ઉપર પણ જોવા મળે છે.
વિદેશી નહી સ્થાનિક રોકાણકારો દ્વારા બજારમાં તેજી આવી
ભારતીય શેરબજારમાં કોવિડ બાદ રિટેલ રોકાણકારો શેરબજારમાં પ્રવૃત્ત થઇ ગયા છે. આજે દેશમાં ૧૦ કરોડથી વધારે ડિમેટ એકાઉન્ટ છે. જો દરેક રોકાણકાર શેરબજારમાં દર વર્ષે માત્ર રૂપિયા એક લાખનું રોકાણ કરે તો આ રકમ વર્ષે રૂ.૧૦ લાખ કરોડ થઇ શકે. આટલી મોટી માત્રામાં સ્થાનિક રોકાણકાર રોકાણ કરે તો હવે ભારતીય બજારની તેજી માટે વિદેશી રોકાણકાર ઉપરનો આધાર રહે નહી એની અસર પણ બજારમાં જોવા મળી છે. સપ્ટેમ્બર ૨૦૨૩ના અંતે કંપનીઓએ ફાઈલ કરેલી શેરહોલ્ડીંગની વિગતો અનુસાર દેશમાં સ્થાનિક રોકાણકારોનો હિસ્સો ૭.૬ ટકાની ઈતિહાસની સૌથી ઉંચી સપાટીએ છે.
એટલે શેરબજારના કુલ માર્કેટ કેપિટલાઈઝેશનમાં તેમના હિસ્સાનું મૂલ્ય અત્યારે રૂ.૨૬,૧૦,૪૨૩ કરોડ છે જે ગત ડિસેમ્બરમાં રૂ.૨૧,૭૧,૭૮૨ કરોડ હતું એમ એક વર્ષમાં તેમની સંપત્તિમાં રૂ.૪,૩૮,૬૪૧ કરોડની વૃદ્ધિ થઇ છે.
ક્રીપ્ટોકરન્સીના ભાવ દોઢ વર્ષની ઉંચી સપાટીએ
બીટકોઇનના ભાવ દોઢ વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા છે. ડિસેમ્બર ૨૦૨૨માં બીટકોઈનના ભાવ ૧૭,૮૦૮ ડોલર હતા જે આજે વધી ૪૧,૫૫૭ ડોલરની સપાટીએ પહોંચ્યા છે. છેલ્લે બીટકોઈનના ભાવ ૪૦,૦૦૦ ડોલરની ઉપરની સપાટીએ એપ્રિલ ૨૦૨૨માં જોવા મળ્યા હતા. અમેરિકન અર્થતંત્રમાં હવે વ્યાજ દર નહી વધે એવી ધારણા, અમેરિકામાં ફરી સરકારે ફેડરલ ખર્ચના નાણા નહી મળતા શટ ડાઉનનો ખતરો અને નબળા ડોલર વચ્ચે ક્રીપ્ટોકરન્સીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.