ચૂંટણીના માહોલ વચ્ચે શેરબજારમાં તેજી, નિફ્ટીએ ઓલટાઈમ હાઈનો રેકોર્ડ તોડ્યો, સેન્સેક્સમાં પણ ઉછાળો
NSE પર નિફ્ટી 96.1 પોઈન્ટના વધારા સાથે 20,229.25 પર ઓલટાઇમ હાઈ ટ્રેડ કરી રહી છે
Nifty all time high : દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. એવામાં આજે શેરબજારે ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શી છે અને સેન્સેક્સે 67 હજારનું લેવલ પાર કરી લીધું છે. સેન્સેક્સે 67296.96ના લેવલ સુધીનો ઊછાળો દેખાડી ભારતીય શેરબજારની મજબૂતી બતાવી છે. BSEનો સેન્સેક્સ 308.52 પોઈન્ટના વધારા સાથે 67,296.96ના સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે. આ સિવાય NSE પર નિફ્ટી 96.1 પોઈન્ટના વધારા સાથે 20,229.25 પર ઓલટાઇમ હાઈ ટ્રેડ કરી રહી છે.
આ શેરોમાં જોવા મળી રહ્યો છે ઉતાર-ચઢાવ
સેન્સેક્સ કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ, મારુતિ, સન ફાર્મા, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેર લીલા માર્કમાં જોવા મળી રહ્યા છે. આ સિવાય વિપ્રો, એચસીએલ ટેક, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ટાઈટન અને મહિન્દ્રાના શેર પણ નફામાં ટ્રેડ કરી રહ્યા છે.
ભારતીય શેરબજાર દેશના અર્થતંત્ર કરતા આગળ નીકળ્યું
ભારતીય શેરબજારે એક નવો માઈલસ્ટોન સિદ્ધ કર્યો છે. બુધવારે BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન તેની ઓલટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યું હતું. આ સપાટી ઝડપથી વધતી જોવા મળી અને 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે 330 લાખ કરોડ થઇ હતી. જો આ આંકડા પર નજર કરીએ તો તે ભારતના GDP કરતા પણ વધુ છે. આ સપાટીને પર કરતા જ ભારતીય શેરબજાર દુનિયામાં પાંચ નંબરનું સેન્સેક્સ બની ગયું છે.
જુલાઈ-સપ્ટેમ્બરમાં જીડીપી 7.6 ટકા અર્થતંત્રનો વિકાસ અંદાજ કરતા સારો
મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને સર્વિસ સેક્ટરના સારા દેખાવને પગલે ચાલુ નાણાકીય વર્ષના બીજા એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટરમાં ભારતીય અર્થતંત્રે 7.6 ટકાના દરે વિકાસ કર્યો છે એટલે કે GDP 7.6 ટકા રહ્યો છે તેમ સરકાર દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું હતું.