શેરબજારમાં રોકાણકારોની પથારી ફરી, સેન્સેક્સમાં એક જ દિવસમાં 1613, નિફ્ટીમાં 460 પોઈન્ટનો કડાકો
Share Market Crash : ભારતીય શેરબજારમાં આજનો દિવસ ભારે વીત્યો હતો. છેલ્લાં કેટલાક દિવસોથી બજારમાં ચાલી રહેલી બુલ રન પર એકાએક બ્રેક વાગતાં આજે સેન્સેક્સમાં 2.21%નો કડાકો બોલાઈ ગયો હતો. આ સાથે સેન્સેક્સ 1613.64 પોઈન્ટના ઘટાડા સાથે સીધું લપસીને 71.515.13 પર આવી ગયો હતો.
નિફ્ટીમાં પણ મોટો કડાકો
જ્યારે બીજી બાજુ નિફ્ટીની પણ હાલત દયનીય જોવા મળી હતી. તેમાં 460.35 પોઇન્ટનો ઘટાડો થયો હતો અને આ સાથે નિફ્ટી 21571.95 પોઈન્ટ પર પહોંચી ગઇ હતી. તેમાં પણ 2.09% નો કડાકો બોલાઈ ગયો હતો.
બેન્ક નિફ્ટીની શું રહી સ્થિતિ?
જ્યારે બીજી બાજુ આજે HDFC બેન્કના સ્ટોક્સની હાલત દયનીય રહેતાં અને તેમાં વેચવાલીની સ્થિતિને પગલે સમગ્ર બજારમાં તેની અસર જોવા મળી. તેના કારણે બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ લગભગ 4.28%ના કડાકા સાથે લપસીને 46064.45 પર આવી ગઇ હતી.
HDFC બેન્કના શેરોમાં 8.16 ટકાનો કડાકો
ઉલ્લેખનીય છે કે આજના દિવસે સૌથી વધુ ચર્ચામાં રહેલો સ્ટોક HDFC બેન્કનો હતો. તેમાં જ લગભગ 137 રૂપિયા એટલે કે 8.16 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. હવે આ શેરનો ભાવ 1542.15 રૂપિયાએ આવી ગયો છે. આ સાથે કોટક, એક્સિસ, એસબીઆઈ, બજાજ ફાયનાન્શ, આઈસીઆઈસીઆઈ જેવી મોટી બેનકો કે એનબીએફસીના શેરમાં પણ કડાકાની સ્થિતિ દેખાઈ હતી.
નફાવસૂલી
શેરબજારમાં અનેક દિવસોથી તેજીની સ્થિતિ જોવા મળી રહી હતી. ગત મંગળવારે સેન્સેક્સ પહેલીવાર 73427.59 પોઈન્ટના લેવલ પર પહોંચી ગયો હતો. નિફ્ટીએ પણ 22000ની સપાટી કૂદાવી હતી. તેના બાદથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે હવે બજાર નફાવસૂલી તરફ આગળ વધી શકે છે અને આ આશંકા સાચી સાબિત થઇ છે.
ડોલરમાં વધારો
આજે ડૉલરમાં પણ ભારતીય રૂપિયા સામે મજબૂતી જોવા મળી રહી હતી. મજબૂત ડોલરનો અર્થ છે કે રૂપિયો નબળો પડશે જે અર્થતંત્ર માટે સારી બાબત નથી. જ્યારે ડોલર ઈન્ડેક્સ વધે છે ત્યારે ક્રૂડ ઓઈલ અને અન્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ જાય છે. આનાથી આપણો આયાત ખર્ચ વધે છે અને આપણી ચાલુ ખાતાની ખાધ વધવાની સંભાવના રહે છે.
એશિયન બજારોમાં પણ મંદડિયા હાવી
બુધવારે એશિયન શેરબજારોમાં પણ બિયર્સનો કબજો રહ્યો હતો. ચીનના શેરબજારમાં ખળભળાટ મચી ગયો હતો. 2019 ની શરૂઆતથી સૌથી નીચા સ્તરની નજીક ચીનનો શેરબજાર પહોંચી ગયો છે. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ પણ 3% તૂટ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 2.25 ટકા તૂટ્યો હતો. જાપાનના નિક્કી ઈન્ડેક્સમાં પણ મંદડીયા ભારે પડ્યા હતા.