ભારતીય શેરબજારે બનાવ્યો રેકોર્ડ, સેન્સેક્સ પહેલીવાર 84000ને પાર, રોકાણકારોને લ્હાણી
Sensex Nifty50 All Time High: વૈશ્વિક શેરબજારોની તેજીના સથવારે સેન્સેક્સ અને નિફ્ટી આજે ફરી રેકોર્ડ ટોચ હાંસલ કરવામાં સફળ રહ્યા છે. સેન્સેક્સ પ્રથમ વખત 84000નું લેવલ ક્રોસ કરી 84213.21ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. નિફ્ટીએ પણ 25700 નજીક 25697.45ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે.
11.15 વાગ્યે નિફ્ટી 275.60 પોઈન્ટ ઉછળી 25691.40ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, સેન્સેક્સ 999.74 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી એકમાત્ર ટીસીએસ 0.33 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય તમામ 28 શેર્સ 4 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની જાહેરાતના પગલે અમેરિકી શેરબજારમાં ડાઉજોન્સ પણ 42000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. એશિયન બજારો પણ તેજી સાથે આગેકૂચ રહ્યા છે. લાર્જકેપ શેર્સમાં ઉછાળાના સથવારે સ્થાનિક શેરબજારમાં પણ તેજી જોવા મળી છે. ઉલ્લેખનીય છે, ગઈકાલે એફઆઈઆઈએ નોંધાવેલ 2547.53 કરોડની વેચવાલીને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 2012.86 કરોડની લેવાલીએ ટેકો આપ્યો હતો.
રોકાણકારોની મૂડી 4.4 લાખ કરોડ વધી
શેરબજારમાં સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી રૂ. 4.4 લાખ કરોડ વધી છે. બીએસઈ ખાતે ટ્રેડેડ 3867 શેર્સ પૈકી 2434માં સુધારો અને 1281 શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. 203 શેર્સ વર્ષની ટોચે અને 33 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 243 શેર્સમાં અપર સર્કિટ અને 207 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે.
સ્મોલકેપ શેર્સમાં આજે તેજી
સેક્ટોરલ ઈન્ડેક્સમાં સાર્વત્રિક લેવાલીનો માહોલ સર્જાયો છે. સ્મોલકેપ 1.07 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય પાવર, રિયાલ્ટી, લાર્જકેપ, ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, પીએસયુ, એફએમસીજી ઈન્ડેક્સ 1થી 3 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.સ્મોલકેપ ઈન્ડેક્સ ખાતે ટ્રેડેડ 991 શેર્સમાંથી 732 શેર્સ ગ્રીન ઝોનમાં અને 251 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આઈટીડી સિમેન્શન 18.49 ટકા, સ્ટર્લિંગ ટુલ્સ 10.14 ટકા, કોચિન શિપયાર્ડ 10 ટકા, જિન્દાલ વર્લ્ડ વાઈડ 8.49 ટકા, આઈઆઈએફએલ 8.76 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.