શેરબજારમાં હિંડનબર્ગ રિસર્ચના ધડાકાની અસર, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં, અદાણી ગ્રૂપના શેર્સમાં કડાકો
Share Market: હિંડનબર્ગ રિસર્ચ ફર્મ દ્વારા સેબી અને અદાણી ગ્રૂપ વચ્ચે લિંકના અહેવાલો આવ્યા બાદ આજે (12મી ઑગસ્ટ) ભારતીય શેરબજાર પર સૌની નજરો ટકી હતી. ત્યારે આ રિપોર્ટની અત્યાર સુધીમાં શેરબજાર પર નજીવી અસર દેખાઈ છે. સેન્સેક્સની વાત કરીએ તો ટ્રેડિંગની શરૂઆતમાં તેમાં 375 પોઈન્ટનો સામાન્ય કડાકો જ બોલાયો હતો જ્યારે નિફ્ટીમાં પણ નજીવા 70 પોઈન્ટનો કડાકો દેખાયો હતો. જોકે હિંડનબર્ગના રિપોર્ટની અસર અદાણી ગ્રૂપના સ્ટોક્સ પર જોવા મળી હતી અને અદાણી એન્ટરપ્રાઈઝના સ્ટોક્સમાં 5 ટકાનો એકસાથે કડાકો બોલાઈ ગયો હતો.
આ પણ વાંચો: SEBI ચીફના ખુલાસા સામે હિંડનબર્ગનું આવ્યું રિએક્શન, કહ્યું - 'સ્પષ્ટતા કરવામાં જ સ્વીકારી લીધું...'
અદાણી ગ્રૂપના અન્ય શેરની શું છે સ્થિતિ?
•અદાણી પાવર શેર 3.65% ના કડાકા સાથે રૂ. 670 પર ટ્રેડ કરી રહ્યો છે.
•અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 4.81% ઘટીને રૂ. 828 પર ટ્રેડ થઈ રહ્યો છે.
•અદાણી વિલ્મરનો શેર 2.56% ઘટીને રૂ. 375.30ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
•અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો સ્ટોક 2.96% ઘટીને રૂ. 1,728.05 પર છે.
પહેલા જેવી અસર નહીં!
અદાણી ગ્રૂપના શેરોમાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટની અસર પહેલા જેવી દેખાઈ રહી નથી, 24મી જાન્યુઆરી 2023ના રોજ રિપોર્ટ જાહેર કરાયા બાદ દેખાઈ હતી. તેનાથી ક્યાંકને ક્યાંક એ વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે આ વખતે અમેરિકન શોર્ટ સેલરનો સેબી ચીફ અંગેનો રિપોર્ટ વધારે અસરદાર સાબિત થયો નથી. રોકાણકારોના સેન્ટીમેન્ટ પર અસર થઈ હોવાનું પણ માની શકાય. નિષ્ણાતોના મતે આ આરોપ પહેલા જેવા જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.