એક પછી એક આરોપ વચ્ચે SEBI પ્રમુખ માધબી માટે વધુ એક માઠા સમાચાર, સરકારનો મોટો નિર્ણય
SEBI Chief Madhabi Puri Buch: હિન્ડનબર્ગના આરોપો બાદ માર્કેટ રેગ્યુલેટર સેબીના વડા માધબી પુરી બુચ સતત વિવાદોમાં રહી છે. તેમના પર એક પછી એક આરોપોનો વરસાદ થઈ રહ્યો છે. જો કે, અત્યારસુધી સેબીએ તમામ આરોપો મુદ્દે સ્પષ્ટતા આપતાં પાયાવિહોણા દર્શાવ્યા છે. હિન્ડનબર્ગની શરૂઆતથી માંડી આઈસીઆઈસીઆઈ બેન્કનો પગાર લેવા અને કર્મચારીઓને ટોક્સિક વર્ક કલ્ચર આપી રહી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. કોંગ્રેસ સહિત કર્મચારીઓ સતત સેબીના વડા પદેથી રાજીનામુ લેવાની માગ કરી રહ્યા છે.
સરકારે લીધુ પગલું
સરકારી ખર્ચા પર દેખરેખ રાખતી સંસ્થા પબ્લિક એકાઉન્ટ કમિટી (PAC)એ આ વર્ષે પોતાના એજન્ડામાં સિક્યુરિટીઝ માર્કેટ ઓફ એક્સચેન્જ બોર્ડ (SEBI)ની કામગીરીની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સંસદીય સમિતિએ પોતાના એજન્ડાની નોટિફિકેશન જારી કરતાં જણાવ્યું હતું કે, સમીક્ષા પ્રક્રિયા દરમિયાન વર્તમાન સેબી વડા સાથે પુછપરછ કરી શકે છે.
કર્મચારીઓ અને કોંગ્રેસે કરી રાજીનામાનું માગ
સેબીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા માધબી પુરી બુચની લીડરશીપ હેઠળ ટોક્સિક વર્ક કલ્ચર અનુભવી રહ્યા હોવાનો આરોપ છે, તેઓએ નાણા મંત્રાલય સમક્ષ ફરિયાદ પણ કરી છે. ગઈકાલે તેમણે દેખાવો કરી માધબીનું રાજીનામું લેવાની માગ કરી હતી. કોંગ્રેસે પણ માધબી સેબી ઉપરાંત આઈસીઆઈસીઆઈ ગ્રુપ પાસેથી પગાર વસૂલી રહેવાનો આરોપ સાથે રાજીનામું લેવાની માગ કરી છે.
હિન્ડનબર્ગે આરોપ લગાવ્યો હતો
હિન્ડબર્ગે સેબી ચીફ માધબી પુરી બુચ પર આરોપ મૂક્યો હતો કે, તે અદાણી ગ્રુપના વિદેશી ફંડમાં હિસ્સો ધરાવે છે. ફોરેન ઓફશોર ફંડમાં માધબી અને તેમના પતિનો હિસ્સો હોવાના દાવા સાથે સેબીએ અદાણી ગ્રુપ વિરૂદ્ધ તપાસમાં નરમ વલણ અપનાવ્યું હોવાનો આરોપ મૂક્યો છે. જો કે, માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે તમામ આરોપોને પાયાવિહોણા કહી ફગાવ્યા છે.