Sensex@70,000 : રોકાણકારોની સંપત્તિ રૂ. 1.86 લાખ કરોડ વધી
- 2024માં લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર મજબૂતી સાથે પુન:સત્તા પર આવવાના વિશ્વાસે ફોરેન ફંડોની શેરોમાં અવિરત ખરીદી
- 70000ની સપાટી ક્રોસ કરીને ઈન્ટ્રા-ડે 70057.83ની ઊંચાઈનો નવો વિક્રમ સર્જયા બાદ અંતે 102.93 પોઈન્ટ વધીને 69928.53ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યો હતો
મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)નો ભારતની ગ્રોથ સ્ટોરીમાં પુન:વિશ્વાસ પ્રસ્થાપિત થતાં અને હવે વર્ષ ૨૦૨૪માં લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર મજબૂતી સાથે પુન:સત્તા પર આવવાના વિશ્વાસે ફોરેન ફંડોની શેરોમાં અવિરત ખરીદીએ બજારમાં નવા વિક્રમો સર્જાયા હતા. સેન્સેક્સ અપેક્ષા મુજબ આજે સિત્તેર હજાર, ૭૦૦૦૦ની સપાટી ક્રોસ કરીને ઈન્ટ્રા-ડે ૭૦૦૫૭.૮૩ની ઊંચાઈનો નવો વિક્રમ સર્જયા બાદ અંતે ૧૦૨.૯૩ પોઈન્ટ વધીને ૬૯૯૨૮.૫૩ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યો હતો.
જ્યારે ફંડોની કેપિટલ ગુડઝ, પાવર શેરો પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી સાથે અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટી શેરો એચસીએલ ટેકનોલોજી, એલટીઆઈ માઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા સાથે એફએમસીજી શેરોમાં નેસ્લે ઈન્ડિયા, આઈટીસીની આગેવાનીએ અને બેંકિંગ શેરો આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક સાથે યુપીએલ, અદાણી એન્ટરપ્રાઈસીઝ, અદાણી પોર્ટસ, બજાજ ઓટો, ઓએનજીસી, ટાટા મોટર્સ સહિતમાં આકર્ષણે ફંડોની ખરીદીએ નિફટી સ્પોટ ૨૧૦૧૬.૧૦ની ઊંચાઈનો નવો ઈતિહાસ રચી અંતે ૨૭.૭૦ પોઈન્ટ વધીને ૨૦૯૯૭.૧૦ની નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો. સેન્સેક્સની છેલ્લે ૬૫૦૦૦ની સપાટી ૩, જુલાઈ ૨૦૨૩ના પાર કર્યા બાદ આજે ૭૦,૦૦૦ની સપાટી કુદાવી છે.
સેન્સેક્સ, નિફટી બેઝડ નવા વિક્રમો સર્જાયા સાથે સ્મોલ, મિડ કેપ શેરો, રોકડાના શેરોમાં ધૂમ ખરીદી થતાં માર્કેટબ્રેડથ અત્યંત પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૭૨ અને ઘટનારની સંખ્યા ૧૪૯૯ રહી હતી.
સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી સાથે ફંડો, ખેલંદાઓ, ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદના આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૮૬ લાખ કરોડ વધીને રૂ.૩૫૧.૦૯ લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું હતું.