Get The App

નવા સપ્તાહમાં સેન્સેક્સ 75000થી 77000 વચ્ચે ફંગોળાશે

- નિફટી ૨૨૭૭૭થી ૨૩૩૩૩ વચ્ચે ફંગોળાશે

- ૧લી ફેબુ્રઆરીના શનિવારે કેન્દ્રિય બજેટ દિવસે શેર બજારોમાં ટ્રેડિંગ ચાલુ રહેશે

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
નવા સપ્તાહમાં  સેન્સેક્સ 75000થી 77000 વચ્ચે ફંગોળાશે 1 - image


મુંબઈ : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાનું સુકાન સંભાળી લેતાની સાથે મેક્સિકો, કેનેડા પર ૨૫ ટકા ટેરિફ અને ત્યાર બાદ ચાઈના પર ૧૦ ટકા ટેરિફ લાદવાનની વિચારણાનું એલાન કર્યું પણ આ આક્રમક પગલાં સાથે બર્થ રાઈટ સિટીઝનશીપ નકારવાના કાયદાને લઈ કાનૂની પડકારમાં મામલો અટવાઈ પડવાના સર્જાયેલા સંજોગો અને ટેરિફ મામલે પણ ચાઈના સાથે દુશ્મનીને બદલે દોસ્તીના આપેલા સંકેત અને બીજી તરફ ચાઈનાએ તેના બજારોમાં પ્રાણ ફૂંકવા ઐતિહાસિક ૧૩૮ અબજ ડોલરનું ફંડ રોકાણ ઠાલવવાના જાહેર કરેલા નિર્ણયને લઈ વૈશ્વિક ફંડોએ ભારતીય શેર બજારોમાંથી ઉચાળા ભરવાનું ચાલુ રાખ્યું છે. આ ફોરેન ફંડોની શેરોમાં વધતી વેચવાલીના પરિણામે સેન્સેક્સે ૭૭૦૦૦ની સપાટી ગુમાવી દીધી છે. જ્યારે નિફટીએ ૨૩૦૦૦ની સપાટી એક તબક્કે ગુમાવી દઈ બજારમાં તેજીવાળાઓના હાથમાંથી બાઝી પડાવી લીધી છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ, નિફટી બેઝડ મોટો ઘટાડો નહીં આપીને ઘટાડે ટેકો આપતાં રહી ફંડોએ ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં જે પ્રકારે હેમરિંગ કર્યું છે, અને એના પરિણામે અનેક શેરોમાં પડેલા ગાબડાંના કારણે ઘણા રોકાણકારોની બેલેન્સશીટ નેગેટીવ ઝોનમાં આવવા લાગી છે. પાછલા છ મહિનામાં શેર બજારમાં પ્રવેશેલા અને ઊંચા ભાવે ઓવર વેલ્યુએશને શેરોની ખરીદી કરનારાના ચોપડે તો મોટી ખોટ આવવા લાગી છે. કંપનીઓના ફંડામેન્ટલને નેવી મૂકીને શેરોના ભાવોને બેફામ ઉછાળવાના અતિની ગતિના પરિબળે અનેક રોકાણકારોને ઘાયલ કર્યા છે. 

શેરોમાં કડાકા બાદ કોન્સોલિડેશન થતું જોવાય : ટ્રમ્પની નીતિની અનિશ્ચિતતા હજુ બજારોમાં ઉથલપાથલ મચાવે

કંપનીઓના ડિસેમ્બર ૨૦૨૪ના અંતના ત્રિમાસિક પરિણામો પણ અત્યાર સુધી જે કંપનીઓના જાહેર થયા છે, એ પૈકી મહત્તમ સાધારણથી નબળા જાહેર થઈ રહ્યા હોઈ શેરોમાં વેચવાલીનું દબાણ વધી રહ્યું છે. આ સાથે હજુ વૈશ્વિક મોરચે ટ્રમ્પ સરકારના કેવા અને કેટલા નિર્ણયો ઉથલપાથલ મચાવશે એની અનિશ્ચિતતાને લઈ ફંડો પણ નવા કમિટમેન્ટથી દૂર રહેતા જોવાયા છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ટ્રમ્પના એનજીૅ ઈમર્જન્સી જાહેર કરવાને લઈ પાછલા દિવસોમાં વધ્યા બાદ ૅજ પ્રકારે ટ્રમ્પ તેના ટેરિફ મામલે આક્રમક વલણમાં પીછેહઠ બતાવી રહ્યા છે, એ જોતા રિન્યુએબલ એનજીૅ મામલે પણ તેમની નીતિમાં રોલબેકની સંભાવનાને લઈ ક્રુડના ભાવ વધતાં અટક્યા છે. જ્યારે ઘર આંગણે હવે ૧લી ફેબુ્રઆરી ૨૦૨૫ના આગામી શનિવારે રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં કેવી જોગવાઈઓ આવશે એની પણ અટકળોને લઈ આગામી સપ્તાહમાં ખેલંદાઓ, ફંડો સાવચેત બની જવાની શકયતા જોવાઇ રહી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામન આવક વેરામાં રાહત આપીને અને લોકની ખર્ચપાત્ર આવકમાં વધારો કરવાની પ્રોત્સાહક જોગવાઈ લાવી શકે છે. આ સાથે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર માટે વધુ જોગવાઈ લાવીને આ ક્ષેત્રની વૃદ્વિને વેગ આપી શકે છે. શેરોમાં કડાકા બાદ હવે કોન્સોલિડેશન થતું જોવાઈ શકે છે. કેન્દ્રિય બજેટના રજૂ થવાનો દિવસ આ વખતે શનિવાર હોવાથી શેર બજારો નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)એ શેર બજારોમાં પૂર્ણ સત્ર સવારે ૯:૧૫થી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી ટ્રેડીંગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૨૭૭૭થી ૨૩૩૩૩ વચ્ચે અને સેન્સેક્સ ૭૫૦૦૦થી ૭૭૦૦૦ની મોટી રેન્જમાં ફંગોળાતા જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : DAVANGERE SUGAR COMPANY LTD.

બીએસઈ(૫૪૩૨૬૭) અને એનએસઈ (DAVANGERE) લિસ્ટેડ, રૂ.૧ પેઈડ-અપ, શમનુર પરિવારના ૬૩ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, દવાંગેરે સુગર કંપની લિમિટેડ(DAVANGERE SUGAR COMPANY LTD.), સુગર, ઈથેનોલ અને કો-જનરેશન ઉદ્યોગમાં અગ્રણી અને ઉચ્ચ ગુણવતાના ઈથેનોલ ઉત્પાદનોના મેન્યુફેકચરીંગ માટે જાણીતી છે. કંપની ભારતના કુલ સુગર ઉત્પાદનમાં નોંધપાત્ર હિસ્સો આપતા કર્ણાટક રાજ્યમાં દવાનગેરે શહેરથી ૧૮ કિલોમીટરના અંતરે આવેલા કુકુવાડા ગામમાં ૧૬૫ એકર વિસ્તારમાં તેની ફેકટરી ધરાવે છે.

શેરડીના વાવેતર માટે ૪૮૦૦ હેક્ટર વિસ્તાર ધરાવતી, દાવંગેરે સુગર કંપની લિમિટેડ ખેડૂતો સાથે કાયમી ભાગીદારીમાં ખેતી કરે છે અને આ માટે માર્ચ ૨૦૨૪ મુજબ ૪૯૯૦ વ્યક્તિઓનું મજબૂત નેટવર્ક ધરાવે છે. કંપની તેના બિઝનેસનું ફોક્સ કોમોડિટી ઉત્પાદકથી શિફ્ટ કરીને એનજીૅ ઉત્પાદક તરફ કર્યું છે. જે માટે કંપનીએ મોલાસીસ/સુગર સિરપ અને અનાજ આધારિત દૈનિક ૬૫ કિલો લીટર(કેએલપીડી)ની સ્થાપીત ક્ષમતાનું ઈથેનોલ એકમ સ્થાપ્યું છે અને કમર્શિયલ ધોરણે ઉત્પાદન શરૂ કર્યું છે. કંપનીનો અનાજ આધારિત ૪૫ કેએલપીડી વિસ્તરણનો ઈથેનોલ પ્લાન્ટ માર્ચ ૨૦૨૫થી શરૂ થનાર છે. આ સાથે કંપનીની ઈથેનોલ ઉત્પાદનની ક્ષમતા વધીને કુલ ૧૧૦ કેએલપીડી થશે.

અનાજ આધારિત ઈથેનોલ અને સુગર ઈથેનોલ વર્ષ ૨૦૨૫-૨૬માં વધુ રહેવાનો અંદાજ છે, કેમ કે સરકારે ચોખાના ખર્ચમાં ઘટાડો કર્યો હોવા સાથે વર્ષ ૨૦૨૫-૨૬માં સુગરની જંગી ઉપલબ્ધિનો અંદાજ મૂકાઈ રહ્યો છે.

શેર હોલ્ડિંગ પેટર્ન :

દાવંગેરે સુગર કંપની ૯.૪૬ ટકા અને શામાનુર પરિવાર હસ્તકના ૪૫.૫૫ ટકા  મળીને પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૩ ટકા, બાવાગુથુ રઘુરામ શેટ્ટી હસ્તક ૨.૧૩ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડીધારકો પાસે ૨૭.૧૪ ટકા છે.

શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૧ના  રૂ.૦.૪૫, માર્ચ ૨૦૨૨ના રૂ.૧.૦૨, માર્ચ ૨૦૨૩ના  રૂ.૧.૪૮, માર્ચ ૨૦૨૪ના રૂ.૧.૩૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના ૧.૪૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧.૮૬

નાણાકીય પરિણામ :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪ :

ચોખ્ખી આવક રૂ.૨૭૯.૯૪થી ઘટીને રૂ.૨૧૬.૫૩ કરોડ મેળવીને એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૫.૬૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૩.૨૨ કરોડની તુલનાએ ઘટીને રૂ.૧૨.૨૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧.૩૦ હાંસલ કરી છે.

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૪૫ કરોડ મેળવી એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૫.૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૩.૭૦કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧.૪૫ અપેક્ષિત છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૦૫ મેળવી એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૫.૭૪ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૭.૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧.૮૬ અપેક્ષિત છે.

કંપનીનું પ્રમુખ ઉત્પાદન સુગર હોવાથી અને એના સીઝનલ પાંચથી છ મહિના ઉત્પાદનના હોવાથી અહીં પરિણામની ત્રિમાસિક સમીક્ષા આપવામાં આવી નથી.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) ૬૩ ટકા શમનુર પરિવાર પ્રમોટેડ (૩) કંપનીનો અનાજ આધારિત ૪૫ કેએલપીડી વિસ્તરણનો ઈથેનોલ પ્લાન્ટ માર્ચ ૨૦૨૫થી શરૂ થનાર,  આ સાથે કંપનીની ઈથેનોલ ઉત્પાદનની ક્ષમતા વધીને કુલ ૧૧૦ કેએલપીડી  થનાર (૪) દાવંગેરે સુગર કંપની લિમિટેડ અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૪-૨૫ની અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧.૪૫ સામે એનએસઈ, બીએસઈ પર રૂ.૧ પેઈડ-અપ શેર રૂ.૬ ના  ભાવે ૪.૧૪ના પી/ઈએ અને અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬ની અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧.૮૬ સામે ૩.૨૨ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

Sensex

Google NewsGoogle News