નિફ્ટી સળંગ પાંચ સેશનમાં 400 પોઈન્ટ ઉછળ્યો, સ્મોલકેપ-મીડકેપ, હેલ્થકેર સહિત 8 ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે
Stock Market Today: સ્થાનીય અને વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળો વચ્ચે આજે ભારતીય શેરબજાર ફ્લેટ શરૂઆત બાદ સુધર્યા હતા. નિફ્ટીએ સળંગ પાંચ સેશનમાં પોઝિટીવ બંધ આપી 22600 તરફ આગેકૂચ કરી છે. સળંગ પાંચ સેશનમાં સુધારા તરફી વલણ સાથે નિફ્ટી કુલ 397.24 પોઈન્ટ વધ્યો છે. આજે ઈન્ટ્રા ડે 22629.50ની ટોચ સામે 429 પોઈન્ટ વધ્યો છે.
આજે સેન્સેક્સ 267.75 પોઈન્ટ ઉછળી 74221.06 અને નિફ્ટી 68.75 પોઈન્ટ સુધરી 22597.80 પર બંધ રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ આજે ફરી નવી રેકોર્ડ 415.94 લાખ કરોડની ટોચે પહોંચ્યું હતું. રોકાણકારોની મૂડી રૂ. 1.41 લાખ કરોડ વધી હતી.
સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં તેજી
નિફ્ટી અને સેન્સેક્સ પેક કરતાં સ્મોલકેપ અને મીડકેપ શેરો આકર્ષક પર્ફોર્મન્સ સાથે મબલક રિર્ટન આપી રહ્યા છે. આજે ફરી સ્મોલકેપ અને મીડકેપએ નવી ઐતિહાસિક ટોચ નોંધાવી હતી. આ સિવાય કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, પાવર, સર્વિસિઝ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા. રિયાલ્ટી સેગમેન્ટમાં પણ તેજીના કારણે રિયાલ્ટી ઈન્ડેક્સ નવી વર્ષની ટોચે પહોંચ્યો હતો. બીજી બાજુ મેટલ, ઓઈલએન્ડગેસ, પીએસયુ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.
- બીએસઈ ખાતે 3948માંથી 1902 શેરો સુધર્યા અને 1932માં ઘટાડો
- 252 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 30 સ્ક્રિપ્સ વર્ષના તળિયે
- સેન્સેક્સ પેકના 21 શેરોમાં 2.45 ટકા સુધી સુધારો અને 9 શેરોમાં 1.40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો
- માર્કેટ કેપ 415.94 લાખ કરોડ સાથે ઓલટાઈમ હાઈ
નિષ્ણાતોના મતે, નિફ્ટીમાં 22500ના સપોર્ટ સાથે બુલિશ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજના લેવલને ધ્યાનમાં લેતાં 22600ના તાત્કાલિક સપોર્ટ સાથે ટૂંકાગાળામાં 22800નું લેવલ ક્રોસ કરે તેવી સંભાવના દર્શાવાઈ છે.