Get The App

શ્રાવણના પહેલા દિવસે શિવ નહીં શેર તાંડવ, 15 લાખ કરોડ ભસ્મ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
શ્રાવણના પહેલા દિવસે શિવ નહીં શેર તાંડવ, 15 લાખ કરોડ ભસ્મ 1 - image


- સેન્સેક્સ 2222 પોઇન્ટના કડાકા સાથે 78759 જ્યારે નિફ્ટી 662 પોઇન્ટ તૂટીને 24055ની નીચી સપાટીએ

- ઇઝરાયેલ- ઇરાન યુદ્ધની તૈયારી, અમેરિકામાં મંદીના એંધાણની અસર : ભારતીય શેરબજારમાં 4 જૂન પછીનું સૌથી મોટું ગાબડું

અમદાવાદ : ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધની તૈયારીની સ્થિતિ, અમેરિકામાં વ્યાજદર એક માસ પાછો ઠેલાયા બાદ મંદીના એંધાણ ઉદ્ભવવા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે વિશ્વભરના શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો. આ અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારમાં પણ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે સેન્સેક્સમાં ૨૨૨૨ અને નિફ્ટીમાં ૬૬૨ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. સેન્સેક્સના કડાકા પાછળ રોકાણકારોની સંપત્તિમાં પણ આજે રૂ. ૧૫ લાખ કરોડનું જંગી ધોવાણ થવા પામ્યું હતું. 

અમેરિકામાં વ્યાજદર પાછો ઠેલાયા બાદ બેરોજગારીના આંકડા વધીને આવતા ત્યાં મંદીની શક્યતા પ્રબળ બનવાના અહેવાલોની બજારના માનસ પર પ્રતિકૂળ અસર થઈ હતી. આ ઉપરાંત ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધની તૈયારીઓ તેમજ બાંગ્લાદેશમાં તખ્તા પલ્ટાના અહેવાલો પાછળ વૈશ્વિક સ્તરે બજારોની મંદીને વેગ સાંપડયો હતો. આ અહેવાલો પાછળ એશિયાઈ શેરબજારો તેમજ યુરોપના શેરબજારોમાં કડાકા બોલી ગયા હતા. સ્થાનિક સમય પ્રમાણે મોડી સાંજે ખુલેલા અમેરિકી શેરબજારોમાં પણ કડાકો બોલી ગયો હતો. આ અહેવાલો પાછળ આજે મુંબઈ શેરબજારમાં કામકાજનો પ્રારંભ નબળા ટોન સાથે થયા બાદ ચોમેરથી આવેલા વેચવાલીના ભારે દબાણે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૨૬૮૬ પોઇન્ટ તૂટયા બાદ કામકાજના અંતે ૨૨૨૨.૫૫ તૂટીને ૭૮૭૫૯.૪૦ની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. બીજી તરફ એનએસઇનો નિફ્ટી પણ આજે ઇન્ટ્રા-ડે ૮૨૪ પોઇન્ટ તૂટયા બાદ કામકાજના અંતે ૬૬૨.૧૦ તૂટીને ૨૪૦૫૫.૬૦ની સપાટીએ બંધ રહ્યો હતો.

વેચવાલીના ભારે દબાણે આજે હેવીવેઇટ શેરોની સાથોસાથ સ્મોલકેપ તેમજ મિડકેપ શેરોમાં પણ મોટા પાયે ધોવાણ થતા આ બંને ક્ષેત્રના ઇન્ડેક્સમાં અનુક્રમે ૨૨૯૮ અને ૧૭૧૮ પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. આજે ટ્રેડિંગ થયેલ ૪૧૮૯ શેરોમાંથી ૩૪૧૪ શેરો નેગેટિવ ઝોનમાં બંધ રહ્યા હતા.

સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૫.૨૨ લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ. ૪૪૧.૮૪ લાખ કરોડ રહ્યું હતું.

બજાર ખૂલતાં જ અમેરિકાની ટોચની 7 કંપનીઓમાં 1 લાખ કરોડ ડોલર સાફ

ન્યુયોર્ક : વૈશ્વિક શેરબજારો સાથે સોમવારે અમેરિકન શેરબજારમાં પણ વેચવાલીના કારણે ગાબડા પડયા હતા. બજાર ખૂલતાં જ અમેરિકાની સૌથી મૂલ્યવાન એવી ૭ કંપનીઓના મૂલ્યમાં એક લાખ કરોડ ડોલરથી (રૂ. ૮૩.૮૦ લાખ કરોડ)નું ધોવાણ થવા પામ્યું હતું.

કંપની

ડોલરનું ધોવાણ

એનવિડિયા

૩૦૦ અબજ

એપલ

૨૨૪ અબજ

એમેઝોન

૧૦૯ અબજ

ગુગલ

૨૦૦ અબજ

માઇક્રોસોફ્ટ

૧૨૫ અબજ

મેટા

૮૦ અબજ

ટેસ્લા

૬૦ અબજ


વૈશ્વિક શેરબજારોમાં ગાબડા

દેશ

ગાબડું (પોઇન્ટમાં)

ડાઉજોન્સ

૭૮૨

નાસ્ડેક

૪૬૨

જાપાન

૪૪૫૧

તાઇવાન

૧૮૦૭

જર્મની

૩૪૩

ઇન્ડોનેશિયા

૨૪૮

કોરિયા

૨૩૪

હોંગકોંગ

૨૪૭


અમેરિકામાં મંદીના એંધાણના અહેવાલે  અને વિશ્વભરના શેર બજારો  ધરાશાયી

અમદાવાદ : યુએસ ફેડની વેઈટ એન્ડ વોચની નીતિના અંતે અમેરિકામાં વ્યાજદરમાં કાપની અપેક્ષા સેવાઈ રહી હતી તેવામાં બેરોજગારીનો દર ૩ વર્ષની ટોચે પહોંચતા અને તે પૂર્વે જાપાનની સેન્ટ્રલ બેંકે વ્યાજદર વધારતા સમગ્ર વિશ્વ બજારમાં કોહરામ મચ્યો છે. જાપાનના બજારમાં શુક્રવારના કડાકા બાદ આજે સોમવારે ફરી નિક્કેઈમાં ૧૨.૪૦ ટકાનો કડાકો ૧૯૮૭ બાદનો સૌથી મોટો ઘટાડો છે.

નિક્કેઈ જ નહિ એશિયા અને અમેરિકાના બજારોમાં પણ શ્રાવણના પ્રથમ સોમવારે મંદીનું મોજું પ્રસરી ગયું હતુ. મોડી સોજે સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે કામકાજના પ્રારંભિક તબક્કામાં અમેરિકાનો ડાઉજોન્સ ઇન્ડેક્સ ૭૮૨ પોઇન્ટ તૂટીને ૩૮૯૫૪ની સપાટીએ તેમજ નાસ્ડેક ૪૬૨ પોઇન્ટ તૂટીને ૧૬૩૧૪ની સપાટીએ કાર્યરત હતો. અમેરિકાના સ્મોલકેપ ૨૦૦૦માં ૬ ટકા સુધીનો કડાકો હતો. વોલાટીલિટી ઈન્ડેકસ પણ ૧૦૦ ટકા ઉંચકાયો હતો.

આ સિવાય યુરોપના બજારો પણ અઢી ટકા આસપાસ તૂટયાં હતા. જ્યારે એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ ૪૪૫૧ પોઇન્ટ ,  કોરિયાનો કોસ્પી ૨૩૪.૬૪ પોઇન્ટ તૂટયો હતો. જ્યારે તાઇવાનનો ઇન્ડેક્સ ૧૮૦૭ પોઇન્ટ તૂટયો હતો.


Google NewsGoogle News