સેન્સેક્સે 82000, નિફ્ટીએ 25000ની સપાટી કુદાવી દીધી

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
સેન્સેક્સે 82000, નિફ્ટીએ 25000ની સપાટી કુદાવી દીધી 1 - image


- રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 76 હજાર કરોડનો ઘટાડો

- કામકાજના અંતે સેન્સેક્સ 126 પોઈન્ટ વધીને 81867, જ્યારે નિફ્ટી 60 પોઈન્ટ વધીને 25011

અમદાવાદ : ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીના વલણથી તદ્દન વિપરીત એમ ભારતીય શેરબજારમાં આજે તેજીનો નવો ઇતિહાસ રચાયો હતો. ચોમાસાની પ્રગતિ તેમજ કોર્પોરેટ પરિણામોની જાહેરાતો વચ્ચે આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નિકળેલી નવી લેવાલી પાછળ આજે સેન્સેક્સે ૮૨૦૦૦ની અને નિફ્ટીએ ૨૫૦૦૦ની સપાટી કુદાવી દીધી હતી. જોકે, આજે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા ૭૬૦૦૦ કરોડનો ઘટાડો નોંધાયો હતો. 

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે આજે વૈશ્વિક શેરબજારોમાં સાવચેતીનો સુર જોવા મળ્યો હતો. જોકે, ઘરઆંગણે ચોમાસાની દેશભરમાં સાનુકુળ પ્રગતિના અહેવાલો તેમજ કોર્પોરેટ ક્ષેત્રના આકર્ષક પરિણામો પાછળ શેરબજારમાં તેજીનો માહોલ ઉદ્દભવ્યો હતો.

આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ સ્થાનિક ફંડો તેમજ ખેલાડીઓ દ્વારા હાથ ધરાયેલ નવી ઝડપી લેવાલી પાછળ આજે બીએસઈ સેન્સેક્સ ૮૨૦૦૦ની સપાટી કુદાવીને ઈન્ટ્રા-ડે ૮૨૧૨૯.૪૯ની લાઈફ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગયો હતો. જોકે, પાછળથી પસંદગીના શેરોમાં નફા રૂપી વેચવાલીનું દબાણ આવતા ઉચા મથાળેથી ઝડપી પીછે થઈ હતી અને કામકાજના અંતે સેન્સેક્સ ૧૨૬.૨૧ પોઈન્ટ વધીને ૮૧૮૬૭.૫૫ની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.

એનએસઈ ખાતે પણ નિકળેલી નવી લેવાલી પાછળ નિફ્ટી ૨૫૦૦૦ની સપાટી કુદાવીને ઈન્ટ્રા-ડે વધીને ૨૫૦૭૮.૩૦ની લાઈફ ટાઈમ હાઈ સપાટીને સ્પશ્યા બાદ કામકાજના અંતે ૫૯.૭૫ પોઈન્ટ વધીને ૨૫૦૧૦.૯૦ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં ઉછાળો નોંધાયો હોવા છતાં આજે રોકાણકારોની સંપત્તિ (બીએસઈ માર્કેટ કેપ.) રૂપિયા ૭૬૦૦૦ કરોડ ઘટીને રૂપિયા ૪૬૧.૬૨ લાખ કરોડ રહ્યું હતું. આજે વિદેશીરોકાણકારોએ રૂપિયા ૨૦૮૯ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી. જ્યારે સામે સ્થાનિક સંસ્થાઓએ રૂપિયા ૩૩૭ કરોડની વેચવાલી હાથ ધરી હતી.

સેન્સેક્સની સફર

લેવલ

હાંસલ થયા તારીખ

૭૦૦૦૦

૧૧/૧૨/૨૩

૭૫૦૦૦

૯/૪/૨૪

૭૬૦૦૦

૨૭/૫/૨૪

૭૭૦૦૦

૧૦/૬/૨૪

૭૮૦૦૦

૨૫/૬/૨૪

૭૯૦૦૦

૨૭/૬/૨૪

૮૦૦૦૦

૩/૭/૨૪

૮૧૦૦૦

૧૮/૭/૨૪

૮૨૦૦૦

૧/૮/૨૪


નિફ્ટીની સફર

લેવલ

હાંસલ થયા તારીખ

૧૫૦૦૦

૮/૨/૨૧

૨૦૦૦૦

૧૧/૭/૨૩

૨૧૦૦૦

૮/૧૨/૨૩

૨૨૦૦૦

૨૦/૨/૨૪

૨૩૦૦૦

૧૦/૬/૨૪

૨૪૦૦૦

૨૭/૬/૨૪

૨૫૦૦૦

૧/૮/૨૪


Google NewsGoogle News