સેન્સેક્સ 2200 પોઈન્ટની ઉથલપાથલના અંતે સ્થિર : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની વેચવાલી
- સેન્સેક્સ ૪૮૫ પોઈન્ટના કડાકા બાદ ૬૧૫ પોઈન્ટનો ઉછાળો પણ અંતે ધોવાયો : નિફટીમાં ૭૦૦ પોઈન્ટની વોલેટાલિટી
- લોકલ ફંડોની શેરોમાં રૂ.૨૦૨૬ કરોડની ખરીદી : FIIની રૂ.૨૩૦૭ કરોડની વેચવાલી
મુંબઈ : વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં આજે ભારે વોલેટીલિટી જોવાઈ હતી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા બાદ આ વખતે ટેરિફ વોર છેડશે કે નહીં એની અનિશ્ચિતતામાં અમુક વર્ગ ટ્રમ્પ પહેલા કરતાં વૈશ્વિક વેપારમાં પોઝિટીવ બનશે એવા અનુમાન મૂકવા લાગતાં અમેરિકા, યુરોપના બજારોમાં રિકવરી જોવાઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત ધૂમ વેચવાલી અને ખાસ વધ્યામથાળે સતત ઓફલોડિંગ કરતાં હોઈ ઉછાળા ટકી શક્યા નહોતા. લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની ખરીદી મર્યાદિત થઈ રહી હોઈ ઘટાડાને અટકાવી શકવા અસમર્થ રહ્યા છે. ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી ભાવો તોડીને શેરો વેચવાલ લાગતાં સતત મોટા ગાબડાં પડતાં જોવાયા હતા. સેન્સેક્સમાં આજે ૨૨૦૦ પોઈન્ટથી વધુ અને નિફટીમાં ૭૨૫ પોઈન્ટથી વધી વોલેટીલિટી જોવાઈ હતી.
સેન્સેક્સ ૪૮૫ પોઈન્ટના કડાકા બાદ ૬૧૫ પોઈન્ટનો ઉછાળો પણ ધોવાયો : નિફટી ૭૦૦ પોઈન્ટનું તોફાન
ભારતમાં કોર્પોરેટ પરિણામો એશીયન પેઈન્ટસ સહિતનાનબળા આવતાં અને ઓવરવેલ્યુએશનના નેગેટીવ પરિબળે ફંડોએ ફ્રટન્ટલાઈન શેરોમાં ઓફલોડિંગ કરતાં સેન્સેક્સ આરંભમાં ૪૮૪.૯૮ પોઈન્ટ તૂટીને ૭૯૦૦૧.૩૪ સુધી ખાબકી ગયો હતો. જે ઘટયામથાળેથી આઈટી શેરોમાં આકર્ષણે અને પાવર શેરોમાં પસંદગીની ખરીદીએ રિકવર થઈ એક સમયે ૬૧૫.૮૨ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૮૦૧૦૨.૧૪ સુધી પહોંચ્યો હતો. પરંતુ આ ઉછાળો ટકી નહીં શકી મેટલ-માઈનીંગ, ઓટો, બજાજ ફિન ટ્વિન્સ શેરો સાથે રિલાયન્સ સહિતમાં ઓફલોડિંગ થતાં ઉછાળો ધોવાઈ જઈ અંતે ૯.૮૩ પોઈન્ટ વધીને ૭૯૪૯૬.૧૫ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ પણ આરંભમાં ૧૪૩.૬૦ પોઈન્ટ ગબડીને નીચામાં ૨૪૦૦૪.૬૦ સુધી આવ્યા બાદ ઘટયામથાળેથી રિકવર થઈ એક સમયે ૧૮૮.૬૦ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૨૪૩૩૬.૮૦ સુધી પહોંચ્યા બાદ ઉછાળો ધોવાઈ જઈ અંતે ૬.૯૦ પોઈન્ટ ઘટીને ૨૪૧૪૧.૩૦ બંધ રહ્યો હતો.
એલએમઈમાં કડાકા પાછળ મેટલ શેરોમાં ધોવાણ : નાલ્કો, જિન્દાલ સ્ટીલ, સેઈલ, ટાટા સ્ટીલમાં વેચવાલી
લંડન મેટલ એક્સચેન્જમાં કોપર, એલ્યુમીનિયમ અને ઝિંક, ટીન સહિતના ભાવો તૂટતાં આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. લંડન મેટલ એક્સચેન્જમાં ત્રણ મહિનાના કોન્ટ્રેકટસમાં કોપર ૨૨૦ ડોલર, એલ્યુમીનિયમ ૭૪ ડોલર અને ઝિંકના ભાવ ૭૨ ડોલર કડાકો બોલાઈ ગયો હતો. નાલ્કો રૂ.૬.૦૫ ઘટીને રૂ.૨૩૨.૬૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૦.૫૫ ઘટીને રૂ.૯૦૭.૭૫, સેઈલ રૂ.૨.૪૫ ઘટીને રૂ.૧૧૫.૯૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૮.૧૫ ઘટીને રૂ.૯૭૮.૭૦, ટાટા સ્ટીલ રૂ.૨.૭૦ ઘટીને રૂ.૨૩૨.૯૫, એનએમડીસી રૂ.૨.૭૦ ઘટીને રૂ.૨૩૨.૯૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૯૯.૪૩ પોઈન્ટ ઘટીને ૩૦૬૮૩.૭૭ બંધ રહ્યો હતો.
ફાર્મા ઈન્ડેક્સ ૫૮૬ તૂટયો : એડવાન્સ એન્ઝાઈમ રૂ.૬૫, આરપીજી રૂ.૧૪૪, પિરામલ રૂ.૧૨ તૂટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે મોટી વેચવાલી થઈ હતી. એડવાન્સ એન્ઝાઈમ રૂ.૬૫.૫૦ તૂટીને રૂ.૪૨૦.૦૫, આરપીજી લાઈફ રૂ.૧૪૪.૨૦ તૂટીને રૂ.૨૩૪૨.૩૦, ગુફિક બાયો રૂ.૨૮.૧૫ તૂટીને રૂ.૪૫૮.૮૫, વિન્ડલાસ બાયોટેક રૂ.૨૮.૧૫ તૂટીને રૂ.૪૫૮.૮૫, સિક્વેન્ટ સાયન્ટિફિક રૂ.૧૦.૭૫ ઘટીને રૂ.૨૦૪.૩૦, વિજ્યા ડાયગ્નોસ્ટિક રૂ.૫૩.૪૦ ઘટીને રૂ.૧૦૬૬, મેક્સ હેલ્થકેર રૂ.૪૯.૩૫ ઘટીને રૂ.૧૦૨૯.૦૫, પિરામલ ફાર્મા રૂ.૧૨.૧૫ ઘટીને રૂ.૨૬૯.૬૫ રહ્યા હતા. જ્યારા બાયોકોન રૂ.૨૭.૬૦ ઉછળી રૂ.૩૪૮.૮૫, વિમલા લેબ્સ રૂ.૪૨.૧૫ વધીને રૂ.૭૩૪.૯૦, મેટ્રોપોલિસ રૂ.૩૩.૯૫ વધીને રૂ.૨૧૪૯.૧૫ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં ફંડોની મજબૂતી : બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. બેંક ઓફ બરોડા રૂ.૨.૦૫ વધીને રૂ.૨૫૮.૩૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૮૦ વધીને રૂ.૧૨૬૯.૧૫, એચડીએફસી બેંક રૂ.૧૨.૦૫ વધીને રૂ.૧૭૬૬.૬૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૬.૭૫ વધીને રૂ.૧૦૬૧.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૫૫ વધીને રૂ.૮૪૭.૮૦, ફેડરલ બેંક રૂ.૧ વધીને રૂ.૨૦૭.૭૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૨૬.૨૪ પોઈનટ વધીને ૫૯૧૮૪.૧૦ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં તેજી : ૬૩ મૂન્સ રૂ.૨૮ ઉછળી રૂ.૫૮૮ : બ્લેક બોક્સ, ઝેગલ, ઓરેકલ, ઈમુદ્રામાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોની સિલેક્ટિવ તેજી રહી હતી. ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૨૮ ઉછળી રૂ.૫૮૮.૩૦, બ્લેક બોક્સ રૂ.૨૬.૯૫ વધીને રૂ.૫૬૬.૪૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૮૩.૯૫ વધીને રૂ.૧૧,૮૯૪.૭૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૭.૮૦ વધીને રૂ.૭૪૬.૯૫, ઈમુદ્રા રૂ.૧૭.૫૫ વધીને રૂ.૮૮૬.૪૦, રેટગેઈન ટ્રાવેલ રૂ.૧૪.૪૦ વધીને રૂ.૮૩૪.૯૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૯.૪૫ વધીને રૂ.૧૮૬૭, ઈન્ફોસીસ રૂ.૨૮.૯૫ વધીને રૂ.૧૮૬૦, કોફોર્જ રૂ.૧૦૯.૫૫ વધીને રૂ.૮૦૬૩.૪૦ રહ્યા હતો.
ફરી રેલો આવ્યો : મળ્યા ભાવે સેલિંગે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક કડાકો : ૨૬૩૭ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટીમાં મર્યાદિત ઘટાડો બતાવી ફરી ફંડો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મળ્યા ભાવો ભાવો તોડીને વેચવાની હોડ લગાવતાં અનેક શેરોમાં ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ વધુ નબળી પડી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૭૫થી વધીને ૨૬૩૭ અને વધનારની સંખ્યા ૧૪૮૮ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૨૩૦૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૦૨૭ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૨૩૦૬.૮૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૪૩૦.૮૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૭૩૭.૭૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૦૨૬.૬૩કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૯૮૪૮.૮૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૮૨૨.૨૪ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૮૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૨.૫૪ લાખ કરોડ
સેન્સેકસ, નિફટીમાં ભારે વોલેટીલિટી બોલાયા બાદ સ્થિરતા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધૂમ વેચવાલી સાથે ફંડો, ઓપરેટરો ભાવો તોડીને વેચવા લાગ્યાના સંકેત વચ્ચે ઘણા શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે એક દિવસમાં રૂ.૧.૮૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૨.૫૪ લાખ કરોડ રહ્યું હતું.