ભારતીય શેરબજારમાં અવિરત તેજી, સેન્સેક્સ છેલ્લા એક માસમાં 4.60 ટકા ઉછળ્યો, જાણો કારણો
Stock Market Closing bell: ભારતીય શેરબજારમાં અવિરત તેજીનો દોર સતત જળવાઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી રોજ નવી રેકોર્ડ ટોચ બનાવી આગેકૂચ કરી રહ્યા છે. છેલ્લા એક માસમાં સેન્સેક્સે 4.60 ટકા ઉછળી 80000નું ઐતિહાસિક લેવલ ક્રોસ કર્યું છે. નિફ્ટી પણ 25000 તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.
ગત 3 મેના રોજ સેન્સેક્સ 76468 પોઈન્ટ હતો, આજે તે 3518 પોઈન્ટ વધી 79986.80ના સ્તરે બંધ રહ્યો છે. જે ગઈકાલના બંધ સામે 545.35 પોઈન્ટ ઉછાળો દર્શાવે છે. નિફ્ટી પણ 24309.15ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ અંતે 162.65 પોઈન્ટ ઉછળી 24286.50 પર બંધ રહ્યો હતો. આજે રોકાણકારોની મૂડીમાં 3.3 લાખ કરોડની વૃદ્ધિ સાથે બીએસઈ માર્કેટ કેપ 445.49 લાખ કરોડ થઈ હતી.
શેરબજારના બુલિશ ટ્રેન્ડ માટે જવાબદાર પરિબળો
બેન્કિંગ-ફાઈ. શેર્સમાં તેજીનું સમર્થન
ભારતીય બેન્કોની ગ્રોસ એનપીએ 12 વર્ષના તળિયે પહોંચી છે, બેલેન્સશીટમાં પણ સુધારો થવાથી બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેગમેન્ટના શેર્સમાં બમ્પર તેજી જોવા મળી છે. આ ટ્રેન્ડ આગામી થોડા સમય સુધી જળવાઈ રહેવાનો સંકેત માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
વૈશ્વિક મોરચે ફુગાવામાં ઘટાડો, વ્યાજદરમાં ઘટાડાની અસર
વૈશ્વિક સ્તરે વિશ્વની મહાસત્તા ધરાવતા અમેરિકી ફેડ રિઝર્વે ફુગાવાનો દર કેલેન્ડર વર્ષ 2025ના અંત સુધી 2 ટકાના સ્તરે સ્થિર થવાનો સંકેત આપ્યો છે. જેની સકારાત્મક અસરો જોવા મળી છે. તેમજ આ સ્પ્ટેમ્બરથી ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો શરૂ થવાનો આશાવાદ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
બજેટ અંગે સકારાત્મક અભિગમ
આ મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થનારા બજેટ 2024-25માં નવી સરકાર તમામ ક્ષેત્રો માટે સકારાત્મક જાહેરાતો કરશે તેવી શક્યતા છે. જેમાં મધ્યમવર્ગને ફોકસમાં રાખી ટેક્સમાં સુધારા, ઈન્ફ્રા ક્ષેત્રે તેની યોજનાઓને વેગ ઉપરાંત પીએલઆઈ સ્કીમનું વિસ્તરણ જેવી બાબતો સમાવિષ્ટ છે.
આર્થિક સ્થિતિ મજબૂત
દેશની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. જૂનમાં મજબૂત જીએસટી કલેક્શન, મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઈન્ડેક્સ જૂનમાં 58.3 રહેતાં તેમજ જૂન ત્રિમાસિકમાં કોર્પોરેટ્સ દ્વારા આકર્ષક પરિણામો જારી થવાની શક્યતા સહિત તમામ આર્થિક પરિબળો પોઝિટીવ છે. આરબીઆઈએ જૂન ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 7.3 ટકાના દરે મજબૂત નોંધાવાનો સંકેત આપ્યો છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.