ટેરિફ વૉરની ભીતિ દૂર થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1400થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23700 ક્રોસ
Stock Market Boom: અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની યોજના હાલપૂરતી સ્થગિત કરતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો નોંધાયો છે. બેન્કિંગ, પીએસયુ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટના શેરોમાં તેજીના પગલે સેન્સેક્સ ઈન્ટ્રા ડે 1471.85 પોઈન્ટ ઉછળ્યો હતો. જે અંતે 1397.07 પોઈન્ટ ઉછાળા સાથે 78583.81 પર બંધ રહ્યો હતો.
નિફ્ટી50 23700 ક્રોસ
નિફ્ટી આજે મજબૂત તેજી સાથે 23700નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. જે 378.20 પોઈન્ટ ઉછળી 23738.25 પર બંધ રહ્યો હતો. એનએસઈ ખાતે 126 શેરમાં અપર સર્કિટ વાગી હતી. એફએમસીજી સિવાય તમામ સેગમેન્ટમાં સુધારો નોંધાયો હતો. ટ્રેન્ટ, આઈટીસી હોટલ, બ્રિટાનિયા, નેસ્લેના શેરોમાં ગાબડું નોંધાયું હતું.
રોકાણકારોની મૂડી 5.62 લાખ કરોડ વધી
શેરબજારમાં એકંદરે પોઝિટિવ ટ્રેન્ડ સાથે રોકાણકારોની મૂડી 5.62 લાખ કરોડ વધી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4073 શેર પૈકી 2516 સુધારા તરફી અને 1406 ઘટાડા તરફી બંધ રહ્યા હતા. 240 શેરમાં અપર સર્કિટ અને 66 શેર 52 વીક હાઈ થયા હતા. જ્યારે 243 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. આ સાથે એકંદરે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી.
આ પણ વાંચોઃ સોનાના ભાવ આજે ફરી ઓલટાઈમ હાઈ, 35 દિવસમાં રૂ. 7000 મોંઘુ થયું, જાણો આજની લેટેસ્ટ કિંમત
તમામ બેન્કિંગ શેરો ગ્રીન ઝોનમાં
આજે બેન્કિંગ સેક્ટરના મોટાભાગના શેરો ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. ઈન્ડસઈન્ડ, બેન્ક ઓફ બરોડા, એચડીએફસી બેન્ક, કેનેરા બેન્ક, કોટક બેન્ક, એસબીઆઈ, એક્સિસ બેન્ક, ફેડરલ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, યસ બેન્કના શેર 0.25 ટકાથી 3.50 ટકા સુધી સુધર્યા હતા.સરકારી કંપનીઓના શેરોમાં પણ તેજી નોંધાઈ હતી.
ટેરિફ વૉર, રેટ કટ, બજેટની અસર
ડોનાલ્ડ ટ્રમ્પે એક ફેબ્રુઆરીએ ગેરકાયદે ઈમિગ્રેશન અને ડ્રગના ગેરકાયદે વેપારના કારણે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા અને ચીન પર 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. બાદમાં ત્રણ ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પે રાહત આપતાં કેનેડા અને મેક્સિકોને બોર્ડર સિક્યોરિટી માટે મજબૂત કાયદો ઘડવા બદલ ટેરિફમાં 30 દિવસનો સમય આપ્યો હતો. ટ્રમ્પના આ પગલાંથી ટેરિફ વૉરની ભીતિ હળવી થતાં શેરબજાર ઉછળ્યા હતાં.
આરબીઆઈ આ સપ્તાહે યોજનારી મોનેટરી પોલિસીમાં વ્યાજના દર 25 બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે તેવી અપેક્ષાઓ છે. જેના પગલે બેન્કિંગ શેરો તેજીમાં આવ્યા હતાં. વધુમાં બજેટમાં મધ્યમવર્ગ માટે મોટી રાહત આપતાં ટેક્સમાં ઘટાડો અને અન્ય પ્રોત્સાહક જાહેરાતોની બજાર પર અસર થઈ છે હવે બજારમાં ત્રિમાસિક પરિણામોના આધારે પોતાની આગામી ચાલ નિર્ધારિત કરશે.