શેરબજારમાં મોટાપાયે ઉથલ-પાથલ, સ્મોલકેપ-મિડ કેપના રોકાણકારો રાતા પાણીએ રોયા, સાત લાખ કરોડનું નુકસાન
Stock Market Closing Bell: વૈશ્વિક પડકારો વચ્ચે શેરબજાર સળંગ આઠમા દિવસે તૂટ્યા છે. સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટાપાયે ઉથલ-પાથલ જોવા મળી હતી. જેમાં સ્મોલકેપ અને મિડ કેપ ઇન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટતાં રોકાણકારો રાતા પાણીએ રોયા હતા.
સેન્સેક્સમાં 1,000 પોઇન્ટની વોલેટિલિટી
સેન્સેક્સમાં આજે ઇન્ટ્રા ડે 1043.42 પોઇન્ટની વોલેટિલિટી બાદ અંતે 199.76 પોઇન્ટના ઘટાડે 75939.21 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 50 પણ 22800ની ટેકાની સપાટી તોડી 22774.85ના ઇન્ટ્રા ડે લો લેવલે પહોંચ્યો હતો. જે અંતે 102.15 પોઇન્ટના કડાકે 22929.25 પર બંધ રહ્યો હતો. લાર્જકેપની તુલનાએ સ્મોલકેપ અને મિડ કેપ શેરોમાં મોટાપાયે વેચવાલીના પગલે રોકાણકારોએ આજે 7.26 લાખ કરોડ ગુમાવ્યા હતા.
આ પણ વાંચોઃ 9 ધારાસભ્યોના નામ શોર્ટલિસ્ટ, તારીખ પણ નક્કી: દિલ્હીના CM માટે ભાજપનો પ્લાન તૈયાર
સ્મોલકેપ 1500 પોઇન્ટ તૂટ્યો
સ્મોલકેપ અને મિડ કેપ શેરોમાં મોટા કડાકા સાથે ઇન્ડેક્સ ક્રમશઃ 1522.44 પોઇન્ટ અને 1056.32 પોઇન્ટ તૂટ્યો હતો. પીએસયુ, રિયાલ્ટી અને પાવર શેરોમાં પણ કડડભૂસ થતાં ઇન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યા હતા. શેરબજાર આજે એકંદરે રેડઝોનમાં રહ્યું હતું.
641 શેર વર્ષના તળિયે
સેન્સેક્સ પેકમાં આજે ટ્રેડેડ કુલ 4083 સ્ક્રિપ્સ પૈકી 686માં જ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 3316 શેર ઘટાડે બંધ રહ્યા હતા. 47 શેર વર્ષની ટોચે અને 641 શેર વર્ષના તળિયે તૂટ્યા હતા. તદુપરાંત 116 શેરમાં અપર સર્કિટ અને 480 શેર લોઅર સર્કિટ વાગી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ ટેરિફ મુદ્દે કોઈ રાહતના સંકેત જણાઈ રહ્યા નથી. વધુમાં રશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ડ્રોન વડે હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ વધી છે. સ્થાનિક સ્તરે પણ નબળા ત્રિમાસિક પરિણામો, રૂપિયામાં કડાકાની અસર શેરબજારમાં જોવા મળી છે.