Get The App

સેન્સેક્સ 227 પોઈન્ટ વધીને 76760

- શેરોમાં સુધારાની હેટ્રિક છતાં ઉછાળે વોલેટીલિટી જારી : નિફટી ૮૬ પોઈન્ટ વધીને ૨૩૨૪૯

- સ્મોલ, મિડ કેપ શેરોમાં જળવાયેલું પસંદગીનું આકર્ષણ : કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફરી ધોવાણ

Updated: Jan 31st, 2025


Google News
Google News
સેન્સેક્સ 227 પોઈન્ટ વધીને 76760 1 - image


કેપિટલ ગેઈન ટેક્ષમાં વધારો, સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષમાં ફેરફાર થશે ?

મુંબઈ : કેન્દ્રિય બજેટ શનિવારે ૧લી ફેબુ્રઆરીના રજૂ થતાં પૂર્વે શેરોમાં આજે સળંગ ત્રીજા દિવસે સુધારો આગળ વધ્યો હતો. અલબત બજેટ રજૂ થતાં પૂર્વે ફરી અટકળોનું બજાર ગરમ થતાં શેરોમાં વોલેટીલિટી વધી હતી. શેર બજારોને સીધી અસર કરતી કેટલીક જોગવાઈઓ પૈકી કેપિટલ ગેઈન ટેક્ષમાં વધારો થવાની અને સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં ફેરફાર સંબંધિત કેટલીક જોગવાઈ આવી શકે એવી ચર્ચાએ વેગ પકડતાં આજે ફંડો, ઈન્વેસ્ટરો ઉછાળે નવી મોટી ખરીદીમાં સાવચેત બની ગયા હતા.  યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખવામાં આવતાં અમેરિકી બજારોમાં ગઈકાલે નરમાઈ સામે કોર્પોરેટ પરિણામો પોઝિટીવ રહેવા સાથે યુરોપીયન સેન્ટ્રલ બેંક (ઈસીબી) દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વચ્ચે યુરોપના બજારોમાં મજબૂતી રહી હતી.

ઉછાળે સાવચેતી : સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૪૩૦ પોઈન્ટ, નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે ૧૫૯ પોઈન્ટ ઉછળ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટું ઓફલોડિંગ થયા સામે પસંદગીના કેપિટલ ગુડઝ-પાવર શેરો અને હેલ્થકેર-ફાર્મા શેરો, ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણે અફડાતફડીના અંતે બજાર પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ આરંભમાં  ૪૨૯.૯૨ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૭૬૯૬૨.૮૮ સુધી પહોંચી પાછો ફરી આઈટી ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલીના પરિણામે અને અન્ય પ્રમુખ શેરો ઘટતાં સેન્સેક્સ નીચામાં ૭૬૪૦૧.૧૩ સુધી આવી અંતે ૨૨૬.૮૫ પોઈન્ટ વધીને ૭૬૭૫૯.૮૧ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં ૧૫૮.૯૫ પોઈન્ટ ઉછળી ઉપરમાં ૨૩૩૨૨.૦૫ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૩૧૩૯.૨૦ સુધી આવી અંતે ૮૬.૪૦ પોઈન્ટ વધીને ૨૩૨૪૯.૫૦ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૮૮ પોઈન્ટ તૂટયો : વ્હર્લપુલ રૂ.૩૧૫, વોલ્ટાસ રૂ.૨૦૮ તૂટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે વેચવાલીના પરિણામે બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૮૮.૦૨ પોઈન્ટ તૂટીને ૫૬૨૯૦.૯૯ બંધ રહ્યો હતો. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૧૫.૫૦ તૂટી રૂ.૧૨૬૨.૧૫, વોલ્ટાસ રૂ.૨૦૮.૧૦ તૂટી રૂ.૧૨૬૮.૨૦, કલ્યાણ જવેલર્સ રૂ.૯.૧૦ તૂટીને રૂ.૪૪૦.૩૦, બ્લુ સ્ટાર રૂ.૨૫.૩૦ ઘટીને રૂ.૧૮૦૨, ક્રોમ્પ્ટન રૂ.૨.૮૦ ઘટીને રૂ.૩૪૨, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧.૩૫ ઘટીને રૂ.૩૮૧૦.૯૫ રહ્યા હતા.

આઈટી શેરોમાં ફરી ઉછાળે પ્રોફિટ બુકિંગ : સિગ્નિટી રૂ.૯૨, ઈન્ટેલેક્ટ રૂ.૪૮, ઓરેકલ રૂ.૫૪૨ તૂટયા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે ચાઈનીઝ સ્ટાર્ટઅપ ડીપસીકે સસ્તુ મોડલ રજૂ કરીને વિશ્વના આઈટી ક્ષેત્રને હચમચાવી મૂકતાં આગામી દિવસોમાં ઘણી આઈટી કંપનીઓના બિઝનેસમાં આવક ઘટવાના અંદાજો વચ્ચે આજે ફરી આઈટી શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી.  કોફોર્જ રૂ.૪૨૦.૪૫ તૂટીને રૂ.૮૩૨૬.૧૦, એમ્ફેસીસ રૂ.૧૩૩.૭૦ ઘટીને રૂ.૨૮૭૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૮.૫૦ ઘટીને રૂ.૪૫૮.૬૦, પર્સિસ્ટન્ટ રૂ.૨૧૧.૨૦ તૂટીને રૂ.૬૦૭૩, ન્યુજેન રૂ.૩૩.૮૦ ઘટીને રૂ.૧૦૫૦.૦૫, સાસ્કેન રૂ.૫૪.૧૦ ઘટીને રૂ.૧૭૩૩.૪૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૯૭.૨૨ પોઈન્ટ ઘટીને ૪૧૬૬૪.૩૪ બંધ રહ્યો હતો.

ફાર્મા શેરોમાં બ્લુજેટ, બ્લિસ જીવીએસ, લૌરસ, ગ્રેન્યુઅલ્સમાં તેજી : હેલ્થકેર ઈન્ડેક્સ ૪૭૦ ઉછળ્યો

ફાર્મા-હેલ્થકેર શેરોમાં આજે પણ ફંડોની સતત પસંદગીની ખરીદી રહી હતી. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૭૦.૨૬ પોઈન્ટ ઉછળીને ૪૧૬૧૯.૮૦ બંધ રહ્યો હતો. ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૨૯.૩૫ વધીને રૂ.૫૬૪.૪૦, અમી ઓર્ગેનિક્સ રૂ.૯૮.૮૫ વધીને રૂ.૨૩૫૭.૬૫, લાલપથ લેબ્સ રૂ.૧૧૯.૩૦ વધીને રૂ.૨૮૭૯.૪૦, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૧૮.૧૦ વધીને રૂ.૬૪૬.૩૫, અબોટ ઈન્ડિયા રૂ.૬૭૩.૩૦ વધીને રૂ.૨૬,૧૪૯.૯૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ છતાં પસંદગીનું જળવાયેલું આકર્ષણ : ૨૧૩૮ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં બે દિવસ સળંગ તેજી બાદ આજે પણ પસંદગીનું આકર્ષણ જળવાયું  હતું, પરંતુ ઘણા શેરોમાં ઉછાળે વેચવાલી જોવાઈ હતી. માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૦૭૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૩૮ અને ઘટનારની સંખ્યા ૧૮૧૨ રહી હતી.

ટાટા મોટર્સના નબળા પરિણામે રૂ.૫૫ તૂટયો : ટીઆઈ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, બોશ, મહિન્દ્રા વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સનો ત્રિમાસિક નફો ૨૨ ટકા ઘટીને રૂ.૫૪૫૧ કરોડ થતાં શેર રૂ.૫૫.૪૫ તૂટીને રૂ.૬૯૭, મધરસન સુમી રૂ.૨.૪૦ ઘટીને રૂ.૧૩૮.૮૦, ભારત ફોર્જ રૂ.૯.૦૫ ઘટીને રૂ.૧૧૮૬ રહ્યા હતા. ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૦૧.૫ વધીને રૂ.૩૨૯૪.૬૦, હીરો મોટોકોર્પ રૂ.૧૦૫.૯૦ વધીને રૂ.૪૧૮૦.૩૦, અપોલો ટાયર રૂ.૮.૭૫ વધીને રૂ.૪૩૨.૭૦, બોશ રૂ.૪૫૫.૮૦ વધીને રૂ.૨૮,૫૯૬, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૪.૧૦ વધીને રૂ.૨૯૭૯.૩૦, બજાજ ઓટો રૂ.૧૨૮.૮૫ વધીને રૂ.૮૭૫૬.૩૫ રહ્યા હતા.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૧૭.૮૭ લાખ કરોડ

શેરોમાં આજે વોલેટીલિટીના અંતે સુધારો સતત ત્રીજા દિવસે આગળ વધ્યા સાથે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૧૭.૮૭ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની કેશમાં રૂ.૪૫૮૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૧૬૬ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  ગુરૂવારે કેશમાં રૂ.૪૫૮૨.૯૫  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૫૧૩.૬૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૦૯૬.૫૮ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૧૬૫.૮૯ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૩,૯૩૪.૩૫  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૭૬૮.૪૬ કરોડની વેચવાલી થઈ હતી.

Tags :
Sensex

Google News
Google News