વોલેટીલિટી બાદ સેન્સેક્સ 1089 પોઈન્ટ ઉછળી 74227
- નિફટી ૩૭૪ પોઈન્ટની છલાંગે ૨૨૫૩૬ : FPIs/FIIની રૂ.૪૯૯૪ કરોડની વેચવાલી
- અમેરિકા વિરૂધ્ધ વિશ્વને બદલે હવે ટ્રેડ વોર ડ્રેગન ચાઈના વિરૂધ્ધમાંપરિણમતાં વૈશ્વિક બજારોમાં ઉડાઉડ અટકતાં શેરોમાં શોર્ટ કવરિંગ
મુંબઈ : વિશ્વને પોતાના આકરાં ટેરિફથી બાનમાં લેનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વર્લ્ડ ટ્રેડ વોર અનેક દેશોને હચમચાવીને વાટાઘાટના ટેબલ પર આવવા મજબૂર કર્યા બાદ હવે આ યુદ્વ વિશ્વ સામે નહીં, પરંતુ અમેરિકા વિરૂધ્ધ ચાઈનામાં પરિણમતાં આજે વૈશ્વિક બજારોમાં મંદીની ઉડાઉડ અટકી પ્રત્યાઘાતી મોટો ઉછાળો આવ્યો હતો. ભારતીય શેર બજારો પણ લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે તક ઝડપીને પેનીકમાં રૂ.૧૨,૦૦૦ કરોડથી વધુ રકમના શેરોની જંગી ચોખ્ખી ખરીદી કર્યા બાદ આજે વર્લ્ડ માર્કેટ પાછળ વધુ તેજી કરી હતી. અલબત નિષ્ણાંતોમાં હજુ ઘણા શેરોમાં વેલ્યુએશન સસ્તું નહીં થયું હોઈ સાવચેત રહેવાની સલાહએ આજે ઉછાળે ઈન્વેસ્ટરો હળવા થયા હતા.
ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૧૭૨૧ પોઈન્ટ ઉછળી ૭૪૮૫૯
નવી લેવાલીએ સેન્સેક્સને ૭૪૦૦૦ની સપાટી અને નિફટી ૫૦ ઈન્ડેક્સને ૨૨૫૦૦ની સપાટી પાર કરાવી હતી. સેન્સેક્સ આગલા દિવસના બંધ સામે આજે ગેપ અપ ઓપનીંગ સાથે ખુલ્યા બાદ એક તબક્કે ૧૭૨૧.૪૯ પોઈન્ટના ઉછાળો ઉપરમાં ૭૪૮૫૯.૩૯ સુધી પહોંચ્યો હતો. જે વોલેટીલિટીના અંતે ૧૦૮૯.૧૮ પોઈન્ટ વધીને ૭૪૨૨૭.૦૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ ઈન્ડેક્સ ગેપ અપ ઓપનીંગમાં ૨૨૪૪૬.૭૫ મથાળે ખુલ્યા બાદ એક તબક્કે ૫૩૫.૬૦ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૨૨૬૯૭.૨૦ સુધી પહોંચી અંતે ૩૭૪.૨૫ પોઈન્ટ વધીને ૨૨૫૩૫.૮૫ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેલ્યુબાઈંગ
અમેરિકાએ ચાઈના પર વધુ ટેરિફ લાદતાં અને હજુ ૫૦ ટકા ટેરિફ લાદવાની ચેતવણી આપતાં ભારત પર ૨૬ ટકા ટેરિફ છતાં ભારતની નિકાસોને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોનું શોર્ટ કવરિંગ સાથે આજે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતું. ટાઈટન કંપની રૂ.૯૯.૬૦ ઉછળીને રૂ.૩૧૨૩.૨૫, વોલ્ટાસ રૂ.૨૪.૬૦ વધીને રૂ.૧૩૨૦.૩૦, આદિત્ય બિરલા ફેશન રૂ.૩.૬૦ વધીને રૂ.૨૪૮.૯૫, કલ્યાણ જવેલર્સ રૂ.૬.૦૫ વધીને રૂ.૪૯૨.૪૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં ઉછાળો
કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફ્રન્ટલાઈન શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન કવર થતાં અને લોકલ ફંડોના પસંદગીના વેલ્યુબાઈંગે શેરોમાં તેજી જોવાઈ હતી. ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૮.૩૦ વધીને રૂ.૨૮૧.૪૫, લાર્સન એન્ડ ટુબ્રોમાં કવરિંગ સાથે વેલ્યુબાઈંગે રૂ.૯૦.૩૫ વધીને રૂ.૩૧૬૧.૨૦, આરવીએનએલ રૂ.૭.૯૦ વધીને રૂ.૩૪૪.૫૦, સીજી પાવર રૂ.૧૨.૬૫ વધીને રૂ.૫૫૩, એબીબી ઈન્ડિયા રૂ.૯૭.૬૫ વધીને રૂ.૫૦૬૬.૭૫ રહ્યા હતા.
બેંકિંગ-ફાઈનાન્સ શેરો વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી સાથે શોર્ટ કવરિંગ થયું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૨.૪૦ વધીને રૂ.૭૬૯.૧૫, બેંક ઓફ બરોડા રૂ.૬.૫૫ વધીને રૂ.૨૩૫.૮૦, એક્સિસ બેંક રૂ.૨૮.૫૫ વધીને રૂ.૧૦૭૭.૫૦, કેનેરા બેંક રૂ.૨.૨૫ વધીને રૂ.૮૯.૩૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૧.૬૫ વધીને રૂ.૧૨૯૯.૩૦, કોટક બેંક રૂ.૧૫.૨૫ વધીને રૂ.૨૦૫૪.૪૫, એચડીએફસી બેંક રૂ.૧૦.૯૫ વધીને રૂ.૧૭૬૯.૧૦ રહ્યા હતા.
ધબડકા બાદ સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓનું વેલ્યુબાઈંગ : ૨૬૧૮ શેરો પોઝિટીવ બંધ
ટ્રમ્પના ટેરિફ આતંકથી વિશ્વના બજારો હચમચી ગયા બાદ આજે રિકવરી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ઈન્વેસ્ટરોએ વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૦૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૧૮ અને ઘટનારની સંખ્યા ૫૬૭ રહી હતી.
DIIની રૂ.૩૦૯૭ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે મંગળવારે શેરોમાં કેશમાં રૂ.૪૯૯૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૦૯૭.૨૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ રૂ.૭.૩૨ લાખ કરોડ વધી
કડાકા બાદ વેલ્યુબાઈંગ સાથે ફંડો સક્રિય બની સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીની ખરીદી સાથે સેન્સેક્સ, નિફટીમાં તેજીના પરિણામે આજે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭.૩૨ લાખ કરોડ વધીને રૂ.૩૯૬.૫૭ લાખ કરોડ રહ્યું હતું.