શેરબજારમાં તેજીની આગેકૂચ, સેન્સેક્સ અને નિફ્ટી સળંગ ત્રીજા દિવસે નવી રેકોર્ડ ટોચે, 243 શેરોમાં અપર સર્કિટ
Stock Market Today: લોકસભા ચૂંટણીના પરિણામોનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ શેરબજારમાં તેજીએ જોર પકડ્યું છે. સળંગ ત્રીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. આ સિવાય મીડકેપ, ટેલિકોમ ઈન્ડેક્સમાં પણ નવી ઐતિહાસિક ટોચ નોંધાઈ છે.
આજે સેન્સેક્સ 245.07 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ વધી 75679.67ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. 11.10 વાગ્યે 173.95 પોઈન્ટ ઉછળી 75584 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 23043.20ની નવી સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 31.95 પોઈન્ટ ઉછાળે 22989.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં તેજી
રિયાલ્ટી શેરો છેલ્લા કેટલાક સમયથી આકર્ષક ઉછાળા સાથે આગેકૂચ કરી રહ્યા છે. જેના પગલે રિયાલ્ટી ઈન્ડેક્સ છેલ્લા લગભગ પંદરેક દિવસથી રોજ નવી ટોચ બનાવી રહ્યો છે. જો કે, તે હજી તેની ઓલટાઈમ હાઈ 13848.09 (8 જાન્યુઆરી, 2008)થી ઘણો દૂર છે. આજે નવી 8166.97ની 52 વીક હાઈ સપાટી બનાવી હતી.
257 શેરોમાં અપર સર્કિટ
બીએસઈ ખાતે આજે 257 શેરો અપર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. 225 શેરોમાં લોઅર સર્કિટ વાગી છે. 185 શેરોએ વર્ષની નવી ટોચ નોંધાવી છે, જ્યારે 37 શેરો 52 વીક લો લેવલે પહોંચ્યા છે. 11.00 વાગ્યે માર્કેટ કેપ રૂ. 420.51 લાખ કરોડ થઈ હતી.
બજારના નિષ્ણાતોએ કોઈપણ સંભવિત રેટ કટ અંગેના મક્કમ સંકેતો માટે વધુ ફેડના નિવેદનો અને પગલાં પર નજર રાખતાં સાવચેતીનું વલણ અપનાવવાની સલાહ આપી હતી. બજાર રેટ કટની અપેક્ષા રાખી રહ્યું છે પરંતુ સમય અને ક્વોન્ટમ અંગે અનિશ્ચિતતા છે, એમ ઉમેર્યું હતું કે બજારો ફુગાવાના ડેટામાંથી ટૂંકા ગાળાના રાહત મેળવી શકે છે.