ઈરાન પર ઈઝરાયલના હુમલાથી ભારતીય શેરબજાર કડડભૂસ, રોકાણકારોના 3.41 લાખ કરોડ ધોવાયા
Stock Market Today: ઈઝરાયલે ઈરાન પર હુમલો કરતાં વૈશ્વિક સ્તરે તણાવ વધ્યો છે. પરિણામે શેરબજારો સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા છે. આજે સેન્સેક્સ આજે ઘટ્યા મથાળે ખૂલ્યા બાદ 672.53 પોઈન્ટ સુધી તૂટી 72 હજારની સપાટી ગુમાવી હતી. નિફ્ટી પણ 120 પોઈન્ટથી વધુ તૂટી 21777.65 થયો હતો. 10.26 વાગ્યે 116.05 પોઈન્ટ તૂટી 21879.80 અને સેન્સેક્સ 395.07 પોઈન્ટ તૂટી 72093.93 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ઈઝરાયલે ઈરાનના હુમલાનો જવાબ આપતાં ઈરાન પર મિસાઈલો છોડી છે. ઈરાન, ઈરાક અને સિરિયા પર હુમલો થતાં ક્રૂડ અને સોના-ચાંદીની કિંમતો વધી હતી. વૈશ્વિક તણાવો વધતાં એશિયન, યુરોપિયન અને યુએસ શેરબજારોમાં સાર્વત્રિક ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કેઈ 2 ટકા, ઓસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા કોસ્પી 1 ટકા સુધી તૂટ્ય હતા. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ફુગાવો વધવાની ભીતિ ભારત સહિત વિશ્વના અન્ય દેશો દર્શાવી રહ્યા છે.
3526માંથી 2288 શેરો તૂટ્યા
10.32 વાગ્યા સુધીમાં બીએસઈ સેન્સેક્સ ખાતે ટ્રેડેડ 3526 સ્ક્રિપ્સમાંથી 2288 શેરો ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 1082 સ્ક્રિપ્સ સુધારા તરફી કારોબાર થઈ રહી છે. 195 શેરોમાં લોઅર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકમાં આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિત 7 શેરો સુધારા તરફી અને 22 શેરો ઘટાડા તરફી કારોબાર થઈ રહ્યા છે.
રોકાણકારોની મૂડી 3.42 લાખ કરોડ ઘટી
શેરબજારમાં મંદીનુ જોર વધતાં 10.35 વાગ્યા સુધીમાં રોકાણકારોની મૂડી 3.42 લાખ કરોડ ઘટી હતી. મધ્ય-પૂર્વમાં જિયોપોલિટિકલ ક્રાઈસિસમાં વધારાના કારણે રોકાણકારોએ પ્રોફિટ બુક કરી નવી ખરીદી પ્રત્યે સાવચેતીનું વલણ દર્શાવ્યું છે. તણાવ વચ્ચે ઘટાડો વધવાની ભીતિ સાથે શેરબજાર માટે શુક્રવાર બ્લેક ફ્રાઈડે સાબિત થઈ શકે છે. બોન્ડ યીલ્ડ સુધરી છે.