સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટુ ગાબડું, રોકાણકારોએ 10 લાખ કરોડ ગુમાવ્યા, રિયાલ્ટી શેર્સમાં ધોવાયા
Stock Market Crash: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલી અને સેબી દ્વારા એફએન્ડઓના નિયમોને આકરા કરવાની જાહેરાતની અસર પણ સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી છે.
સેન્સેક્સ 83000 અંદર
સેન્સેક્સ આજે 1832.27 પોઈન્ટના ગાબડાં સાથે 82432.02ની બોટમે પહોંચ્યો હતો. અંતે 1769.19 પોઈન્ટ તૂટી 82497.10 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 566.6 પોઈન્ટ તૂટી 25500ની અતિ મહત્ત્વની સપાટી ગુમાવી હતી. અંતે 546.80 પોઈન્ટના કડાકા સાથે 25250.10 પર બંધ રહ્યો હતો.
રોકાણકારોની મૂડી 10 લાખ કરોડ ઘટી
છેલ્લા કેટલાક દિવસથી રોકાણકારોને લીલા લહેર કરાવનાર શેરબજારે આજે રાતા પાણીએ રોવડાવ્યા છે. ગઈકાલની રજા બાદ આજે માર્કેટમાં મોટો કડાકો નોંધાતા મૂડીમાં રૂ. 9.74 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4072 શેર્સ પૈકી 2864 શેર્સ ઘટાડે બંધ રહ્યા હતા. જ્યારે 1120 શેર્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.
મીડકેપ-સ્મોલકેપમાં ગાબડું
સાર્વત્રિક વેચવાલીના માહોલ સાથે મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 2 ટકા સુધીનું ગાબડું નોંધાયુ હતું. મેટલ સિવાય તમામ કોર સેક્ટર ઈન્ડાઈસિસ 1થી 2.50 ટકા સુધી તૂટ્યા હતા. રિયાલ્ટી ઈન્ડેક્સ સૌથી વધુ 4.62 ટકા કડાકા સાથે ટોપ લૂઝર રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 10 ટકાથી વધુ તૂટ્યો હતો.