શેરબજાર માટે ઑક્ટોબર મહિનો અશુભ સાબિત થયો, રોકાણકારોના રૂ. 30 લાખ કરોડ ડૂબ્યા
Sensex Nifty Crash: સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે મોટો કડાકો નોંધાતા ઇન્ડેક્સ 1.25 ટકા સુધી તૂટ્યા છે. આજે એક દિવસમાં જ રોકાણકારોની મૂડી રૂ. 8.64 લાખ કરોડ ઘટી છે. જ્યારે છેલ્લા બે દિવસમાં ડબલ ડિજીટ 13.14 લાખ કરોડનું નુકસાન થયું છે. જ્યારે ઑક્ટોબર મહિનામાં અત્યારસુધી 29.85 લાખ કરોડ ગુમાવ્યા છે.
સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો
સેન્સેક્સ આજે ઇન્ટ્રા ડે 1354.71 પોઇન્ટની વોલેટિલિટીના અંતે 930.55 પોઇન્ટ તૂટી 80220.72ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 309 પોઇન્ટના કડાકા સાથે 24500નું અતિ મહત્ત્વનું સપોર્ટ લેવલ તોડી 24472.10 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં એકમાત્ર આઇસીઆઇસીઆઇ બૅન્ક 0.67 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. તે સિવાય તમામ 28 શેર્સમાં 3.62 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઇન્ફોસિસ સ્ટેબલ રહ્યો હતો. BSE ખાતે આજે 601 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે.
માર્કેટમાં ઘટાડા પાછળનું કારણ
નબળા ત્રિમાસિક પરિણામો, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ સહિતના પરિબળોના કારણે ભારતીય શેરબજાર પર મંદીનું જોર વધ્યું છે. એફઆઇઆઇએ ઑક્ટોબરમાં ગઈકાલ સુધીમાં કુલ રૂ. 82479.7 કરોડનું ફંડ પાછું ખેંચી લીધું છે. ચીનના રાહત પેકેજના કારણે આર્થિક રિકવરીની અપેક્ષાએ વિદેશી રોકાણકારો નીચા ભાવે ચીનના બજારમાં રોકાણ કરી રહ્યા છે. જો કે, સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 77402 કરોડની ખરીદી નોંધાવી માર્કેટને મોટા કડાકાથી બચાવ્યું છે.
ઓલટાઇમ હાઇથી કડડભૂસ
સેન્સેક્સ અને નિફ્ટી 27 સપ્ટેમ્બરના રોજ તેની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા. જ્યાંથી માર્કેટમાં હાઇ વોલેટિલિટી વચ્ચે આજના બંધ સામે 6 ટકાથી વધુ તૂટ્યા છે. રોકાણકારોને પણ 32 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. સેન્સેક્સ ઑક્ટોબરમાં 4 ટકા અને નિફ્ટી 5 ટકા તૂટ્યો છે.
સેન્સેક્સ નિફ્ટીમાં મોટો કડાકો
સ્થાનિક શેરબજારમાં ઊંચી વોલેટિલિટીના પગલે મંદીનું જોર વધ્યું છે. સ્મોલ કેપ અને મીડકેપ શેર્સમાં મોટાપાયે વેચવાલી નોંધાઈ છે. ઓટો અને રિયાલ્ટી શેર્સ પણ તૂટ્યા છે. યુએસ બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિ, ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતાઓ વચ્ચે માર્કેટમાં મંદી જોવા મળી છે. ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો પણ અપેક્ષા કરતાં નબળા રહેતાં તેમજ આરબીઆઇ દ્વારા બીજા ત્રિમાસિકમાં સ્લોડાઉન રહેવાનો સંકેત સહિત વિવિધ પરિબળો માર્કેટને અસર કરી રહ્યા હોવાનું જિયોજિત ફાયનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું છે. જેથી રોકાણકારોને થોભો અને માર્કેટ સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવા સલાહ આપી રહ્યા છે.
ડિસ્ક્લેમરઃ
(અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે, જે રોકાણ અંગે સલાહ આપતી નથી. રોકાણ કરતાં પહેલાં માર્કેટ નિષ્ણાત કે ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)