શેરબજાર સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ, સેન્સેક્સ 85000 ક્રોસ, 258 શેરો વાર્ષિક ટોચે
Stock Market Today: ભારતીય શેરબજાર અવિરત તેજી સાથે સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ થયા છે. સેન્સેક્સ પ્રથમ વખત 85000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે, જ્યારે નિફ્ટી 26000ના લેવલથી થોડે જ દૂર છે. એનર્જી-ઓઈલ શેરોમાં તેજી સાથે બીએસઈ ખાતે આજે વધુ 258 શેરો નવી વાર્ષિક ટોચે પહોંચ્યા છે.
સેન્સેક્સ અને નિફ્ટી આજે ઘટાડે ખૂલ્યા બાદ ધીમી ગતિએ આગેકૂચ કરી રહ્યા છે. ફ્લેટ શરૂઆત બાદ 10 વાગ્યે ઉછાળો નોંધાતાં સેન્સેક્સ 85058.55 અને નિફ્ટી 25981.50ની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી 50 ખાતે ટ્રેન્ડ 50-50 જોવા મળ્યો હતો. એટલે કે 25 શેરો સુધારા તરફી અને 25 શેરો ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 11.00 વાગ્યે નિફ્ટી 15.60 પોઈન્ટ ઉછળી 25954.65 પર, જ્યારે સેન્સેક્સ 38.59 પોઈન્ટ ઉછળી 84967.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
શેરબજારમાં સાવચેતીનું વલણ
બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં 282 શેરોમાં અપર સર્કિટ અને 259 શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. કુલ ટ્રેડેડ 3842 સ્ક્રિપ્સ પૈકી 2034 ગ્રીન ઝોનમાં અને 1643 રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી. જો કે, માર્કેટ નિષ્ણાતોના મતે રોકાણકારોને સાવચેતી પૂર્વક ટ્રેડિંગ નિર્ણય લેવા સલાહ છે. ઈઝરાયલ દ્વારા લેબનોનમાં થઈ રહેલા હુમલાના લીધે વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ તણાવ વધ્યો છે.
મેટલ શેરોમાં તેજી, બેન્કિંગ સ્ટોક્સમાં ગાબડું
સેક્ટોરલ ઈન્ડેક્સમાં મેટલ શેરોમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. નેશનલ એલ્યુમિનિયમ, એનએમડીસી, વેદાંત સ્ટીલ, SAIL શેરો 5 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ખાતે લિસ્ટેડ 10 સ્ક્રિપ્સમાં ઉછાળો નોંધાતા મેટલ ઈન્ડેક્સ 2 ટકા ઉછાળે ટ્રેડેડ છે. બીજી તરફ બેન્કિંગ સ્ટોક્સમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું છે. બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ વધતાં ઈન્ડેક્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં વધતા જિઓ-પોલિટિકલ તણાવના લીધે ક્રૂડના ભાવમાં તેજી જોવા મળી છે. જેની અસર ઈક્વિટી બજારો પર થઈ શકે છે. સોનું અને વોલેટિલિટી ઈન્ડેક્સ પણ વધ્યો છે. જો કે, ભારતીય શેરબજારો પડકારો વચ્ચે પણ મજબૂતાઈથી આગેકૂચ કરી રહ્યા છે. જે એકંદર સેન્ટિમેન્ટ તેજીનું દર્શાવે છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.